યોગીજીનું સનાતન બજેટ: માત્ર ધર્મનું જ નહીં, લોકોનું કલ્યાણ કરતું અંદાજપત્ર..

કવર સ્ટોરી -વિજય વ્યાસ
ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથના આ રૂપિયા 800 કરોડના ‘સનાતન’ બજેટમાં માત્ર ધાર્મિક સ્થાનકો-યાત્રાધામના ઉત્કર્ષની જ વાત નથી. ‘સનાતન’ના નેજા હેઠળ યોગીજીએ પ્રજાની ધાર્મિક સંવેદનાને સ્પર્શીને, જે રીતે રાજ્યને રિલિજિયસ ટુરિઝમનું સેન્ટર બનાવી દીધું એની સાથે લોક-કલ્યાણનાં કાર્યોની નવી દિશા પણ ઉઘાડી છે. આ સાથે એમણે એ પણ પુરવાર કર્યું કે એ માત્ર કટ્ટરવાદી હિંદુ નેતા નહીં, પણ એક કુશળ આર્થિક સ્વપ્નદ્રષ્ટા પણ છે.
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારના નાણાં મંત્રી સુરેશ કુમાર ખન્નાના બજેટે દેશભરમાં ખાસી ચર્ચા જગાવી છે, કેમ કે યોગી આદિત્યનાથે તેને ‘સનાતન બજેટ’ ગણાવ્યું છે. 8.08 લાખ કરોડ રૂપિયાના બજેટમાં સંખ્યાબંધ જાહેરાત કરવામાંં આવી છે. વિદ્યાર્થિનીઓને સ્કૂટી આપવાથી માંડીને મહિલાઓને સહાય સુધીની જાહેરાતો બજેટમાં થઈ છે, પણ લોકોને રસ સનાતન ધર્મ માટે ખાસ શું છે એ જાણવામાં છે ને મજાની વાત એ છે કે, બજેટમાં સનાતન ધર્મ માટે વિશેષ કશું નથી!
આમ જુવો તો ઉત્તર પ્રદેશના બજેટને સનાતન ધર્મ સાથે સીધો કોઈ સંબંધ નથી, પણ યોગીએ તેને સ્માર્ટલી ‘સનાતન’ બજેટ ગણાવી દીધું છે. યોગીનું કહેવું છે કે, આ બજેટમાં યુવાઓથી માંડીને વૃદ્ધો સુધીના બધાનું કલ્યાણ થાય એવી જોગવાઈઓ છે તેથી સનામત ધર્મના ‘સર્વે ભવન્તુ સુખિન:’ની ફિલોસોફીનું તેમાં પ્રતિબિંબ પડે છે. ‘સર્વે ભવન્તુ સુખિન:’નો મતલબ ‘બધા લોકો સુખી થાય’ એવો થાય. યોગીના દાવા પ્રમાણે ‘સર્વે લોકો સુખી થાય’ની એવી નિષ્ઠા સાથે તૈયાર થયેલા આ અંદાજપત્રમાં ગરીબ, અન્નદાતા, ખેડૂત, યુવા અને મહિલાઓને સમર્પિત છે. યોગીના કહેવા પ્રમાણે, વડા પ્રધન નરેન્દ્ર મોદીનું વિઝન-દૂરદર્શિતા મુજબ સમાજના વંચિતમાં વંચિતને પણ ફાયદો કરાવવાનું છે. આ બજેટમાં તેનું પ્રતિબિંબ છે.
‘વરને વરની મા ના વખાણે તો કોણ વખાણે?’ એ હિસાબે યોગી પોતાની સરકારના બજેટના મોંફાટ વખાણ કરે તેમાં કશું ખોટું નથી. બલકે યોગીને એ અધિકાર છે કેમ કે બજેટમાં ભલે સનાતન ધર્મને લગતું કશું સીધું ના હોય, પણ યોગીએ ઉત્તર પ્રદેશને તો સનાતન સેન્ટર બનાવી જ દીધું છે. યોગીની છાપ કટ્ટરવાદી હિંદુ નેતા તરીકેની છે અને પહેલાં એવી માન્યતા હતી કે, યોગી પાસે કોઈ આર્થિક વિઝન નથી, પણ યોગીએ જે રીતે ઉત્તર પ્રદેશને રિલિજિયસ ટુરિઝમનું સેન્ટર બનાવી દીધું છે એ જોયા પછી લાગે કે, દેશમાં બીજા કોઈ મુખ્ય મંત્રી પાસે યોગી જેવું વિઝન અને શાણપણ નથી.
યોગીજીને હિંદુત્વના નામે લોકો પાસેથી મત લેતાં પણ આવડે છે અને ધંધો કરતાં પણ આવડે છે. યોગી સરકારે અયોધ્યામાં ભવ્ય રામમંદિર અને બનારસમાં કાશી વિશ્વનાથ મંદિરના વિકાસ દ્વારા દેશભરના હિંદુ શ્રદ્ધાળુઓને ઉત્તર પ્રદેશ આવતાં કરી દીધા છે. બીજાં નાનાં નાનાં ધર્મસ્થાનો પણ વિકસાવાયાં છે. તેના કારણે દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો રૂપિયો ખેંચાઈને ઉત્તર પ્રદેશ આવી રહ્યો છે. થોડાંક વરસો પહેલાં સુધી હિંદુ શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્રમાં નાસિક-શિરડી. દક્ષિણનાં તિરુપતિ બાલાજી સહિતનાં મંદિરો કે ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા કરવા જ જતાં, પણ હવે આખો પ્રવાહ ઉત્તર પ્રદેશ તરફ વળ્યો છે. હવે લોકો બનારસ, અયોધ્યા, મથુરા સહિતનાં સ્થળે જાય છે અને યોગી આદિત્યનાથ આટલેથી અટક્યા નથી. યોગી વૃંદાવન પર્વતની આસપાસની ચૌરાસી કોસની પરિક્રમા સહિતનાં નવાં નવાં ધાર્મિક આકર્ષણો ઉમેરતા જ જાય છે તેથી હિંદુ શ્રદ્ધાળુઓનો પ્રવાહ રોકાવાનો નથી ને ઉત્તર પ્રદેશની કમાણી પણ અટકવાની નથી.
યોગીને હિંદુત્વના નામે કેવો ધીકતો ધંધો કરતાં આવડે છે તેનો પુરાવો પ્રયાગરાજમાં મહાકુંભ 2025 છે. મહાકુંભ વિશ્વનો સૌથી મોટો માનવમેળો ગણાય છે, પણ આ વખતે મળી એવી જોરદાર સફળતા પહેલાં કદી નથી મળી. યોગીએ મહાકુંભને સફળ બનાવવા બેવડી સ્ટ્રેટેજી અપનાવી. એક તરફ એમણે દેશભરમાંથી અને વિદેશમાંથી પણ આવનારા કરોડો શ્રદ્ધાળુઓની સગવડો સચવાય એટલા માટે પ્રયાગરાજમાં જોરદાર સગવડો ઊભી કરી દીધી. મહાકુંભ માટે યોગી આદિત્યનાથ સરકારે 6 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે, પણ આ તમામ રકમ ફક્ત મહાકુંભ પર જ ખર્ચવામાં આવી નથી, બલકે મોટા ભાગની રકમ પ્રયાગરાજ શહેરના નવીનીકરણ પર પણ ખર્ચવામાં આવી છે. મહાકુંભ પર તો ફક્ત 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, પણ બાકીનાં નાણાં પ્રયાગરાજમાં ખર્ચાયાં ને તેના કારણે યુપીમાં એક નવું કાયમી યાત્રાધામ ઊભું થઈ ગયું.
યોગીએ આ ખર્ચ કાઢવા માટે 144 વર્ષે મહાકુંભ યોજાય છે એવો પ્રચાર જોરશોરથી ચલાવ્યો. આ પ્રચાર ખોટો છે અને દર 12 વર્ષે આવે એવો જ આ મહાકુંભ છે એવું શંકરાચાર્યો સહિતના સાધુ-સંતો કહી ચૂક્યા છે. એ અંગે વિવાદ પણ થયો ને તેનો સાર એ જ છે કે, સનાતન ધર્મમાં 12 મહાકુંભ પછી આવતો કુંભ મેળો બહુ મોટો કહેવાય એવું કશું નથી. ખેર, આ વાતો ધર્મને લગતી છે તેથી તેના વિશે બહુ વિવાદનો મતલબ નથી, પણ યોગી સરકારે કરેલા પ્રચારના કારણે આ મહાકુંભ માટે હિંદુઓમાં જબરદસ્ત ક્રેઝ ઊભો થયો એ વાસ્તવિકતા છે. તેના કારણે આ ધાર્મિક કાર્યક્રમમાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ પહોંચી ગયા છે અને હજુ છેલ્લું સ્નાન બાકી હોવાથી આંકડો 50 કરોડ પર પહોંચી જશે એવું કહેવાય છે.
મહાકુંભ શરૂ થયો ત્યારે ‘ક્ધફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (ઈઅઈંઝ)’એ મહાકુંભમાંથી 2 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની આશા વ્યક્ત કરી હતી. મહાકુંભ ભારત અને વિશ્વમાં અર્થતંત્રનું સૌથી મોટું કેન્દ્ર બનશે એવી આગાહીઓ કરવામાં આવી હતી ને એ સાચી પડી છે. મહાકુંભના કારણે પ્રયાગરાજ અને આસપાસનાં શહેરોમાં બધા ધંધા ધમધોકાર ચાલ્યા છે. મહાકુંભમાં આવતી દરેક વ્યક્તિ 10 હજાર રૂપિયા ખર્ચ કરી રહી હોય તોપણ યુપીમાં 5 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ખેંચાઈ આવી છે.
હોટલ, ધર્મશાળા, અસ્થાયી રોકાણ, ભોજન, પૂજાસામગ્રી, આરોગ્યસંભાળ સહિતની સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જોરદાર ફાયદો થયો છે. રેલવે, ઍરલાઇન ક્ષેત્ર અને રોડ ટ્રાન્સપોર્ટને પણ મોટી આવક થઈ છે એ જોતાં યોગી માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ સાબિત થયા છે. મહાકુંભમાંથી અધધધ કમાણી કરી ને સાથે સાથે પ્રયાગરાજ તથા આસપાસના વિસ્તારોમાં જોરદાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરી દીધું. ભવિષ્યમાં તેનો જોરદાર ફાયદો યુપીને મળશે.
છેલ્લે એક રસપ્રદ વાત કરી લઈએ.
યોગીએ ઉત્તર પ્રદેશને હિંદુઓ માટે રિલિજિયસ ટુરિઝમના હબ તરીકે વિકસાવીને સારું કર્યું, પણ આ વિચાર સૌથી પહેલાં ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો. ગુજરાતમાં 1995માં પહેલી વાર ભાજપ સરકાર રચાઈ અને કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા ત્યારે ગુજરાતનાં યાત્રાધામોના વિકાસ માટે ‘ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’ બન્યું હતું. ગુજરાતમાં આવેલી મા અંબા, મા મહાકાલી વગેરેની 51 શક્તિપીઠો ઉપરાંત સોમનાથ, દ્વારકા. પાલિતાણા, બહુચરાજી વગેરે ધાર્મિક સ્થળોનો અભૂતપૂર્વ વિકાસ કરીને ગુજરાતને હિંદુ આસ્થાનું કેન્દ્ર બનાવવાનો અદ્ભુત વિચાર અમલમાં મુકાયેલો, પણ કમનસીબે ગુજરાત ભાજપના નેતાઓમાં યોગી જેવું વિઝન નહોતું તેથી ગુજરાતનાં યાત્રાધામો અયોધ્યા, બનારસ કે પ્રયાગરાજ ના બની શક્યાં.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે એમણે સ્ટેચ્યુ ઑફ યુનિટી, ધોળાવીરા, માધવપુર બીચ સહિતનાં ટુરિઝમ સ્થળો વિકસાવીને ગુજરાતને દેશના ટુરિઝમ મેપમાં મૂકી દીધેલું, પરંતુ એ પણ ગુજરાતને હિંદુ આસ્થાનું કેન્દ્ર ના બનાવી શક્યા. હિંદુઓમાં કૃષ્ણભક્ત, શિવભક્ત અને શક્તિના આરાધકો એમ ત્રણ મુખ્ય શ્રદ્ધાળુઓ છે. ત્રણેયનાં મોટાં કેન્દ્ર ગુજરાતમાં હોવા છતાં ગુજરાતને હિંદુ આસ્થાનું કેન્દ્ર ના બનાવી શકાયું અને જે ગુજરાત ન કરી શક્યું એ યોગીએ સિદ્ધ કરી બતાવ્યું…
મહાકુંભનું સમાપન: સનાતનનો ઉદય
નીલેશ દવે
14 જાન્યુઆરી – 2025થી શરૂ થયેલો મહાકુંભ હવે મહાશિવરાત્રીના સમાપનના તબક્કા છે. છેલ્લી કેટલીક સદીઓમાં યોજાયેલા મહાકુંભમાં આ સૌથી વધુ પ્રભાવશાળી કુંભમેળો ગણાશે. દર બાર વર્ષે પ્રયાગરાજમાં આવતો કુંભમેળો એ મહાકુંભ જ ગણાય છે. આપણે ત્યાં સામાન્ય રીતે દર ચાર વર્ષે કુંભમેળો યોજાય છે, નાશિક, હરિદ્વાર, ઉજજૈન અને પ્રયાગરાજ. આમાં સૌથી વધુ મહત્ત્વનો કુંભમેળો દર બાર વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે અને તે મહાકુંભ જ હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીએ જે રીતે આ કુંભમેળાનું આયોજન કર્યું છે, જે રીતે આ કુંભમેળાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે, જે રીતે આયોજન, વ્યવસ્થા, મેનેજમેન્ટ સંભાળ્યું છે તે ખરેખર કાબિલેદાદ છે. કેટલાક અનિચ્છનીય બનાવોને બાદ કરતાં આ કુંભમેળો 100 ટકા સફળ ગયો છે. હવે આ કુંભ મેળો સમાપનના અંતિમ ચરણમાં છે, પરંતુ કુંભમેળાના સમાપન સાથે જ સનાતનનો ઉદય થઈ રહ્યો છે. આમ તો જોકે 22 જાન્યુઆરી 2024ના રામમંદિરના નવનિર્માણ સાથે જ સનાતનનો પાયો મજબૂત બન્યો હતો. ભારતમાં અનેક સંપ્રદાયો અને વિશ્વમાં પણ અનેક પંથો સનાતનમાંથી જ છૂટા પડ્યા છે, પરંતુ જે રીતે રામમંદિરના નવનિર્માણ સમયે ભારતના તમામ સંપ્રદાયો એક થઈ ગયા હતા અને આ નવનિર્માણને રાષ્ટ્રીય પર્વ બનાવી દીધું હતું ત્યારથી જ સનાતન ફરી મજબૂત થશે તેવાં એંધાણ દેખાવા શરૂ થઈ ગયા હતા.
જૈન, શીખ, બૌદ્ધ કે વૈષ્ણવ યા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ રામમંદિરના ઉદ્ઘાટન સમયે જે રીતે એકતા દાખવી હતી તે રીતે જ કુંભમેળામાં પણ ભારતના ખૂણેખાંચરેથી નાતજાતના ભેદભાવ વગર લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. વર્ણવ્યવસ્થાને લઈને સનાતન ધર્મની ટીકા કરનારાઓના મોઢા પર કુંભમેળામાં ઊમટી પડેલી ભીડ એ મોટો તમાચો હતો. અનેક જૈન સંઘો, સ્વામિનારાયણ મંદિરો કે વૈષણવ હવેલીઓએ બસ, ટ્રેન, વિમાન જે મળે તે રીતે કુંભયાત્રાના આયોજન કર્યાં હતાં. મનથી સાચો સનાતની આ તમામ સંપ્રદાયોની આવી એકતા ઝંખતો અને યોગીએ કુંભ મેળાના આવા જાજરમાન આયોજન સાથે આવા સનાતનીઓની આ ઝંખના પૂર્ણ કરી હતી.
હિન્દુસ્તાનમાં બહારથી આવેલા અનેક લોકોએ વર્ણવ્યવસ્થાને લઈને અમુક ખાસ પ્રકારના નરેટિવ સેટ કર્યા હતા એ તમામ નરેટિવ પર આ કુંભે પડદો પાડી દીધો છે. આ દેશની પ્રજા એક છે, તેમનો ધર્મ એક છે, કદાચ પંથ જુદા હોઈ શકે છે, પરંતુ મંજિલ એક જ એ અનુભૂતિ આ કુંભમેળાની સફળતાથી થઈ રહી છે. વળી એ સહુ એકતા પાછળનું બીજું અને સૌથી પ્રબળ કોઈ કારણ હોય તો તે છે તમામ પંથો પર તોળાતો કટ્ટરવાદી વિચારધારાને પોષતાં ઈસ્લામિક સંગઠનો. વિશ્વના અનેક દેશમાં કેટલાક કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠનોએ કાળોકેર વર્તાવ્યો છે, ભારતમાં પણ ધીમે ધીમે તેમનો પગપેસારો થઈ રહ્યો છે. આવાં ધર્માંધ સંગઠનો સામે ટકી રહેવા માટે નાના નાના પંથો અને એક છત્રની પણ જરૂર છે એ વાત સહુને સમજાઈ રહી છે અને આમેય સનાતન ધર્મ એ આ તમામ સંપ્રદાયોની માતૃસંસ્થા જ ગણાય છે તેમાં એકાકાર થતો હોય તો કંઈ ખોટું નથી તેવી સમજ લોકોને આવી રહી છે. આનો ફાયદો સમગ્ર ભારતવાસીઓને વિશ્વમાં જે પ્રજા શાંતિ ઝંખે છે તેમને થશે. સનાતનના ઉદયનો સૂર્ય ચીરકાળ સુધી તપતો રહેશે તો સમગ્ર વિશ્વ શાંતિના માર્ગે વળશે તે ચોકકસ છે. આવા મહાન કુંભના આયોજન માટે યોગી અને મોદી શુભેચ્છાના હકદાર તો છે જ.