આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ગરમીની શરૂઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું

અમદાવાદઃ રાજ્યમાં શિયાળો ધીમે ધીમે (Gujarat Weather) વિદાય લઈ રહ્યો છે. વહેલી સવાર અને મોડી રાતને બાદ કરતાં વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને (Western Disturbance) કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ સાથે ગરમી પણ વધી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. રાજ્યમાં બપોરે લોકોને ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં વધારો

જમ્મુ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાત પર તેની મોટી અસર જોવા મળી છે. અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં એક દિવસમાં 3.5 ડિગ્રીનો વધારો થયો હતો. વહેલી સવારે લાગતી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે. જો કે, હાલના દિવસોમાં મિશ્ર ઋતુ રહેતી હોવાના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભાગમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ક્યાં કેટલું નોંધાયું તાપમાન

રાજ્યમાં શિયાળાની વિદાયની શરૂઆત થઈ છે અને સાથે સાથે લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થયો છે,કેશોદમાં સૌથી ઓછું 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજયમાં ઉત્તર પૂર્વથી ઉત્તર તરફના પવન ફુંકાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે,રાજયમાં પવનોની દિશા પણ બદલાઈ છે જેના કારણે ઠંડી ધીરે ધીરે વિદાય લઈ રહી છે. અમદાવાદમાં 21.1 ડિગ્રી, ગાંધીનગરમાં 20.2 ડિગ્રી,ડીસામાં 18.4 ડિગ્રી, વડોદરામાં 19.4 ડિગ્રી,નલિયામાં 16.2 ડિગ્રી, રાજકોટમાં 19.1 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 21.5 ડિગ્રી,સુરતમાં 20.9 ડિગ્રી, ભુજમાં 20.4 ડિગ્રી,કંડલામાં 21.2 ડિગ્રી, ભાવનગરમાં 21.3 ડિગ્રી,દ્વારકામાં 22 ડિગ્રી, ઓખામાં 23 ડિગ્રી,પોરબંદરમાં 21.4 ડિગ્રી, વેરાવળમાં 22.6 ડિગ્રી,અમરેલીમાં 21.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 21.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Also read: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, આગામી દિવસોમાં ગરમી વધશે

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, ફેબ્રુઆરીની આખરમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની શક્યતા છે. ગુજરાતના મહત્તમ ભાગોમાં 27 ફેબ્રુઆરી આસપાસથી વાદળો આવવાની શક્યતાઓ છે. મહેસાણાના ભાગો, પંચમહાલના ભાગો, રાજકોટના ભાગો, કચ્છના ભાગોમાં હવામાનમાં ફેરફાર આવશે.મહત્તમ તાપમાન ગુજરાતના ભાગોમાં 31થી 32 ડિગ્રી અને કોઈ કોઈ ભાગોમાં 35 ડિગ્રી તાપમાન થઈ જવાની શક્યતાઓ રહેશે. 27 ફેબ્રુઆરીથી ગરમીમાં આંશિક રાહત મળતી જણાશે. 24 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button