સ્પોર્ટસ

અમદાવાદની મૅચમાં કૅચ એવો હતો કે અમ્પાયરો પણ મૂંઝાઈ ગયા…

અમદાવાદ: કેરળના ખેલાડીઓ શુક્રવારે અહીં રણજી ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર ફાઇનલમાં પહોંચવામાં સફળ થયા એ પહેલાં સેમિ ફાઈનલમાં ગુજરાતી ઇનિંગ્સમાં નાટ્યાત્મક બનાવો જોવા મળ્યા હતા. જીવતદાન મળ્યા બાદ જયમીત પટેલ 79 રને અને સિદ્ધાર્થ દેસાઈ 30 રને વિકેટ ગુમાવી બેઠો ત્યાર પછી પણ ગુજરાતને કેરળ જેટલા જ 457 રન બનાવીને ફાઇનલમાં પહોંચવાની તક હતી પરંતુ ગુજરાતનો રથ 455 રન પર જ અટકી ગયો હતો. છેલ્લી વિકેટના રૂપમાં અર્ઝાન નાગવાસવાલા જે રીતે આઉટ થયો એ ખૂબ રસપ્રદ હતું.

ગુજરાતની ટીમને 457 રનના સ્કોર સુધી લઈ જઈને ફાઈનલમાં પહોંચાડવાની જવાબદારી અર્ઝાન (10 રન) તથા પ્રિયજીતસિંહ જાડેજા (ત્રણ અણનમ) પર આવી હતી અને તેઓ ટીમને સરસાઈ નહોતા જિતાડી શક્યા. કેરળે ફાઇનલમાં પહોંચવા માત્ર એક વિકેટ લેવાની હતી. અર્ઝાનની 10મી વિકેટ પડતાં જ ગુજરાતનો દાવ 455 રનના સ્કોર પર પૂરો થયો હતો અને કેરળે બે રનની સરસાઈ મેળવી હતી. કેરળના આદિત્ય સરવટેના બૉલમાં અર્ઝાનના શૉટમાં નજીકમાં ઊભેલા ફીલ્ડર સલમાન નઝીરની હેલ્મેટ પર બૉલ લાગ્યા બાદ બૉલ હવામાં ઊછળ્યો હતો અને કેપ્ટન સચિન બૅબીએ કૅચ પકડી લીધો હતો. અમ્પાયરો થોડી વાર માટે મૂંઝાઈ ગયા હતા.

Also read: નવું વર્ષ અમદાવાદ માટે આટલું લોહિયાળ? હિટ એન્ડ રનમાં દોઢ મહિનામાં 21 જણના જીવ ગયા

જોકે આઇસીસીના નિયમ મુજબ અમ્પાયરે અર્ઝાનને સચિન બૅબીના હાથમાં કૅચઆઉટ જાહેર કર્યો હતો. કેરળ વતી આદિત્ય સરવટે અને જલજ સક્સેનાએ ચાર-ચાર વિકેટ લીધી હતી. એ પહેલાં, ઓપનર પ્રિયાંક પંચાલે 148 રન તથા આર્ય દેસાઈએ 73 રન બનાવ્યા હતા. તેમની વચ્ચે 131 રનની ભાગીદારી થઈ ત્યારે લાગતું હતું કે ગુજરાત સરસાઈ લેશે, પણ એનાથી ઊલટું બન્યું હતું. બીજા દાવમાં કેરળનો સ્કોર ચાર વિકેટે 114 રન હતો ત્યારે મૅચનો ડ્રૉના પરિણામ સાથે અંત આવ્યો હતો અને કેરળની ટીમનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button