(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળા સાથે વિશ્ર્વબજારના નબળા સંકેત વચ્ચે સ્થાનિક બજારનું માનસ પણ ખોરવાયું હતું અને નિફટી ૧૯,૭૦૦ની નીચે ધસી ગયો હતો. સેન્સેકસમાં પણ ૫૫૧ પોઇન્ટનું મસમોટું ગાબડું નોંધાયું હતું. બેન્ક, ફાઇનાન્સ અને એનર્જી સેગમેન્ટના શેરમાં આવેલા વેચવાલીના દબાણને કારણે પણ બેન્ચમાર્ક નીચી સપાટીએ ધકેલાયો હતો.
સત્ર દરમિયાન ૫૮૫.૯૯ પોઇન્ટ અથવા તો ૦.૮૮ ટકા તૂટીને ૬૫,૮૪૨ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે ૫૫૧.૦૭ પોઇન્ટ અથવા તો ૦.૮૩ ટકાના ઘટાડે ૬૫,૮૭૭.૦૨ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૪૦.૪૦ પોઇન્ટ અથવા તો ૦.૭૧ ટકાના ઘટાડા સાથે ૧૯,૬૭૧.૧૦ પોઇન્ટની સપાટીએ સેટલ થયો હતો.
બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, બીપીસીએલ અને એક્સિસ બેંક ટોપ લૂઝર શેરોની યાદીમાં સામેલ હતા, જ્યારે સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાટા મોટર્સ, સન ફાર્મા અને એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સનો સમાવેશ ટોપ ગેઇનર્સ સ્ટોક્સમાં થયો હતો.
ઓટો અને ફાર્મા સિવાયના ક્ષેત્રોમાં, પાવર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી અને બેન્ક પ્રત્યેક ૦.૫-૧ ટકાના ઘટાડા સાથે અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયાં હતાં. આ સત્રમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ રહ્યો હતો અને નાના શેરોમાં પણ નરમાઇ જોવા મળી હોવાથી મિડકેપ ઈન્ડેક્સ ૦.૮ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨ ટકા ઘટ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને