સ્પોર્ટસ

રણજી ટ્રોફીમાં ગુજરાતને ફાઇનલના પ્રવેશનો સુવર્ણ મોકો, પણ મુંબઈ સેમિ હારી શકે

અમદાવાદ/નાગપુરઃ રણજી ટ્રોફીના સેમિ ફાઇનલ રાઉન્ડનો નિર્ણાયક દિવસ આવી ગયો છે. કેરળ સામે ગુજરાતની ટીમ પ્રથમ દાવની સરસાઈ મેળવવાની સાથે ફાઇનલમાં પહોંચવાની તૈયારીમાં છે એમ કહી શકાય, જ્યારે વિદર્ભ સામે મુંબઈના માથે પરાજય તોળાઈ રહ્યો છે. કોઈ ચમત્કાર જ મુંબઈને જિતાડી શકે.

અમદાવાદમાં પાંચ દિવસીય રણજી સેમિ ફાઇનલમાં કેરળે વિકેટકીપર મોહમ્મદ અઝહરુદ્દીનના અણનમ 177 રનની મદદથી 457 રન બનાવ્યા ત્યાર બાદ ગુજરાતની ટીમે જોરદાર વળતી લડત આપીને ચોથા દિવસની રમતના સાત વિકેટે ગુજરાતનો સ્કોર સાત વિકેટે 429 રન હતો.

જયમીત પટેલે 161 બૉલમાં બનાવેલા 74 રને અને સિદ્ધાર્થ દેસાઈએ 134 બૉલમાં બનાવેલા 24 રને નૉટઆઉટ રહીને (72 રનની અતૂટ ભાગીદારી સાથે) ગુજરાતને ફાઇનલના પ્રવેશની નજીક લાવી દીધું હતું.

આપણ વાંચો: સોમવારથી રણજી ટ્રોફીની પાંચ દિવસીય સેમિ ફાઇનલ

એ પહેલાં, 34 વર્ષીય ઓપનર પ્રિયાંક પંચાલે 237 બૉલમાં એક સિક્સર તથા 18 ફોરની મદદથી 148 રન બનાવીને ગુજરાતના સંભવિત વિજયનો પાયો નાખ્યો હતો. 73 રન બનાવનાર આર્ય દેસાઈ સાથે પ્રિયાંકની 131 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. કેરળ વતી જલજ સક્સેનાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

પાંચ દિવસીય સેમિ ફાઇનલમાં નાગપુરમાં વિદર્ભએ પ્રથમ દાવમાં 383 રન બનાવ્યા બાદ મુંબઈએ વિકેટકીપર આકાશ આનંદના 106 રનની મદદથી 270 રન બનાવ્યા હતા. વિદર્ભએ 113 રનની સરસાઈ લીધા બાદ બીજા દાવમાં યશ રાઠોડના 151 રન તેમ જ કૅપ્ટન અક્ષય વાડકરના બાવન રનની મદદથી 292 રન બનાવ્યા હતા.

આપણ વાંચો: વાત જરાય ખોટી નથી…પૅટ કમિન્સે ટીમ ઇન્ડિયાના દિગ્ગજોને રણજી ટ્રોફી રમતા કરી દીધા!

મુંબઈના બોલર્સમાં સ્પિનર શમ્સ મુલાનીએ સૌથી વધુ છ વિકેટ લીધી હતી. એ સાથે મુંબઈને જીતવા 406 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો અને ચોથા દિવસની રમતને અંતે મુંબઈનો સ્કોર ત્રણ વિકેટે 83 રન હતો. જીતવા માટે મુંબઈને હજી બીજા 323 રનની જરૂર હોવાથી એના માટે વિજય મેળવવો ખૂબ મુશ્કેલ હતો. મુંબઈની ત્રણમાંથી બે વિકેટ હર્ષ દુબેએ અને એક વિકેટ પાર્થ રેખાડેએ લીધી હતી.

પ્રથમ દાવમાં પાંચ વિકેટ લેનાર શિવમ દુબે 12 રને અને ઓપનર-વિકેટકીપર આકાશ આનંદ 27 રને રમી રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button