ઝારખંડ સરકારનો ક્રાંતિકારી નિર્ણયઃ ગુટકા અને પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ

રાંચીઃ ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
રાજ્યના આરોગ્ય પ્રધાન ડો. ઇરફાન અંસારીએ આ મોટા નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે મુખ્ય પ્રધાન હેમંત સોરેનના સ્વસ્થ ઝારખંડના સ્વપ્નને સાકાર કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે. આ પ્રતિબંધ માત્ર એક નિયમ નથી, પરંતુ ઝારખંડના યુવાનોને વ્યસનની ચુંગાલમાંથી બચાવવા માટેની એક ક્રાંતિકારી પહેલ છે.
જનતાના કલ્યાણની મારી પહેલી ફરજ છે
આરોગ્ય પ્રધાન ડો. અંસારીએ જણાવ્યું કે આરોગ્ય સાથે ચેડાં કોઇ પણ કિમંતે સહન કરવામાં આવશે નહીં. ગુટખા અને પાન મસાલાના કારણે કેન્સર જેવા જીવલેણ રોગો ઝડપથી વધી રહ્યા છે. આપણા યુવાનો ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે, અને હું તેમને મારી નજર સામે મરતા જોઇ શકતો નથી.
એક ડોક્ટર હોવાના નાતે હું જાણું છું કે આ ઝેર કેટલી હદ સુધી શરીરને બરબાદ કરી શકે છે. જ્યારે જનતાએ મને આરોગ્ય પ્રધાન બનાવ્યો છે તો મારી પહેલી ફરજ તેમના જીવનનું રક્ષણ કરવાની છે.
જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો કાર્યવાહી થશે
પ્રધાને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ગુટખાનું વેચાણ, સંગ્રહ તેમજ સેવન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુટખા માફિયા અને ગેરકાયદે વેપારીઓ પર વિશેષ નજર રાખવામાં આવશે. જો કોઇ દુકાન, ગોદામ કે વ્યક્તિ પાસેથી ગુટકા મળી આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ગોદામ પણ સીલ કરવામાં આવશે. આ આદેશનું કડક પાલન કરવા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે.
લોકો સ્વસ્થ થશે નહીં ત્યાં સુધી શાંતિથી બેસીશ નહીં
ડો. ઇરફાન અંસારીએ વધુમાં જણાવ્યું કે જ્યારે જનતાએ એક ડોક્ટરને આરોગ્ય પ્રધાન તરીકે ચૂંટ્યા છે તો તેઓ આ જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઝારખંડમાં આરોગ્ય સુવિધાઓ સુધરશે નહીં, જ્યાં સુધી અહીંના લોકો સ્વસ્થ નહીં થાય, ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં. ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ મૂકવાના આ ઐતિહાસિક નિર્ણયની સર્વત્ર પ્રશંસા થઇ રહી છે. આ નિર્ણય માત્ર સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ નથી પણ સામાજિક સુધારાની દિશામાં એક ક્રાંતિકારી પગલું પણ છે.