જીવન રક્ષક ‘કેપ્સુલ’ ગિલ
કવર સ્ટોરી -મનીષા પી. શાહ
આપણને એક ગંદી આદત છે. રિયલ લાઇફ હીરોને ભૂલાવી દેવાની. હકીકતમાં આજે એક-એક ભારતીયને જસવંતસિંહ ગિલનું નામ યાદ હોવું જોઇએ, એકદમ ગર્વભેર. સાથોસાથ તેરમી નવેમ્બરને નેશનલ રેસ્કયુ ડે પણ જાહેર કરવો જોઇએ. આ નામ અને તારીખને જોડતી ઘટના ભારતના, કદાચ વિશ્ર્વના પણ, ઇતિહાસમાં બેજોડ છે.
થોડી નહીં, પૂરેપૂરી વાત કરીએ, ત્યારે એક ચમત્કાર કેમ થયો એની ખબર પડશે. પશ્ર્ચિમ બંગાળના રાણી ગંજમાં કોલસાની વિશાળ ખાણ. નામ મહાવીર કોયલા ખાણ. કદાચ એ સમયની સૌથી મોટી ખાણ ૧૯૮૯ની બારમી નવેમ્બરની રાતપાળીની ડ્યૂટીમાં જોડાવા માટે સેંકડો મજૂરો કતારમાં ઊભા હતા. કોઇ જાણતું નહોતું કે પોતે ખાણમાં નહીં, મોતના મોઢામાં જઇ રહ્યાં છે. એક એક ખાણિયા હાજરી પુરાવીને લિફટમાં નીચે ઊતરવા માંડ્યા. કેટલાક જરૂરતમંદ દિવસની બીજી ડ્યૂટી કરવા જઇ રહ્યા હતા.
ખાણની જે બાજુથી કોલસા કાઢી લેવાયા હતા. એ જગ્યામાં આસપાસની નદીનું પાણી ભેગું થવા માંડ્યું હતું. એની નજીકની જગ્યામાં ૩૩૦ ફૂટ નીચે રાતપાળીના મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યાં એક પિલ્લરમાં વિસ્ફોટ નહોતો કરવાનો પણ ભૂલથી થઇ ગયો. પિલરના તૂટી પડવા સાથે જ લગભગ સવારે ચાર વાગ્યે ધસમસતું પાણી ખાણમાં આવી ગયું. અંદર જાણે વૉટર ફોલ પડી રહ્યો હતો.
બહાર એટલે કે ઉપર એકદમ સોંપો પડી ગયો. અંદર ૭૧ ખાણિયા ફસાયેલા હતા. એમના વિશે કોઇ જાણકારી મળતી નહોતી. એમને બચાવવા માટે ચામડાનો મજબૂત પટ્ટો બનાવીને ખાણમાં ઉતારાયો. યોજના એવી હતી કે આ પટ્ટો પકડીને બચાવ ટીમ અંદર ઊતરીને ખાણિયાઓને બહાર કાઢે, પરંતુ અંદર પાણીનું દબાણ એટલું બધું ભયંકર હતું કે ચામડાના પટ્ટાના લીરેલીરા ઊડી ગયા. આ સાથે સમગ્ર રાણી ગંજમાં હાહાકાર મચી ગયો. અંદર ૭૧ માનવી હતા, જેમના પર ન જાણે કેટકેટલાંય માણસોના જીવનનો આધાર હતો.
ન પોતાની ફરજ, ન પોતાની જવાબદારી છતાં સરદાર જસવંતસિંહ ગિલ અહીં એવું કમાલ બતાવવાના હતા કે જેની કોઇને કલ્પના સુધ્ધાં નહોતી. હકીકતમાં એ રાતે કુલ ૨૩૨ ખાણિયા રાતપાળી કરી રહ્યા હતા. વધુ કોલસા કાઢવા માટે ખાણમાં ૩૨૦ ફૂટ નીચે સુરંગથી વિસ્ફોટ કરવાનો હતો. એમાં ભૂલ થઇ અને પાણી ધસી આવ્યું. બે લિફટની નજીકમાં કામ કરતા ૧૬૧ ખાણિયાને ઉગારી લેવાયા ઊંડા પાણીને લીધે ૭૧ બદનસીબ સુધી પહોંચવાનું શક્ય નહોતું.
આ જાણકારી મળતાં જ જસવંતસિંહ ગિલ ધનબાદથી રાણી ગંજ દોડી ગયા. તેઓ કોલ ઇન્ડિયામાં એન્જિનિયર તરીકે જોડાયા હતા અને જનરલ મૅનેજરના હોદ્દા સુધી પહોંચ્યા હતા. તેઓ કોઇ પણ ભોગે ગરીબ ખાણિયાઓને બચાવવાનો પ્રયાસ કરવા માગતા હતા. મંજૂરી મેળવવા માટે ગયા. તેમણે કેવી રીતે પરમિશન માગી કે આંચકી લીધી એ રસપ્રદ છે. જસવંતસિંહ ચેરમેનને પૂછયું કે ખાણિયાને બચાવવા અંદર ઉતારનારો શારીરિક, માનસિક અને ઇમોશ્નલી ફિટ હોવો જોઇએ? એને ખાણની સમજ હોવી જોઇએ? ટોળાને નિયંત્રણમાં રાખતા આવડવું જોઇએ. ચૅરમૅન બધા સવાલના જવાબમાં ‘હા’ પાડી આ સાથે જસવંતસિંહ ઉત્સાહભેર બોલ્યા કે આ બધી આવડત મારામાં છે અને હું ખાણમાં ઊતરીશ. એકદમ સ્તબ્ધ થઇ ગયેલા ચૅરમૅન બોલ્યા કે એક સિનિયર ઑફિસરનો જીવ હું જોખમમાં ન નાખી શકું. ઉપરીની વાત કાને ધર્યા વગર તેમણે વચન આપ્યું કે રેસ્કયુ મિશન પૂરું કર્યા બાદ આપની સાથે ચા પીવા આવીશ.
ભયંકર તાણ વચ્ચેય જસવંતસિંહ ઘટનાસ્થળે નિરીક્ષણ કરીને બે સૂચન કર્યાં. નવો બોર ડ્રિલ કરીએ અને સ્ટીલની કેપ્સુલ બનાવીએ. આનો અમલ આસાન નહોતો. એક માણસ અંદર ઊતરી શકે એ માટે ઓછામાં ઓછો ૨૨ ઇંચનો બોર કે કાણાની જરૂર પડે, પરંતુ ડ્રિલિંગ માટે ઉપલબ્ધ સાધનની ક્ષમતા આઠ ઇંચનો બોર બનાવવાની હતી, પરંતુ હિંમત હાર્યા વગર જસવંતસિંહ ત્રણ વાર બાજુ-બાજુમાં ડ્રિલ કરાવીને ૨૧ ઇંચ પહોળી બોર બનાવડાવીને જ જંપ્યા.
પરંતુ સ્ટીલની કેપ્સુલ વિશે અલગ અને વિચિત્ર પડકાર હતો. આવી કોઇ કેપ્સુલની ડિઝાઇન તો નહોતી, એ માત્ર એક કલ્પના હતી. તરત કેપ્સુલની ડિઝાઇન બનાવીને નજીકની ફેકટરીમાં મોકલાઇ, પરંતુ ફેકટરીમાં બેવાર ડિઝાઇનનો સ્વીકાર ન થયો. ત્રીજી ડિઝાઇન પર કામ શરૂ થયું.
કેપ્સુલ બનીને આવી ત્યારે ૧૫મી નવેમ્બર થઇ ગઇ. કેપ્સુલ કોલસાની ખાણમાં લાવ્યા, ત્યાં પવનને લીધે અચાનક ગોળગોળ ફરવા માંડી. થોડીવારમાં કેપ્સુલ સ્થિર થઇ અને પછી ઊંધી દિશામાં ફરવા માંડી. જસવંતસિંહ ફફડી ગયા કે પોતે ડિઝાઇનમાં ભૂલ કરી કે શું? હજી તો ૩૦-૩૫ ફૂટ અંદર ગયેલી ખાલી કેપ્સુલ ગોળ ગોળ ફરતી હતી, તો ૩૩૦ ફૂટ નીચે ઊતરવું કંઇ રીતે?
પોતે ટીવી પર ‘મહાભારત’ સિરિયલ જોતા હતા જસવંતસિંહને સાંભરી. એમને અર્જુને માછલીની આંખ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું એ યાદ આવ્યું. તેમણે ખાણમાંથી આવતા પ્રકાશ પર ધ્યાન આપ્યું. આ ધ્યાન કેન્દ્રિત કરવાથી કેપ્સુલ ઘૂમી રહી હતી એ ભૂલાઇ ગયું. તેમણે નીચે જઇને કેપ્સુલમાંથી ઊતરીને પહેલા મજૂરને એમાં બેસાડીને હેમખેમ ઉપર મોકલાવ્યો લગભગ છ કલાકના આ ઓપરેશનમાં ૬૫ મજૂરોને બચાવ્યા. આ લખવા કે વાંચવા જેટલું આસાન નહોતું. અંદર પાણી વધતું જતું હતું. હવા ઓછી થતી હતી, કાર્બન ડાયોકસાઇડ વધતો હતો. દરેક વખતે કેપ્સુલના ઉપર નીચે આવવા-જવામાં જોખમ વધતું હતું.
આ બધી તાણ છતાં જસવંતસિંહ ગિલે મગજ પર કમાલનો કાબૂ રાખ્યો. એમની રમૂજવૃત્તિ જીવંત રાખી. ખીણમાં ઊતરતી વખતે પત્રકારો એમના જીવન વિશે પૂછવા માંડ્યા, તો હસતા-હસતા જવાબ આપ્યો કે શું કાલે સવારે મારી જીવન ઝરમર લખવાની તૈયારી કરો છો?
ખાણની અંદર ફસાયેલા ખાણિયાઓ તો જસવંતસિંહનું આગમનને સગી આંખે જોવા છતાં માની જ ન શક્યા. ધડાધડ સવાલો થવા માંડ્યા. તમે લશ્કરમાં છો? એર ફોર્સથી આવ્યા કે ફાયર બ્રિગેડમાં છો? વાતાવરણને હળવું બનાવવા જસવંતસિંહે જવાબ આપ્યો કે તમે અહીં પિકનિક મનાવો છો એવી ખબર મળી એટલે હું ય આવી ગયો પિકનિકમાં જોડાવા.
જસવંતસિંહે બચાવેલા બધા ખાણિયા બંગાળી હતા પણ તેઓ પોતાના જીવનનાં રક્ષકને ખભા પર ઊંચકીને એક જ સૂત્ર પોકારતા હતા: ‘બોલે સો નિહાલ, સત શ્રી અકાલ.’
આજેય ઘણાં ખાણિયાના ઘરમાં દીવાલની બાજુમાં જસવંતસિંહનો ફોટો છે. આ મિશન બાદ એમને નવું નામ મળ્યું, કેપ્સુલ ગિલ. સાથો સાથ ૬૫ જિંદગી બચાવવા બદલ રાષ્ટ્રપતિના હસ્તે ઉચ્ચતમ મુલ્કી ખિતાબ સર્વોત્તમ જીવન રક્ષક પદક એનાયત થયો હતો. કોલ ઇન્ડિયાએ પણ ૧૬મી નવેમ્બરે ‘રેસ્કયુ ડે’ જાહેર કર્યો, પરંતુ પશ્ર્ચિમ બંગાળ કે પંજાબ સરકારે આ સપૂત માટે કંઇ ન કર્યું.
અચાનક આ લેખ શા માટે? તાજેતરમાં અક્ષયકુમાર અભિનિત ફિલ્મ ‘મિશન રાની ગંજ’ રિલીઝ થઇ એ જસવંતસિંહ ગિલના અદ્ભુત પરાક્રમ પર આધારિત છે.