
મુંબઈઃ છેલ્લા કેટલાક વર્ષોથી રખડી પડેલો મુંબઈ આઈ (Mumbai Eye) પ્રકલ્પ હવે મુંબઈ પાલિકાના માથે મારી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પાલિકાના બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. એમએમઆરડીએનો આ પ્રકલ્પ હવે પાલિકાના માથે મારી દેવામાં આવ્યો હોવાની ચર્ચા પાલિકાના વર્તુળોમાં શરૂ છે. અનેર રહેવાસી સંગઠનોએ આ પ્રકલ્પનો પહેલાથી વિરોધ કર્યો છે. પહેલા સારી સુવિધાઓ આપો ત્યાર બાદ આવા પ્રકલ્પો હાથ ધરો એમ નાગરિકોનું કહેવું છે.
લંડન શહેરની સુંદરતા નિહાળવા માટેનો ‘લંડન આઇ’ એટલે કે વિશાળ આકાશ ઝુલાના આધારે મુંબઈમાં પણ ‘મુંબઈ–આઈ’ બનાવવામાં આવશે એવી જાહેરાત ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે. ૨૦૨૦માં સૌથી પહેલા જાહેરાત કરાઈ હતી. એમએમઆરડીએ દ્વારા પ્રકલ્પને અંજામ આપવામાં આવનાર હતું જેની માટે બીકેસી (Bandra-Kurla Complex)ની જગ્યાનો પર્યાય પણ સામે આવ્યો હતો, પરંતુ ત્યાંના રહેવાસીઓએ તેનો વિરોધ કર્યા પછી આ પ્રકલ્પ રખડી પડ્યો હતો.
મુંબઈ આઈ માટે ત્રણથી ચાર એકરની જગ્યા લાગશે. આટલી મોટી જગ્યા મળવાનું મુશ્કેલ નથી, પણ ૭૦ મીટરની ઊંચાઇએ મુંબઈનું સુંદર દૃશ્ય જોવા મળે એવી પર્યટકોની ઇચ્છા રહેશે. આ પ્રકલ્પ દ્વારા ફક્ત મુંબઈની ઝૂંપડપટ્ટી જ જોવા મળશે તો શું ફાયદો એવો સવાલ પણ ઊભો થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર મુંબઈ-આઇ પ્રકલ્પનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. શહેરમાં પ્રદૂષણ વધી રહ્યું છે, વરસાદમાં શહેર ડૂબવાની કગાર પર આવી જાય છે, હરિયાળી નષ્ટ થઇ રહી છે ત્યારે આ ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલે મુંબઈ પાલિકા આવા નકામા પ્રકલ્પ પર ધ્યાન ન આપે એવી માગણીઓ થઇ રહી છે.
આ પણ વાંચો…OMG: વડાપાઉં લવર્સ માટે આવ્યા Bad News, હવેથી…
હવે બીપીટીની જગ્યાનો પર્યાય
મુંબઈ આઈ પ્રકલ્પ ઊભો કરવા માટે સમુદ્ર કિનારાની જગ્યા ઉત્તમ છે. તેથી બીપીટીની જગ્યા પર પ્રકલ્પની તપાસણી શરૂ કરાઇ હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. બીપીટીના ઇસ્ટર્ન વોટર ફ્રન્ટનો પ્રકલ્પ પ્રસ્તાવિક હોઇ તેમાં મુંબઈ-આઈ માટેની જગ્યા અનામત છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજી પરવાનગી મળી નથી. તેથી આ પ્રકલ્પને હકીકતમાં આવતા કેટલા વર્ષ લાગી શકે છે તે કહેવું મુશ્કેલ છે.