‘મંત્રાલય’ અને ‘પ્રધાનો’ના બંગલાઓની થશે કાયાપલટ, 55,00 ચોરસ મીટરને આવરી લેવાશે

મુંબઈઃ મહારાષ્ટ્રનાં વહીવટી કાર્યો જે ઈમારતમાંથી હાથ ધરવામાં આવે છે તેના પુનર્વિકાસ માટેની ગતિવિધિ જાહેર બાંધકામ વિભાગે શરૂ કરી દીધી છે. આ માટે ત્રણ આર્કિટેક્ટો પાસેથી પ્રપોઝલ્સ પ્રાપ્ત થઇ છે. હાલના મંત્રાલયના મકાનમાં એનેક્સ બિલ્ડિંગ, મંત્રાલયની સામે આવેલા પ્રધાનોના બંગલાઓ, સ્ટાફ રહેઠાણો અને આસપાસના બગીચાઓનો સમાવેશ થાય છે. આ સ્થળનો કુલ વિસ્તાર પંચાવન હજાર ચોરસ મીટર છે.
મંજૂરી માટે મંત્રાલયને મોકલવામાં આવશે
આ પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે કામ કરતા જાહેર બાંધકામ વિભાગે કહ્યું હતું કે ત્રણેય આર્કિટેક્ટ આવતા અઠવાડિયે પ્રેઝન્ટેશન આપશે. ત્યાર બાદ તેમના પ્રસ્તાવોને મંજૂરી માટે મંત્રાલયને મોકલવામાં આવશે. રાજ્ય સરકાર સેન્ટ્રલ વિસ્ટાની જેમ મંત્રાલયનો પુનર્વિકાસ કરશે, જેને ‘મહાવિસ્ટા’ તરીકે ઓળખવામાં આવશે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રના અનેક પ્રધાનોને સરકારી બંગલો નહીં મળતા સરકાર સામે બજેટ પૂર્વે ‘સંકટ’
મંત્રાલય પુનઃવિકાસ પ્રોજેક્ટ પાંચ એફએસઆઈ અને વધારાના 35 ટકા ફંઝીબલ એફએસઆઈ પ્રદાન કરશે. ફન્જિબલ એફએસઆઈ વધારીને, ડેવલપરને નિયમોનું ઉલ્લંઘન કર્યા વિના પરવાનગી આપેલી એફએસઆઈ મર્યાદા કરતાં વધુ બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવશે.
મંત્રાલયની ઈમારત નિર્માણને થઈ ગયા છે 60 વર્ષ
મંત્રાલયની ઇમારત બન્યાને 60 વર્ષ થઈ ગયા છે. હવે ઇમારતમાં જગ્યાની અછત છે અને ઘણી જગ્યાઓનું નવીનીકરણ કરવાની જરૂર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ફક્ત પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓના કાર્યાલયોનું જ નવીનીકરણ કરવામાં આવ્યું છે. જોકે આખી ઇમારતનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. મંત્રાલયના પુનર્વિકાસમાં વધુ કંપનીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે, જાહેર બાંધકામ વિભાગ શ્રેષ્ઠ પુનર્વિકાસ યોજના માટે ઇનામ જાહેર કરશે.
આ પણ વાંચો…‘Mumbai Eye’ માટે દિલ્હી અભી દૂર હૈ…
સરકાર માટે આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોવાથી, જાહેર બાંધકામ વિભાગે આંતરરાષ્ટ્રીય ભાગીદારી માગી છે. મંત્રાલયમાં લગભગ 47 વિભાગો છે. ઘણા નાના વિભાગો પણ છે. રાજ્યનું વહીવટી તંત્ર આ ઇમારતમાંથી ચાલે છે. તેથી, આ પુનર્વિકાસ વધુ મહત્વપૂર્ણ બની જાય છે.