Social Media પર મુકાતી અશ્લીલ સામગ્રીને રોકવા કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી

નવી દિલ્હી : દેશમાં સોશિયલ મીડિયા(Social Media)પ્લેટફોર્મ પર મુકાતી અશ્લીલ સામગ્રી મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જેમાં હાલમાં જ રણવીર અલ્હાબાદિયાની અશ્લીલ સામગ્રી મુદ્દે પણ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. જેના પગલે સફાળી જાગેલી કેન્દ્ર સરકાર હવે સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર પર આચાર સંહિતા લાગુ કરવા તૈયારીઓ શરૂ કરી છે. જેમાં આ આચાર સંહિતાનું પાલન 5 થી 50 લાખ ફોલોઅર્સ ધરાવતા ઈનફ્લુએન્સરોએ કરવું પડશે. જેથી ભવિષ્યમાં ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ જેવા શો દેશભરના લોકોની લાગણીઓને ઠેસ ન પહોંચાડે. તેમજ રેટિંગ આપવું પણ ફરજિયાત છે.
સુપ્રીમ કોર્ટે અશ્લીલ સામગ્રી મુદ્દે લાલ આંખ કરી
આ દરમિયાન ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પરના વિવાદે દેશના લોકો સમક્ષ સોશિયલ મીડિયાનું વધુ એક કદરૂપું ચિત્ર રજૂ કર્યું છે. જેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં અલ્હાબાદિયાની અરજીની સુનાવણી દરમિયાન આકરી ટીકા કરી હતી. કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યું હતું કે સરકાર અશ્લીલ સામગ્રીને રોકવા માટે શું પગલાં લઈ રહી છે. આ માહિતી આગામી સુનાવણીમાં કોર્ટને આપવી પડશે.
સામગ્રીને રેટિંગ આપીને સ્પષ્ટતા કરવી પડશે
જેના પગલે સરકારે સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરો માટે આચારસંહિતા લાવવાની તૈયારી કરી છે.જેથી ઈનફ્લુએન્સરો તેમના દ્વારા જાહેર કરવામાં આવતી સામગ્રીમાંથી અશ્લીલતા, અભદ્રતા અને અપમાનજનક ભાષાને દૂર રાખે અથવા પોસ્ટ કરેલી અથવા પ્રકાશિત સામગ્રીનું સ્તર શું છે તે સામગ્રીને રેટિંગ આપીને સ્પષ્ટ કરે.
ઈનફ્લુએન્સરો માટે કોઈ છૂટ નહિ મળે
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરો માટે આચારસંહિતા જાહેર કરશે.આમાં, રેટિંગ ઉપરાંત ઈનફ્લુએન્સરોએ ડિસ્ક્લેમર પણ આપવું પડશે. આચાર સંહિતામાં રેટિંગ દ્વારા અશ્લીલતાનું સ્તર નક્કી કરવામાં આવશે. તેમજ 5 થી 50 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઈનફ્લુએન્સરો માટે કોઈ છૂટ રહેશે નહીં અને ફરિયાદોનો તાત્કાલિક નિકાલ સંબંધિત સત્તાવાળા, પોલીસ, વહીવટીતંત્ર અથવા અન્ય એજન્સી દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો : ડિજિટલ ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અગ્રણીને આપ્યો મોટો આદેશ, ઉલ્લંઘન થયું તો સજા થશે…
આચારસંહિતાના ઉલ્લંઘન માટે સજાની જોગવાઈ
આચારસંહિતાના ઉલ્લંઘનના કિસ્સામાં દેશમાં લાગુ પડતા હાલના ફોજદારી કાયદા અને વિશેષ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાઓમાં દંડ અને સજાની જોગવાઈઓ છે. 5 લાખ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા ઈનફ્લુએન્સરો માટે પહેલા ગુના માટે ચેતવણી, બીજા ગુના માટે દંડ અને ત્રીજા ગુના માટે કાનૂની કાર્યવાહીનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ સરકાર સોશિયલ મીડિયા પર અશ્લીલતા રોકવા માટે હાલના આઇટી એક્ટના બદલે ડિજિટલ ઇન્ડિયા બિલ લાવવા પર કામ કરી રહી છે.
તમામ પાસાઓ પર ચોક્કસ જોગવાઈઓ લાવવા આવશે
નવા કાયદામાં યુટ્યુબર્સ, ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા યુઝર્સને નિયંત્રિત કરવાની જોગવાઈઓ હશે. આ કામ લગભગ 15 મહિનાથી ચાલી રહ્યું છે. તમામ પાસાઓ પર ચોક્કસ જોગવાઈઓ લાવવા માટે નિષ્ણાતોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. આ જોગવાઈઓ ટેલિકોમ્યુનિકેશન, માહિતી ટેકનોલોજી અને માહિતી અને પ્રસારણ ક્ષેત્રો સાથે સંબંધિત હશે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંચાલનનો પણ સમાવેશ કરવામાં આવશે.