આપણું ગુજરાત

Gujarat Budget: કનુ દેસાઈની લાલ રંગની પોથીની શું છે વિશેષતા? તસવીરો

ગાંધીનગરઃ ગુજરાતનું બજેટ થોડી વારમાં રજૂ થશે. નાણા પ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કરવા આવ્યા ત્યારે તેમની સાથે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ માટે રાખ્યું હતું.

આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે. કનુ દેસાઈ ચોથી વખત બજેટ રજૂ કરશે.

વારલી ચિત્રકલાની વિશેષતા

વારલી એ લગભગ ૧૨૦૦ વર્ષ જૂની અને લુપ્ત થઈ રહેલી એક વિશેષ ચિત્રકલા છે. આ ચિત્રકલા મુખ્યત્વે ત્રિકોણ ગોળ અને ચોરસ જેવા જુદા-જુદા ભૌમિતિક આકારની મદદથી બનાવવામાં આવે છે. આ ભૌમિતિક આકારોની મદદથી ચૂલે રસોઈ કરતી સ્ત્રી, કૂવામાંથી પાણી સિંચતી સ્ત્રી કે પાણી ભરતી સ્ત્રી, ઘાસ કે લાકડાનો ભારો ઉચકીને લઈ જતી સ્ત્રી, સુપડાથી ધાન સાફ કરતી સ્ત્રી, લાકડા કાપતો પુરુષ, ખેતરમાં હળ હાંકતો પુરુષ, ગાડુ હાંકતો પુરુષ અને ઢોર ચારતા પુરુષ જેવી રોજ-બરોજની ઘટનાઓને ચિત્રાંકિત કરવામાં આવે છે.

Also read: Gujarat Budget 2025: નાણા પ્રધાન કનુ દેસાઈ ચોથી વખત રજૂ કરશે બજેટ

આ ઉપરાંત વિવિધ પાલતુ પશુઓ – ગાય, બળદ, કુતરા, બકરા તેમજ અન્ય પ્રાણીઓ સાથે વિવિધ પ્રકારના વૃક્ષો પણ ચીતરવામાં આવે છે. વધુમાં, પંચોલા દેવ, નાગદેવ, સૂર્યદેવ જેવા દેવી-દેવતાઓ ઉપરાંત પ્રસંગોપાત ચિત્રો પણ ચિતરવામાં આવે છે.

આહિર ભરતની વિશેષતા
કચ્છની પ્રખ્યાત આહિર ભરત કલા કોટનના કપડા ઉપર ઉનથી ભરવામાં આવે છે. આ ભરત ભરતી વખતે ઉપર તથા નીચે એક જ સરખી ભાત પડે છે અને તેની ગાંઠ પણ દેખાતી નથી. મોટાભાગે આ ભરત બહેનો દ્વારા ભરવામાં આવે છે. કચ્છમાં લગભગ ૧૦૦ થી ૧૫૦ ઘરોમાં આ ભરત ભરવામાં આવી રહ્યું છે. મુખ્યત્વે ઢોરી, સુમરાસર, કુનરીયા, કોટાય અને ધ્રંગ જેવા વિવિધ ગામોમાં આ ભરતકામ થઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button