ફાઇનલમાં પહોંચવા ગુજરાતને બે રનની અને કેરળને એક વિકેટની જરૂર હતી…
ત્યાર બાદ જે બન્યું એમાં નવો ઇતિહાસ રચાઈ ગયો

અમદાવાદઃ રણજી ટ્રોફીમાં અહીં સોમવારે ગુજરાત અને કેરળ વચ્ચેની સેમિ ફાઇનલ શરૂ થઈ ત્યારે કોઈએ પણ ધાર્યું નહીં હોય કે આ મુકાબલાનો અંત ફિલ્મના ક્લાઇમૅક્સના સીનની જેમ આવશે, કારણકે ગઈ કાલે આ અત્યંત રોમાંચક મુકાબલામાં છેલ્લી ક્ષણોમાં જે કંઈ થયું એ ખૂબ રસપ્રદ છે. કેરળ 74 વર્ષના પોતાના રણજી ઇતિહાસમાં પહેલી જ વાર રણજી ટ્રોફીની સેમિ ફાઇનલમાં પહોંચ્યું એ પહેલાં સીન એ હતો કે ગુજરાતે પ્રથમ દાવની સરસાઈ મેળવીને (મૅચ ડ્રૉ થવા છતાં લીડને આધારે) ફાઇનલમાં પહોંચી જવાનું હતું, પરંતુ બન્યું એનાથી ઊલટું. કેરળે ફક્ત બે રનની સરસાઈ મેળવીને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી અને ગુજરાત આ સુવર્ણ તકમાં નિષ્ફળ ગયું હતું.
હવે નાગપુરમાં બુધવાર, 26મી ફેબ્રુઆરીથી ફાઇનલમાં કેરળ-વિદર્ભ વચ્ચે ટક્કર થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સેમિ ફાઇનલમાં કેરળે વિકેટકીપર મોહમ્મદ અઝહરુદ્દીનના અણનમ 177 રન તેમ જ ખુદ સુકાની સચિન બૅબીના 69 રનની મદદથી 457 રન બનાવ્યા હતા. કેરળના ખેલાડીઓ પહેલી વાર ફાઇનલમાં પહોંચવાના એવા સંપલ્પ સાથે રમ્યા હતા કે ગુજરાતના આઠ બોલર તેમને 450-પ્લસનો સ્કોર નોંધાવતા રોકી નહોતા શક્યા. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્ઝાન નાગવાસવાલાએ ત્રણ તેમ જ કૅપ્ટન ચિંતન ગજાએ બે વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ જેવા દિગ્ગજ સ્પિનરને એક વિકેટ 74 રનમાં પડી હતી.
ગુજરાતે જો 457 રન પણ બનાવ્યા હોત તો એને (ગ્રૂપ સ્ટેજના ચડિયાતા પોઇન્ટ બદલ) ફાઇનલમાં જવા મળ્યું હોત. જોકે બન્યું એવું કે ગુજરાતનો દાવ 455 રને સમેટાઈ ગયો અને એણે ફક્ત બે રન માટે ફાઇનલની એન્ટ્રીથી વંચિત રહેવું પડ્યું હતું.
રણજી ટ્રોફીનો નિયમ છે કે પ્રથમ ઇનિંગ્સની સરસાઈ મેળવનાર ટીમ એ મૅચમાં વિજેતા ઘોષિત થાય. ગુરુવારની સાંજે ગુજરાતનો સ્કોર 429/7 હતો. જયમીત પટેલ 74 રને અને સિદ્ધાર્થ દેસાઈ 24 રને રમી રહ્યો હતો. જોકે ગુજરાતની કમનસીબી એ હતી કે ગઈ કાલે જયમીત બીજા ફક્ત પાંચ રન બનાવીને અને દેસાઈ બીજા છ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ ટીમને સરસાઈ અપાવવાની જવાબદારી અર્ઝાન (10 રન) તથા પ્રિયજીતસિંહ જાડેજા (ત્રણ અણનમ) પર આવી હતી અને તેઓ ટીમને સરસાઈ નહોતા અપાવી શક્યા. કેરળે ફાઇનલમાં પહોંચવા (ગુજરાતને સરસાઈ મળે એ પહેલાં) માત્ર એક વિકેટ લેવાની હતી. અર્ઝાનની 10મી વિકેટ પડતાં જ ગુજરાતનો દાવ 455 રનના સ્કોર પર પૂરો થયો હતો અને કેરળે બે રનની સરસાઈ મેળવી હતી. કેરળના આદિત્ય સરવટેના બૉલમાં અર્ઝાન બિગ-શૉટ મારવા ગયો, પણ તેના શૉટમાં બૉલ નજીકમાં ઊભેલા ફીલ્ડરની હેલ્મેટ પર લાગ્યા બાદ હવામાં ઉછળ્યો હતો અને સચિન બૅબીએ કૅચ પકડી લીધો હતો. આઇસીસીના નિયમ મુજબ અમ્પાયરે અર્ઝાનને આઉટ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો…અમદાવાદની મૅચમાં કૅચ એવો હતો કે અમ્પાયરો પણ મૂંઝાઈ ગયા…
કેરળ વતી આદિત્ય સક્સેના અને જલજ સક્સેનાએ ચાર-ચાર વિકેટ લીધી હતી. એ પહેલાં, ઓપનર પ્રિયાંક પંચાલે 148 રન તથા આર્ય દેસાઈએ 73 રન બનાવ્યા હતા. તેમની વચ્ચે 131 રનની ભાગીદારી થઈ ત્યારે લાગતું હતું કે ગુજરાત સરસાઈ લેશે, પણ એનાથી ઊલટું બન્યું હતું.
બીજા દાવમાં કેરળનો સ્કોર ચાર વિકેટે 114 રન હતો ત્યારે મૅચનો ડ્રૉના પરિણામ સાથે અંત આવ્યો હતો અને કેરળની ટીમનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું હતું.