હેં, મુકેશ ‘બેસૂરા’ થઈ જતા હતા?!

મહેશ નાણાવટી
અમુક જાણીતી અને અતિશય લોકપ્રિય હસ્તિઓ વિશે એમની ‘ખામી’ની વાત સાંભળવાની આપણને ગમતી નથી, પરંતુ અમુક વાતો ખરેખર સાચી છે. એટલું જ નહીં, એના કિસ્સાઓ પણ મજેદાર છે. આજે મશહૂર ગાયક સદગત મુકેશજીના બે- ત્રણ કિસ્સા માંડીએ છીએ. એમાંનો એક કિસ્સો તો સ્વયં પ્યારેલાલજીએ (લક્ષ્મી-પ્યારેવાળા) ઓન કેમેરા શેર કરેલો છે. વાત એમ હતી કે મુકેશજી ગાતી વખતે ક્યારેક અચાનક ‘બેસૂરા’ થઈ જતા હતા! જીહા, ‘બેસૂરા’!
આ વાત સંગીતકારો પણ જાણતા હતા, છતાં મુકેશનાં ગાયનો એટલાં સુપરહિટ થતાં હતાં કે કદી મુકેશજીને ‘ડ્રોપ’ કરવાની ઘટના બની જ નહોતી. જોકે, આ કિસ્સો એ સમયનો છે જ્યારે ફિલ્મ ‘મિલન’ (1967) બની રહી હતી. આ ફિલ્મ સાઉથની તેલુગુ ભાષાની સુપરહિટ ફિલ્મ ‘મુગા મનાસુલુ’ ઉપરથી બનાવવામાં આવી રહી હતી. ફિલ્મના નિર્માતાઓ અને ફાયનાન્સરો એટલા બધા ઉત્સાહી હતા કે જ્યારે ‘મિલન’નું પહેલું ગાયન રેકોર્ડ થવાનું હતું ત્યારે એક સામટા છ-આઠ જણા એનું રેકોર્ડિંગ જોવા માટે મુંબઈ આવી પહોંચ્યા હતા.
અહીં એ પણ જણાવી દઈએ કે દક્ષિણ ભારતના ફિલ્મકારોને સંગીત માટે બહુ જ માન હોય છે. એમાંય, આ જે ટોળકી હતી એમાંથી બે -ચાર તો શાસ્ત્રીય સંગીતના પાક્કા જાણકાર હતા! હવે થયું એવું કે જેવું રેકોર્ડિંગ શરૂ થયું અને પહેલા જ ટેકની શરૂઆત થઈ, ત્યાં તો મુકેશજી પહેલી જ લાઈનમાં ‘બેસૂરા’ થઈ ગયા! પ્યારેલાલજીએ ‘કટ’ કરીને નવા ટેકની તૈયારી કરવા માંડી, પણ પેલા ‘જાણકારો’ તો ટેન્શનમાં આવી ગયા! એમણે પ્યારેલાલજીને સાઈડમાં બોલાવીને કહ્યું, ‘આ ગાયક શી રીતે ગાઈ શકશે? ખરેખર તમે આની જ પાસે ગવડાવશો?’
પ્યારેલાલજીએ હસતાં હસતાં એ કિસ્સો યાદ કરતાં કહે છે, ‘એ બિચારાઓ તો ખૂબ જ નરવસ હતા, પણ મેં કહ્યું ‘યે તો ઐસા હી હૈ! અભી ઠીક સે ગાયેગા’ આપ બિલકુલ ચિંતા મત કરો!’ એ ગાયન હતું ‘સાવન કા મહિના, પવન કરે સોર…’ જેમાં મુકેશ લતાજીને ‘ગાતાં’ શીખવાડે છે! બોલો, કેવું કહેવાય નહીં?
મુકેશના આ ‘બેસૂરા’ થયાનો એક બીજો કિસ્સો ખરેખર રમૂજી છે. વાત એમ હતી કે એક રાતે આપણા ગુજરાતી સુગમ સંગીતના ખૂબ જ જાણીતા ગાયક એમના હિન્દી ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે રાતના સમયે ચોપાટી પર ફરવા નીકળ્યા હતા. એ મિત્રોમાં એક બહુ જાણીતા સંગીતકાર હતા. એમણે ક્યારેય મુકેશ પાસે ગવડાવ્યું નહોતું. (કદાચ એમની ‘બેસૂરી’ આદતને લીધે) એ સંગીતકારે પૂછયું, ‘અરે, તમારા ગુજરાતીમાં એક કમલેશ અવસ્થી નામનો ગાયક ‘વોઈસ ઑફ મુકેશ’ તરીકે પ્રખ્યાત છે? એ કેવુંક ગાય છે?’ જવાબમાં આપણા સુગમ સંગીતના ગાયકે કહ્યું: ‘અરે ભાઈસા’બ, વો ઈતની બખૂબી નકલ કરતા હૈ કિ જહાં મુકેશ બેસૂરા હોતા હૈ, વહાં વો ભી વૈસા હી બેસૂરા હો જાતા હૈ!’
કહે છે કે આ જોક ઉપર પેલા સંગીતકાર છેક સવાર પડી ત્યાં લગી રહી રહીને હસતા રહ્યા હતા! સ્વર્ગીય મુકેશજી માટે અમુક શાસ્ત્રીય સંગીતના નામી ગાયકોને પણ બહુ નવાઈ (અથવા ઈર્ષ્યા) થતી હતી. એકવાર કલ્યાણજીભાઈ (કલ્યાણજી – આનંદજીવાળા)ના પરિચિત શાસ્ત્રીય ગાયક કલાકાર કોઈ કામસર રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવ્યા ત્યારે મુકેશનું ગીત રેકોર્ડ થઈ રહ્યું હતું. રેકોર્ડિંગ પત્યા પછી જ્યારે મુકેશ જતા રહ્યા ત્યારે આ ગાયક કહે છે ‘આવા સામાન્ય ગાયકમાં એવું તે શું છે કે તમે એની પાસે ગવડાવો છો? હું એના કરતાં બેહતર ગાઈ શકું.’
કલ્યાણજીભાઈએ તેઓશ્રીને માઈક સામે ઊભા રાખીને કહ્યું ‘ઠીક છે, તમે ગાઓ!’ પેલા ગાયકે જાતજાતની હરકતો લઈને, પોતાની ખાસ અદાયગી સાથે એ ગીત ગાવા માંડ્યું. કલ્યાણજીભાઈ કહે છે: ‘ના, સાવ સરળ અને ફલેટ ગાઓ. મીઠાશ સિવાય કંઈ પણ ઉમેર્યા વિના.’ જોકે પેલા મશહૂર ગાયક એટલું સરળ અને સાદું ગાઈ જ ન શકયા! ત્યારે કલ્યાણજીભાઈએ કહ્યું, ‘ભારતના કરોડો લોકો મુકેશ જેટલું જ સરળ રીતે ગાઈ શકે છે એટલે જ અમારાં ગાયનો હિટ થાય છે!’ કહે છે કે તે વખતે પેલા શાસ્ત્રીય ગાયકે કાન પકડયા કે ‘સહેલું’ ગાવું ખરેખર ‘અઘરું’ છે!
લાગે છે કે મુકેશજી માટે સંગીતકાર નૌશાદ સાહેબને ખાસ ઉમળકો નહોતો. નૌશાદનાં તમામ ગીતો યાદ કરો તો ખ્યાલ આવશે કે છેક ‘અંદાઝ’ (1949)માં ‘ઝુમ ઝુમકે નાચો આજ’ મુકેશ પાસે ગવડાવ્યું. એ પછી વરસો બાદ ‘સાથી’ (1991)માં મુકેશ પાસે ગીતો ગવડાવ્યાં હતાં. ‘અંદાઝ’માં પણ મુકેશની એન્ટ્રી એ કારણસર પડી હતી કે એમાં રાજકપૂર હતા! જોકે ‘ઝુમ ઝુમ કે’ તો દિલીપકુમાર ગાય છે!
નૌશાદ સાહેબને મહંમદ રફી તથા તલત મહેમૂદ માટે ચોક્કસ ‘ગમો’ હતો એ તો દેખીતું છે પરંતુ તમને નવાઈ લાગશે કે એમને કિશોરકુમાર માટે સખત ‘અણગમો’ હતો! એમણે કિશોરદા પાસે એક જ ગીત ગવડાવ્યું હતું, જે ફિલ્મ કદી રિલીઝ જ ના થઈ! એટલું જ નહીં, કહે છે કે એ તો કિશોરકુમારને ‘ગાયક’ જ નહોતા માનતા!
એક કિસ્સો એવો છે કે મધ્ય પ્રદેશ સરકાર અમુક ફિલ્મી હસ્તિઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવા માગતી હતી. એના માટે જે કમિટી બની હતી તેમાં નૌશાદ સાહેબ પણ હતા, (અન્ય સભ્યોમાં પ્રિતીશ નંદી અને કુમાર ગાંધર્વ હતા) જ્યારે એવો પ્રસ્તાવ આવ્યો કે કિશોરકુમાર ‘મધ્ય પ્રદેશમાં આવેલા ખંડવા શહેરના છે, તો એમને પુરસ્કાર આપવામાં આવે, ત્યારે નૌશાદ સાહેબ ગુસ્સામાં આવીને મીટિંગ છોડીને જતા રહ્યા હતા!’