મહારાષ્ટ્રના અનેક પ્રધાનોને સરકારી બંગલો નહીં મળતા સરકાર સામે બજેટ પૂર્વે ‘સંકટ’

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારમાં અંદરોઅંદર ખેંચાખેંચીના અહેવાલો વચ્ચે હવે પૂર્વ પ્રધાનોને ફાળવેલા બંગલો ખાલી નહીં કરતા હોવાથી બજેટ પૂર્વે સરકાર માટે નવું સંકટ ઊભું થયું છે. મહારાષ્ટ્રમાં નવી સરકારના ત્રણ મહિના પછી પણ અનેક નવનિયુક્ત વિધાનસભ્યોને મુંબઈ સ્થિત વિધાનસભામાં સરકારી રહેઠાણ મળ્યા નથી અને એનું કારણ અનેક પૂર્વ વિધાનસભ્યો અને વર્તમાન સરકારના પ્રધાનોએ વિધાનસભ્યના બંગલાને ખાલી કરવાનો ઈનકાર કર્યો છે. આ મુદ્દે વિધાનસભાના સચિવાલય તરફથી નોટિસ પણ મોકલવામાં આવી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણ: મહાયુતિમાં પ્રધાનોનું ‘પર્ફોર્મન્સ ઓડિટ’…
વિધાનસભ્યો બંગલો ખાલી નહીં કરનારાની અનેક પ્રધાોનોનો સમાવેશ થાય છે. આ યાદીમાં ગિરીશ મહાજન (જળ સંસાધન), સંજય સાવકારે (વસ્ત્ર ઉદ્યોગ), મકરંદ પાટિલ (રાહત અને પુનર્વસન), બાબાસાહેબ પાટિલ (સહકારિતા મંત્રી), પંકજ ભોયર (ગૃહરાજ્ય મંત્રી-ગ્રામીણ) અને યોગેશ કદમ (ગૃહ રાજ્યમંત્રી શહેરી) મુખ્ય છે. એક તો નવનિર્વાચિત વિધાનસભ્યોને જે ઘર-બંગલો ફાળવવામાં આવ્યા છે એ નહીં મળતા પરેશાન છે.

જ્યારે પ્રધાનોના કાર્યાલયોથી એવી પણ ફરિયાદો કરવામાં આવી છે કે જે બંગલો આપવામાં આવ્યા છે એ બરાબર નથી અને હાલમાં ત્યાં મરમ્મત યા નવીનીકરણનું કામ ચાલુ છે, તેથી આ બધા વિધાનસભ્યો રહેઠાણ ખાલી કરી શક્યા નથી. જોકે, બંગલોને લઈ હજુ અનેક વિધાનસભ્યો સરકારના સંબંધિત અધિકારીઓના ચક્કર કાપી રહ્યા છે, પરંતુ મળ્યા નથી.
મહારાષ્ટ્રમાં નવી સરકાર આ મુદ્દે ઉકેલ લાવવા સક્રિયપણે કામ કરી રહી છે. પ્રધાનોના રહેઠાણનો કબજો મેળવવામાં અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં બજેટ સત્ર ચાલુ થશે, જે બે સપ્તાહ સુધી ચાલશે, ત્યારે સરકાર આ મુદ્દે નિરાકરણ લાવી શકે છે કે નહીં એ જોવાનું રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.