કરાચીમાં ન્યૂ ઝીલૅન્ડના વિજયી શ્રીગણેશઃ હવે ભારતની દુબઈમાં કસોટી…
ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પાકિસ્તાન સામે કિવીઓ ચોથી મૅચ રમ્યા, ચારેય જીત્યા છે

કરાચીઃ અહીંના નૅશનલ સ્ટેડિયમમાં આજે બહુચર્ચિત ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂ ઝીલૅન્ડે યજમાન અને ડિફેન્ડિંગ પાકિસ્તાનને પ્રારંભિક મૅચમાં 60 રનથી હરાવીને વિજયી આરંભ કર્યો હતો. બીજી બાજુ, ગુરુવારે (બપોરે 2.30 વાગ્યાથી) ભારતે દુબઈમાં બાંગ્લાદેશ સામે રમવાનું છે.
Also read : ભારતનો તિરંગો લહેરાયો પાકિસ્તાનમાં! જાણો કેવી રીતે…
ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાનની આ ચોથી મૅચ હતી અને ચારેયમાં કિવીઓ જીત્યા છે.
કિવીઓએ પાકિસ્તાનને આજે જીતવા 321 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો અને એ ટાર્ગેટના બાજ તળે મોહમ્મદ રિઝવાનની ટીમ દબાઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ 47.2 ઓવરમાં 260 રને ઑલઆઉટ થઈ ગઈ હતી. બાબર આઝમ (90 બૉલમાં 64 રન) વધુ સારું રમ્યો હોત તો પાકિસ્તાન જીતી શક્યું હોત એવું પાકિસ્તાનની ક્રિકેટમાં ચર્ચા હતી. તેની અને ખુશદિલ શાહ (49 બૉલમાં 69 રન) સિવાય બીજો કોઈ બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો. વિલ ઑરુરકે તથા કૅપ્ટન સૅન્ટનરે ત્રણ-ત્રણ તેમ જ મૅટ હેન્રીએ બે વિકેટ લીધી હતી. બાબરની મહત્ત્વની વિકેટ સૅન્ટનરે લીધી હતી.
એ પહેલાં, સુકાની મોહમ્મદ રિઝવાને ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી જેનો ન્યૂ ઝીલૅન્ડે પૂરો લાભ ઉઠાવ્યો હતો અને બે બૅટરની સેન્ચુરી તથા એક બૅટરની હાફ સેન્ચુરીની મદદથી 50 ઓવરમાં પાંચ વિકેટે 320 રનનો તોતિંગ સ્કોર નોંધાવીને પાકિસ્તાનને 321 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ઓપનર વિલ યંગ (107 રન, 113 બૉલ, 174 મિનિટ, એક સિક્સર, બાર ફોર) અને વિકેટકીપર-બૅટર ટૉમ લૅથમ (118 અણનમ, 104 બૉલ, 160 મિનિટ, ત્રણ સિક્સર, દસ ફોર) વચ્ચે 126 બૉલમાં 118 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ લૅથમ અને ગ્લેન ફિલિપ્સ (61 રન, 39 બૉલ, 62 મિનિટ, ચાર સિક્સર, ત્રણ ફોર) વચ્ચે માત્ર 74 બૉલમાં 125 રનની પાર્ટનરશિપ થઈ હતી.
Also read : બાબર આઝમને પછાડીને આ ભારતીય બેટર બન્યો ODI માં નંબર.1, ICC રેન્કિંગમાં મોટા ફેરફાર…
ડેવૉન કૉન્વે માત્ર 10 રન, કેન વિલિયમસન એક રન તથા ડેરિલ મિચલ 10 રન બનાવી શક્યા હતા. પાકિસ્તાનના છ બોલરમાંથી નસીમ શાહ અને હારિસ રઉફે બે-બે વિકેટ અને અબ્રાર અહમદે એક વિકેટ લીધી હતી. મુખ્ય બોલર શાહીન શાહ આફ્રિદીને 68 રનમાં એકેય વિકેટ નહોતી મળી. ખુશદિલ શાહને 40 રનમાં તથા સલમાન આગાને 15 રનમાં વિકેટ નહોતી મળી શકી. હારિસ રઉફ (83 રનમાં બે) સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો હતો.