આમચી મુંબઈ

ગંદકી ફેલાવનારા મુંબઈગરા પાસેથી ૪.૫૪ કરોડનો દંડ વસૂલાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ‘સ્વચ્છ મુંબઈ ઝુંબેશ’ અંતર્ગત મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈને સ્વચ્છ રાખવાના પ્રયાસ હેઠળ ઠેર-ઠેર ગંદકી ફેલાવનારા પાસેથી દંડ વસૂલ કરવા માટે ક્લીન-અપ માર્શલ નીમવામાં આવ્યા છે. છેલ્લા ૧૧ મહિનાના સમયગાળામાં ૧,૪૦,૫૮૪ નાગરિકો પાસેથી ૪,૫૪,૫૧,૪૧૨ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જરૂર પડી તો ક્લીન-અપ માર્શલની સંખ્યા વધારાવામાં આવશે.

મુંબઈમાં સાર્વજનિક જગ્યા પર ગંદકી ફેલાવનારા સામે વધુ આકરાં પગલાં લેવાનો નિર્દેશ પાલિકા પ્રશાસને આપ્યો છે. તેમ જ વોર્ડ સ્તરે હાલ ૩૦-૩૦ ક્લીન-અપ માર્શલ નીમવામાં આવ્યા છે, પરંતુ અમુક સ્થળે તેના કરતા ઓછી સંખ્યામાં ક્લીન-અપ માર્શલ કામ કરી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે. તેથી પાલિકા પ્રશાસને ક્લીન-અપ માર્શલ પૂરા પાડનારી કંપનીઓને કામચોરી કરવાના પ્રકારણમાં આકરા અને દંડાત્મક પગલા લેવાની ચીમકી પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ આપી હતી.

‘સ્વચ્છ મુંબઈ ઝુંબેશ’ અંતર્ગત મુંબઈ મહાનગરપાલિકાના ઘનકચરા વિભાગ અને ‘સ્વચ્છ મુંબઈ ઝુંબેશ’ અભિયાન અંતર્ગત મુંબઈની સ્વચ્છતા માટે નીમવામાં આવેલા ક્લીન-અપ માર્શલની સંસ્થાના પ્રતિનિધિ સાથે ગુરુવારે પાલિકા મુખ્યાલયમાં સાંજે બેઠક થઈ હતી. આ દરમ્યાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએે કહ્યું હતું કે મુંબઈમાં ગંદકી ફેલાવનારા સામે તો આકરાં પગલાં લેવામાં આવશે પણ સાથે જ કામચોરી કરનારા ક્લીન-અપ માર્શલની સંસ્થા સામે પગલા લેવામાં આવશે.

મુંબઈમાં ચાર એપ્રિલ, ૨૦૨૪થી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ આ ૧૧ મહિનાના સમયગાળા દરમ્યાન ગંદકી કરનારા ૧,૪૦,૫૮૪ નાગરિકો પાસેથી ૪,૫૪,૫૧,૪૧૨ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. દરેક પ્રશાસકીય વોર્ડમાં જુદી જુદી ૧૨ સંસ્થા મારફત ૩૦-૩૦ ક્લીન-અપ માર્શલ નીમવામાં આવ્યા છે. જોકે અમુક વોર્ડમાં આ સંખ્યા ઓછી જણાઈ આવી છે. તેથી સાર્વજનિક સ્થળે ગંદકી ફેલાવનારાઓ સામે પગલા લેવાનું પ્રમાણ ઘટી ગયું હોવાનું જણાઈ આવ્યું છે. તેથી દરેક સંસ્થાને તાત્કાલિક ધોરણે દરેક વોર્ડમાં ૩૦ ક્લીન-અપ માર્શલ તાત્કાલિક નીમવાનો આદેશ એડિશનલ કમિશનરે આપ્યો હતો.

Also read : અજબ મુંબઈની ગજબ કહાનીઃ મુંબઈનું પોલીસ સ્ટેશન બન્યું છે પાકિસ્તાની નાગરિકનું ઘર

સૌથી વધુ દંડ દાદર-પરેલમાંથી

સાર્વજનિક સ્થળે ગંદકી ફેલાવનારાઓ સૌથી વધુ દંડ એફ-દક્ષિણ વોર્ડમાંથી વસૂલ કરવામાં આવ્યો છે. દાદર-પરેલ જેવા વિસ્તારમાંથી ગંદકી ફેલાવનારા પાસેથી ૩૧ લાખ ૩૪ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. બીજા નંબરે આર-મધ્ય એટલે બોરીવલી વિસ્તારમાંથી ૧૬ લાખ ત્રણ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જયારે ત્રીજા નંબરે આર-દક્ષિણના કાંદિવલી વિસ્તારમાંથી ૧૨ લાખ ૭૦ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું.

કચરાનું વર્ગીકરણ નહીં કરનારા સામે આકરાં પગલાં

પાલિકા ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ઠલવાતાં કચરાનું પ્રમાણ ઘટાડવા માગે છે. તેથી મોટા પ્રમાણમાં કચરાનું ઉત્પાદન કરનારી હાઉસિંગ સોસાયટી સહિત ઈન્ડિસ્ટ્રિયલ યુનિટ અને હોટલો વગેરેને તેમના પરિસરમાં જ સૂકા અને ભીના કચરાનું વર્ગીણકર કરવાનું પાલિકાએ ફરજિયાત કર્યું છે, જેને હજી પણ ગંભીરતાથી અમલમાં મૂકવામાં આવ્યું નથી. તેથી પાલિકાએ ફરી એક વખત ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ નહીં કરનારા અને ખુલ્લી જગ્યા પર કચરો બાળનારા અને જૈવિક કચરાનો યોગ્ય નિકાલ નહીં લાવનારા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button