લોઅર પરેલમાં છાવા જોવા ગયેલા દર્શકો બન્યા આક્રમકઃ ઠાકરે જૂથના નેતાએ કરવો પડ્યો હસ્તક્ષેપ

મુંબઈઃ વિકી કૌશલની ફિલ્મ છાવા થિયેટરોમાં દર્શકોને ખેંચી લાવવામાં સફળ થઈ છે. ફિલ્મ ખૂબ જ સારું કલેક્શન બોક્સ ઓફિસ પર કરી રહી છે. મરાઠા લડવૈયા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની શૌર્યગાથા પર આધરિત ફિલ્મને મહારાષ્ટ્રમાં વિશેષ લોકપ્રિયતા મળી રહી છે. એવામાં લોઅર પરેલમાં ફિલ્મ જોવા જનારા દર્શકોના ભાગે નિરાશા આવી હતી અને થોડા સમય માટે વાતાવરણ તણાવવાળું બન્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર લોઅર પરેલ ખાતે આવેલા પીવીઆર સિનેમામાં છાવાનો શો ચાલી રહ્યો હતો, પરંતુ સ્ક્રીન પર સતત બ્લેક પેચ આવતા હતા અને ક્યારેક સાઉન્ડ પણ ચાલ્યો જતો હતો. મોટી રકમ વસૂલી કરી મલ્ટિપ્લેકસ જો સિનેમાં પણ યોગ્ય રીતે બતાવે નહીં તો સ્વાભાવિક છે કે દર્શકોમાં નારાજગી જોવા મળે. આ પ્રકારે સ્ક્રિનિંગ બરાબર ન થતાં દર્શકોએ ફરિયાદ કરી હતી, પરંતુ ત્યાં હાજર સ્ટાફે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
Also read: છાવા છવાઈ ગઈઃ બે દિવસમાં જ બોક્સ ઓફિસ છલકાઈ ગઈ…
દર્શકોએ હોબાળો મચાવ્યો હતો અને તેવામાં વાતની જાણ થતાં શિવસેના(યુબીટી)ના નેતા સુનીલ શિંદે અહીં આવી પહોંચ્યા હતા અને તેમણે દર્શકો સાથે વાત કરી હતી. શિંદેએ લોકોની વાત સાંભળ્યા બાદ પીવીઆરના સ્ટાફ સાથે વાત કરી હતી. અંતે સ્ટાફે ટિકિટના પૈસા પરત કરવાની અથવા એક અઠવાડિયામાં ફરી ફિલ્મ જોવા આવવાની વ્યવસ્થા કરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પીવીઆરના સંચાલકો સાથે સીધી વાતચીત થઈ શકી નથી.