શોકિંગઃ શ્રી લંકામાં ટ્રેન સાથે અથડાતાં છ હાથીનાં મોત

કોલંબોઃ શ્રી લંકામાં વન્યજીવ અભયારણ્ય નજીક એક પેસેન્જર ટ્રેન હાથીના ટોળા સાથે અથડાતાં ઓછામાં ઓછા છ હાથીના મોત થયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. રાજધાની કોલંબોથી લગભગ ૨૦૦ કિમી (૧૨૪ માઇલ) દૂર મિનેરિયા નજીક થયેલી આ અથડામણમાં ચાર હાથીના બચ્ચા અને બે પુખ્ત હાથીના મોત થયા હતા.
સરકારના વન્યજીવ વિભાગના પ્રવક્તા હસિની સરથચંદ્રએ જણાવ્યું કે આ વિસ્તાર તેના કુદરતી ઉદ્યાનો અને વન્યજીવ માટે જાણીતો છે. આ અથડામણ બાદ ટ્રેનનું એન્જિન અને કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાનું સ્થાનિક ટેલિવિઝન ચેનલોએ જણાવ્યું હતું. એક રેલવે અધિકારીના જણાવ્યા મુજબ કોઇ મુસાફરને ઇજા થઇ નથી. વન્યજીવ વિભાગે આ ઘટનાની તપાસ આરંભી હોવાનું સરથચંદ્રએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…અમેરિકા બાદ કેનેડાએ સાત લેટિન અમેરિકન જૂથોને આતંકવાદી જાહેર કર્યા
દર વર્ષે હજારો પ્રવાસીઓ મિનેરિયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં હાથીઓને તેમના જંગલી નિવાસસ્થાનમાં જોવા માટે આવે છે. તે ‘હાથી કોરિડોર’નો એક ભાગ છે જે કૌદુલ્લા અને વાસગામુવા રાષ્ટ્રીય ઉદ્યાનોને જોડે છે.
તાજેતરના વર્ષોમાં શ્રીલંકામાં હાથીઓની ટ્રેન સાથે અથડામણમાં વધારો થયો છે. જંગલી હાથીઓ ખોરાક અને પાણીની શોધમાં રેલવે ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કરે છે. સરકારી આંકડાઓ અનુસાર ૨૦૨૪માં ટ્રેનની ટક્કરથી નવ હાથીઓના મોત થયા હતા, જ્યારે ૨૦૨૩માં આ સંખ્યા ૨૪ હતી.