ગર્લફ્રેન્ડને મળવા મિત્રો સાથે ગયેલા યુવકની હત્યા: મૃતદેહ નાળામાં ફેંક્યો
ચારેય મિત્રોને એક ઘરમાં પૂરી રાતભર ફટકાર્યા, જેમાં યુવકે જીવ ગુમાવ્યો: આરોપીના ઘર સામે જ કરાયા શબના અંતિમસંસ્કાર

ધુળે: ધુળે જિલ્લાના શિરપુર તાલુકામાં બનેલી કમકમાટીભરી ઘટનામાં ગર્લફ્રેન્ડને મળવા ગયેલા યુવકને તેના ત્રણ મિત્રો સાથે એક ઘરમાં રાતભર પૂરી રાખી બેરહેમીથી ફટકારવામાં આવ્યા હતા. મારપીટમાં મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પછી ગામ બહારના નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા સગાંસંબંધીઓ યુવકના મૃતદેહને શંકાસ્પદ આરોપીના ઘરે લઈ ગયા હતા અને તેના ઘરબહાર જ શબના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ કમલસિંહ પાવરા (20) તરીકે થઈ હતી. પોલીસે સાત આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પૂછપરછ માટે એકને તાબામાં લીધો હતો.
આ પણ વાંચો: હત્યાના કેસમાં નેપાળના સિક્યોરિટી ગાર્ડને જનમટીપની સજા
મળતી માહિતી અનુસાર શિરપુર તાલુકાના ઉમર્દા ગામમાં રહેતો પાવરા ત્રણ મિત્ર સાથે પાસેના કાળાપાણી ગામમાં ગર્લફ્રેન્ડને મળવા ગયો હતો. છોકરીના પરિવારજનોને શંકા જતાં ચારેય યુવકને પકડી પાડ્યા હતા અને એક ઘરમાં પૂરી રાખ્યા હતા. રાતભર ચારેય યુવકોની મારપીટ કરવામાં આવી હતી.
ફરિયાદ અનુસાર ચારેય યુવકને પૂરી રાખવામાં આવ્યા હોવાથી તેમને છોડાવવા નાણાંની સગવડ કરવાની માહિતી યુવકોના પરિવારજનો સુધી પહોંચાડવામાં આવી હતી. આ મામલે ઉમર્દા ગામના આગેવાનોેની મધ્યસ્થીથી કાળાપાણી ગામના આગેવાનોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ચર્ચા પછી ત્રણ યુવકને છોડવામાં આવ્યા હતા, જ્યારે પાવરા રાતે જ નાસી ગયો હોવાનું કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ જેવી ઘટના! 20 વર્ષીય યુવતીની કરી ક્રૂરતાપૂર્વક હત્યા
દરમિયાન ગામજનોએ શોધખોળ કરતાં પાવરાનો મૃતદેહ બે ગામ વચ્ચેના મોટા નાળામાંથી મળી આવ્યો હતો. મારપીટને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું મૃતદેહ પરના ઇજાનાં નિશાન પરથી જણાયું હતું. યુવકનો મૃતદેહ મળ્યાની જાણ થતાં શિરપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ શિરપુર લઈ જવાયો હતો.
પોસ્ટમોર્ટમ પછી ઉમર્દા ગામના રહેવાસીઓ શબ લઈને કાળાપાણી ગામે પહોંચ્યા હતા. શંકાસ્પદ આરોપીના ઘર બહાર જ પાવરાના શબના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. એ સિવાય આરોપીના ઘરની તોડફોડ પણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.