અંજારના છ મંદિરમાં ચોરી કરનારાના ગામના જ નીકળ્યા

ભુજઃ કચ્છના અંજાર તાલુકાના જૂના સુગારિયા ગામે એકસાથે છ મંદિરોંમાં ચોરી કરનારા બે ચોરને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
મંગળવારની મધ્યરાત્રી બાદ બે વાગ્યાથી પાંચ વાગ્યાના અરસામાં ગામના છ મંદિરમાં સામૂહિક તસ્કરી અંગે ફરિયાદ નોંધાયા બાદ હરકતમાં આવી ગયેલી પોલીસે બાતમીના આધારે પુનિત શામજી મરંડ અને પ્રદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના નવા તથા જૂના સુગારિયા ગામના બે યુવકની અટક કરી આગવી ઢબે પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલી લીધો હતો.
ગામની ભાગોળે બાવળોની ગીચ ઝાડીમાં છુપાવેલો મુદ્દામાલ પોલીસે રીકવર કરી લીધો છે.
આ પણ વાંચો : કચ્છીઓ માટે સારા સમાચાર: ભુજ-નલિયા રૂટ એપ્રિલ માસથી દોડશે પેસેન્જર ટ્રેન

અંજારના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલે જણાવ્યું હતું કે, આરોપી પ્રદિપ જાડેજાએ ચોરીની ફરિયાદ નોંધાવનાર જીવાભાઈ ગુજરીયાને સામેથી ફોન કરીને મંદિરોમાં આ રીતે ચોરી થાય તે ચલાવી ના લેવાય કહીને પોલીસને જાણ કરવા સૂચન કરેલું. બેઉ જણ દારૂ પીવાની ટેવ ધરાવે છે અને અંગત મોજશોખ પૂરાં કરવાના હેતુથી તેમણે મંદિરોમાં ચોરી કરી હતી તેમ પી.આઈ ગોહિલે ઉમેર્યું હતું.