મુંબઇની ડેમોગ્રાફી બદલવાનો પ્રયાસ થઇ રહ્યો છે, આ નેતાએ લગાવ્યા ગંભીર આરોપ

મુંબઇઃ શિવસેના શિંદે જૂથના પ્રવક્તા સંજય નિરૂપમે શુક્રવારે મુંબઈમાં ઝુપડપટ્ટી પુનર્વસન યોજનાઓ અંગે ચોકાવનારો દાવો કર્યો હતો. તેમણે આ યોજનામાં સામેલ કેટલાક મુસ્લિમ ડેવલપરો પર હાઉસિંગ જેહાદ ચલાવવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે આ ડેવલપરો લાભાર્થીઓની યાદીમાં તેમના સમુદાયના લોકોના નામ ઉમેરીને અહીંની ડેમોગ્રાફી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સંજય નિરૂપમે શું કહ્યું?
શુક્રવારે એક પત્રકાર પરિષદમાં આ વિશે માહિતી આપતા સંજય નિરૂપમે જણાવ્યું હતું કે મુંબઈના ગોવંડી માનખુર્દ, કુર્લા, સાકીનાકા અને બાંદ્રા જેવા વિસ્તારોમાં આવા કાવતરાઓ ચાલી રહ્યા છે. અહીં 600 સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA)ના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાંથી 10% બિલ્ડરો મુસ્લિમ છે અને તેઓ આ કામમાં સામેલ છે. શહેરની ડેમોગ્રાફીને મોટા ભાગમાં મોટા પાયે બદલવાની આ યોજના છે. આ એક હાઉસિંગ જિહાદ છે. તેમણે છેતરપિંડીભર્યા કાર્યોની સંપૂર્ણ તપાસને માંગણી કરી છે.
Also read: સંજય નિરૂપમ શિંદેની સેનામાં જોડાય તેવા અણસાર
તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને આ મામલામાં તપાસની માંગ કરી છે. ઓશિવારામાં ચાલી રહેલા બે પ્રોજેક્ટ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અહીં હિન્દુ પ્રભુત્વ ધરાવતો સમાજ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા સમાજમાં પરિવર્તિત થઈ ગયો છે. અહીંની હાઉસિંગ સોસાયટીમાં પ્રોજેક્ટ ચલાવતા મુસ્લિમ બિલ્ડરે રેકોર્ડમાં છેડછાડ કરી છે અને એક જ વ્યક્તિના નામે 19 બાંધકામો પાસ કરવામાં આવ્યા છે. SRA નિયમો હેઠળ એક પરિવાર ફક્ત એક જ ઘર મેળવી શકે છે, પરંતુ આ હાઉસિંગ સોસાયટીમાં એક પરિવારને 30 ઘર ફાળવવામાં આવ્યા હતા. નિરૂપમે વધુમાં દાવો કર્યો હતો કે SRA પ્રોજેક્ટમાં આ ભાડુઆત એક બાંગ્લાદેશી છે જે ભારતમાં ગેરકાયદેસર રીતે રહે છે. સંજય નિરૂપમે કરેલા આક્ષેપો ગંભીર છે અને જો તેમાં તથ્ય હોય તો રાજ્ય સરકારે તેની તપાસ કરવી જ રહી.