રોહિતનો વધુ એક કીર્તિમાનઃ વન-ડેમાં 11,000 રન બનાવનાર આટલામો ફાસ્ટેસ્ટ ખેલાડી બન્યો

દુબઈઃ કૅપ્ટન રોહિત શર્માએ આજે બાંગ્લાદેશના મિડલ-ઑર્ડરના બૅટર જાકર અલીને શૂન્ય પર જીવતદાન આપ્યું જેને પગલે બાંગ્લાદેશની ટીમ 35/5ની શરમજનક સ્થિતિમાંથી બહાર આવીને 228/10ના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું અને ત્યાર પછી રોહિતે 41 રનનું સાધારણ યોગદાન આપ્યું હતું, પરંતુ રોહિતે આ જ મૅચમાં એક મોટી સિદ્ધિ પણ મેળવી.
રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં 11,000 રન પૂરા કરનાર વિશ્વનો સેકન્ડ-ફાસ્ટેસ્ટ બૅટર બન્યો હતો.
રોહિતે 229 રનના લક્ષ્યાંકને મેળવવાના પ્રયાસમાં ભારતની ઇનિંગ્સની ચોથી ઓવરમાં 11,000 રન પૂરા કરવાની અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી. તેની આ 270મી વન-ડે હતી. જોકે તેણે 11,000 રન 261 ઇનિંગ્સમાં પૂરા કર્યા અને તેનાથી ફક્ત વિરાટ કોહલીએ ઓછી મૅચમાં 11,000 રન પૂરા કરવાની ઉપલબ્ધિ મેળવી હતી.
આપણ વાંચો: ICC Rankings: બીજી વન-ડેમાં રોહિત શર્મા મેચ વિનર છતાં રેન્કિંગમાં નુકસાન, કોહલીને પણ ફટકો…
કોહલીએ 222મી ઇનિંગ્સમાં 11,000મો રન બનાવ્યો હતો.
વન-ડેમાં 11,000 રન સૌથી ઓછી વન-ડે ઇનિંગ્સમાં પૂરા કરનારા કોહલી અને રોહિત પછીના ત્રણ બૅટરની વિગત આ મુજબ છેઃ સચિન તેન્ડુલકર (276 ઇનિંગ્સમાં), રિકી પૉન્ટિંગ (286 ઇનિંગ્સમાં) અને સૌરવ ગાંગુલી (288 ઇનિંગ્સમાં).
રોહિત શર્મા વન-ડે ફૉર્મેટમાં 11,000 રન પૂરા કરનાર ભારતનો ચોથો અને વિશ્વનો દસમો ખેલાડી છે.
વન-ડેમાં 11,000 કે વધુ રન બનાવનાર ટોચના 10 ખેલાડીની યાદી આ મુજબ છેઃ સચિન (18,426 રન), સંગકારા (14,234 રન), કોહલી (13,985 રન), પૉન્ટિંગ (13,704 રન), જયસૂર્યા (13,430 રન), જયવર્દને (12,650 રન), ઇન્ઝમામ (11,739 રન), કૅલિસ (11,579 રન), ગાંગુલી (11,363) અને રોહિત (11,029 રન).