આવતી કાલે ગમે એમ કરીને જીતો અને પાકિસ્તાનને બહાર ફેંકી દો…
દુબઈમાં બપોરે 2.30 વાગ્યાથી રોહિતસેના અને રિઝવાનના નાસીપાસ થયેલા ખેલાડીઓ વચ્ચે હાઈ-વૉલ્ટેજ મુકાબલા

દુબઈઃ આવતી કાલે અહીં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં `ફાઇનલથી પણ દમદાર’ કહી શકાય એવો મુકાબલો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે (બપોરે 2.30 વાગ્યાથી) દુબઈના મેદાન પર જોરદાર જંગ ખેલાશે અને એ જીતીને રોહિત શર્મા ઍન્ડ કંપનીને નૉકઆઉટ રાઉન્ડમાં સ્થાન મજબૂત કરી લેવાની તક મળશે. ભારતીય ટીમ 20મીએ બાંગ્લાદેશને હરાવી ચૂકી છે. બીજી તરફ, કટ્ટર હરીફ પાકિસ્તાન જો આવતી કાલે પણ હારી જશે તો સ્પર્ધાની બહાર ફેંકાઈ શકે છે.
Also read : Champions Trophy: લાહોરના સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગીત વાગ્યું; પાકિસ્તાન ક્રિકેટ મેનેજમેન્ટે લોચો માર્યો!
19મી ફેબ્રુઆરીએ ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ મૅચમાં પરાજિત થનાર પાકિસ્તાન પોતે આ સ્પર્ધાનું યજમાન હોવા છતાં તેમ જ 29 વર્ષે પોતાને આઇસીસી ટૂર્નામેન્ટ યોજવાનો મોકો મળ્યો છે એ અવસર વચ્ચે મોહમ્મદ રિઝવાન અને તેની ટીમ પર આવતી કાલે ભારતને હરાવવનું મોટું દબાણ રહેશે. આમ પણ ભારતે 2017ની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાનના હાથે જોવી પડેલી હારનો બદલો લેવાનો જ છે.
પાકિસ્તાન સામે ભારતનો છેલ્લી 11 વન-ડેનો રેકૉર્ડ જબરદસ્ત છે. ભારતે એ 11માંથી 9 મૅચ જીતી લીધી હતી અને એમાં વર્લ્ડ કપ, એશિયા કપ, ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચો પણ સામેલ છે. બીજી બાજુ, ચૅમ્પિયન્સ ટ્રોફીની જ વાત કરીએ તો પાકિસ્તાને ભારતને આ ટૂર્નામેન્ટની પાંચમાંથી ત્રણ મૅચમાં હરાવ્યું છે.
વિરાટ કોહલી થોડા સમયથી ફૉર્મમાં નથી, પણ આવતી કાલે પાકિસ્તાન સામે તે સારું રમશે જ એવી કરોડો ચાહકોને ખાતરી હશે. તે 15 રન કરશે એટલે વન-ડેમાં 14,000 રન બનાવનાર વિશ્વનો ત્રીજો, પરંતુ ફાસ્ટેસ્ટ બૅટર બન્યો કહેવાશે.
Also read : અમદાવાદની મૅચમાં કૅચ એવો હતો કે અમ્પાયરો પણ મૂંઝાઈ ગયા…
બન્ને દેશની સંભવિત ઇલેવનઃ
ભારતઃ રોહિત (કૅપ્ટન), ગિલ (વાઇસ-કૅપ્ટન), કોહલી, શ્રેયસ, રાહુલ (વિકેટકીપર), હાર્દિક, જાડેજા, અક્ષર, હર્ષિત/અર્શદીપ, શમી અને કુલદીપ.
પાકિસ્તાનઃ રિઝવાન (કૅપ્ટન, વિકેટકીપર), ઇમામ-ઉલ-હક, બાબર, શકીલ, સલમાન, તૈયબ તાહિર, ખુશદિલ, શાહીન આફ્રિદી, નસીમ, રઉફ અને અબ્રાર.