રણજીમાં 2024નું રનર-અપ વિદર્ભ ફરી ફાઇનલમાંઃ મુંબઈ વંચિત રહી ગયું
શાર્દુલના લડાયક 66 રન એળે ગયા, હર્ષ દુબેની પાંચ વિકેટ લેખે લાગીઃ ફાઇનલમાં વિદર્ભ વિરુદ્ધ કેરળ

નાગપુરઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ આજે રણજી ટ્રોફીની સેમિ ફાઇનલમાં 406 રનના લક્ષ્યાંક સામે 325 રને ઑલઆઉટ થઈ જતાં વિદર્ભએ 80 રનથી વિજય મેળવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. 2024ના રનર-અપ વિદર્ભને એ ચૅમ્પિયનશિપમાં મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું હતું અને હવે વિદર્ભએ એને સેમિમાં હરાવીને સાટું વાળ્યું હતું.
મુંબઈના શાર્દુલ ઠાકુર (66 રન)ની લડત એળે ગઈ હતી. વિદર્ભનો બાવીસ વર્ષીય સ્પિનર હર્ષ દુબે (127 રનમાં પાંચ વિકેટ) પાંચમા અને છેલ્લા દિવસનો હીરો હતો.
હર્ષ દુબેએ આ સીઝનમાં કુલ 66 વિકેટ છે.
વિદર્ભની ટીમે ચોથી વાર રણજી ફાઇનલમાં એન્ટ્રી કરી છે. આ પ્રાન્તની ટીમ 2017-’18 તથા 2018-’19માં ટાઇટલ જીતી હતી.
આ પણ વાંચો…સાઉથ આફ્રિકા બે મૅચ-વિનર વગર રમ્યું છતાં જીતી ગયું
વિદર્ભના પ્રથમ દાવના 383 રનના જવાબમાં મુંબઈએ 270 રન બનાવ્યા હતા. બીજા દાવમાં વિદર્ભના 292 રન હતા.
વિદર્ભના બૅટર યશ રાઠોડને 54 તથા 151 રન બનાવવા બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ફાઇનલમાં કેરળ અને વિદર્ભ વચ્ચે ટક્કર થશે.
કેરળે આજે ગુજરાતને પ્રથમ દાવની બે રનની સરસાઈના ફરકથી પરાજિત કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.