આપણું ગુજરાત

સુરતમાં ઐતિહાસિક ઘટના, ફક્ત 5 દિવસના બાળકનું થયું અંગદાન

સુરતમાં દેશનું પહેલું સૌથી નાની વયનું અંગદાન થયું છે. માત્ર 5 દિવસના બાળકના અંગોના દાન વડે 6 લોકોનું અમૂલ્ય માનવજીવન બચ્યું. બાળકની 2 કિડની, એક લીવર બરોળ અને આંખોનું દાન કરવાનો બાળકના પરિવારજનોએ નિર્ણય લઇ માનવતા મહેકાવી હતી.

સુરતમાં રહેતા મૂળ અમરેલીના રહેવાસી હર્ષ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ થયો હતો. પરંતુ જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું અને રડતું પણ ન હતું. બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું જ્યાં તેને તરત વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. તબીબોએ સારવાર અને પૂરતી ચકાસણી બાદ પરિવારજનોને જણાવ્યું હતું કે બાળક બ્રેઇનડેડ છે. પરિવારજનો પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. જેને દુનિયામાં જન્મ લીધે માત્ર ગણતરીના દિવસો થયા છે તેવા વ્હાલસોયા બાળકની આવી સ્થિતિ જોઇને અત્યંત દુ:ખના સમયમાં પણ બાળકના પરિવારજનોએ હિંમતભેર અંગદાનનો નિર્ણય લઇ પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પારિવારિક મિત્રની મદદ લઇ બાળકના પરિવારજનોએ ખાનગી અંગદાનની સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો અને તે પછી સંસ્થાના સભ્યો તથા અન્ય તબીબો દ્વારા તેના અંગોના ટેસ્ટ કરી જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરી હતી. બાળકના જે અંગો દાન કરવામાં આવ્યા છે તેનું પ્રત્યારોપણ પણ નાના બાળકોમાં જ થશે.

ઉલ્લેખનીય છે કે આ નિર્ણય બાળકની માતા અને દાદીએ લીધો હતો, પવિત્ર નવરાત્રિમાં ભારે હૈયે કાળજાના કટકાના અંગોને દાન કરવાનો નિર્ણય લઇને ખરેખરું શક્તિનું ઉદાહરણ તેમણે પ્રસ્થાાપિત કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button