Rajkot માં સમૂહ લગ્નના આયોજકો ફરાર, લીલા તોરણે આવેલી જાન અટકી પડી

અમદાવાદ : ગુજરાતના રાજકોટના(Rajkot)એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના આયોજકો લગ્ન પૂર્વે ફરાર થઈ ગયા છે. જેના પગલે લીલા તોરણે આવેલી 28 જેટલી જાન અને જાનૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. લગ્નના મંડપમાં જાનૈયાઓ અને વર-વધુ પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીંયા તો કોઈ વ્યવસ્થા જ હતી નહી અને આયોજકો ફરાર થઈ ગયા હતા. તેથી લગ્નની નોંધણી કરાવનારાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમજ આયોજકો ના આવતા લગ્ન અટકી પડયા છે.
40 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી પાસે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 યુગલોના લગ્ન થવાના હતા. જોકે, જ્યારે આ તમામ યુગલો વરઘોડા સાથે સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે ત્યાં કોઇ વ્યવસ્થા ન હતી. તેમજ આયોજકો પણ હાજર ન હતા. જ્યારે આયોજકોને ફોન કરવામાં આવતા તેમના ફોન બંધ આવતા હતા. જેના પગલે આ યુગલો નિરાશ થયા હતા. જ્યારે આ સમગ્ર આયોજન માટે આયોજકોએ વર- વધુ પાસેથી અલગ અલગ 40 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા.
Also read: ભરવાડ સમાજના ઐતિહાસિક લગ્ન એક નજર…
પોલીસે કેસની તપાસ શરૂ કરી
જોકે, આ સમગ્ર આયોજનમાં લોકો છેતરાયા હોવાનો અનુભવ થયો છે. જેના પગલે પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે પણ આ સમગ્ર કેસની વિગત એકત્ર કરી રહી છે. તેમજ આયોજકોના નામ અને સરનામા શોધવા તજવીજ હાથ ધરી છે. તેમજ લોકોને આ કેસમાં તપાસ કરવાની હૈયાધારણ પણ આપી છે.