ટોપ ન્યૂઝનેશનલ

મહાકુંભમાં મહાજામઃ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ફરી ભીડ જામી

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જવા માટે અગાઉ પણ શ્રદ્ધાળુઓએ ભારે ભીડ જમાવી હતી. હવે જેમ જેમ કુંભમેળો પૂર્ણતાને આરે આવી રહ્યો છે તેમ તેમ શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધી રહી છે. શનિવાર-રવિવારની રજા હોવાથી પ્રયાગરાજમાં પ્રવેશવું લગભગ અશક્ય બની જાય તેટલી ભીડ છે. એક અંદાજ મુજબ લગભગ એક લાખ કરતા વધારે ગાડીઓ પ્રયાગરાજમાં એન્ટ્રી લઈ ચૂકી છે અને શનિવારે જ એન્ટ્રી પોઈન્ટ પર જામ લાગી ગયો હતો, ત્યારે આજે ફરી લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી આવ્યા હોવાનું કહેવાય છે. પ્રયાગરાજ અને ઉત્તર પ્રદેશ પ્રશાસન માટે ફરી પડકારરૂપ સ્થિતિ ઊભી થઈ છે. અગાઉ મૌની અમાસના સમયે પણ પવિત્ર સંગમમાં ડૂબકી મારવા આ રીતે જ લોકોએ ભીડ જમાવી હતી અને ટ્રાફિક જામની મોટી સમસ્યા ઊભી થઈ હતી.

તમામ સાત પોઈન્ટ પર ગાડીઓની લાંબી કતાર
પ્રયાગરાજમાં મહાકુંભમા જવા માટે સાત એન્ટ્રી પોઈન્ટ છે. આ સાતેય એન્ટ્રી પોઈન્ટ પર લાંબી લાઈન લાગી છે. ગાડીઓ અંદર આવી ચૂકી છે, પરંતુ આગળ વધી શકી નથી. શનિવારે, સંગમના મુખ્ય પ્રવેશ દ્વાર ડૉ. શ્યામા પ્રસાદ સેતુ ચાર રસ્તા પાસે લગભગ પર 3 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરહદે આવેલા રીવાના ચકઘાટ પર કેટલાય કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં હજારો વાહનો અટવાઈ પડ્યા હતા. ડાયવર્ઝનને કારણે હજારો વાહનોની કતાર લાગી છે. પ્રયાગરાજના તમામ 7 એન્ટ્રી પોઈન્ટ પર બહારથી આવતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે.

Also read: Mahakumbh: ફરી મહાકુંભમાં લાગી આગ; ઘણા તંબુ બળીને થયા રાખ

શહેરની બહાર પાર્કિંગમાં વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે. અહીંથી સંગમનું અંતર 10 થી 12 કિમીનું છે. ગાડી આગળ ન જઈ શકતા શ્રદ્ધાળુઓએ દસેક કિલોમીટર ચાલીને જવું પડે તેવી સ્થિતિ છે. મોટી ઉંમરના માટે આ અઘરું કામ બની ગયું છે. છેક બીજા રાજ્યમાંથી અહીં સુધી પહોંચેલા શ્રદ્ધાળુઓ નછૂટકે ચાલીને જવા મજબૂર બન્યા છે. પ્રશાસનની તમામ વ્યવસ્થાઓ ઓછી પડતી હોય તેમ જણાઈ રહ્યું છે કારણ કે અપેક્ષા કરતા વધારે ભીડ છેલ્લા શનિ-રવિમાં ઉમટી પડી છે.

મુખ્ય પ્રધાન યોગી પ્રયાગરાજમાં
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગઈકાલથી જ પ્રયાગરાજમાં છે. ગઈકાલે ભાજપના પ્રદેશાધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન જે પી નડ્ડાએ સંગમમાં ડૂબકી લગાવી હતી. સીએમ તેમની સાથે હતા ત્યારે આજે પણ તેઓ અહીં છે અને શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીને મળશે તેવી માહિતી મળી છે. બીજી બાજુ મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓનો આંકડો 60 કરોડ પહોંચી ગયો હોવાનું પ્રશાસન જણાવે છે. ભારત ઉપરાંત નેપાળથી પણ શ્રદ્ધાળુઓના સમૂહ આવી રહ્યા છે. કુંભમેળો 13મી જાન્યુઆરીએ શરૂ થયો હતો અને 26મી ફેબ્રુઆરીએ પૂર્ણ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button