દુષ્કર્મના કેસમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો: 50 સામે ગુનો
પથ્થરમારામાં અધિકારી જખમી, પોલીસ વાહનની તોડફોડ: ચારની ધરપકડ

થાણે: દુરાચારના કેસમાં કથિત રીતે સંડોવાયેલા આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના ભિવંડીમાં બનતાં પોલીસે 50 જણ સામે ગુનો નોંધ્યો હતો. ટોળાએ કરેલા પથ્થરમારામાં અધિકારી જખમી થયો હતો તો પોલીસ વાહનની તોડફોડ કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ છોકરી પર દુરાચારની માહિતી મળતાં અધિકારીઓની ટીમ મંગળવારે પીડિતાની માતાનું નિવેદન નોંધવા માટે હૉસ્પિટલમાં ગઈ હતી. આ વાતની માહિતી મળતાં મોટી સંખ્યામાં લોકો હૉસ્પિટલ બહાર એકઠા થયા હતા.
હૉસ્પિટલ બહાર જમા થયેલા લોકો સૂત્રોચ્ચાર કરતાં હોવાથી વધારાના પોલીસ દળને બોલાવવામાં આવ્યું હતું. જોકે મદદ માટે પોલીસની ટીમ પહોંચે તે પહેલાં ટોળું વિખેરાવા લાગ્યું હતું.
પીડિતાની માતા પાસેથી મળેલી માહિતીને આધારે પોલીસની એક ટીમ આરોપીને પકડવા ભિવંડીના વર્હાલદેવી મંદિર પરિસરમાં પહોંચી હતી. પોલીસને જોઈ 20થી 25 યુવકોએ રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તો રોકીને ઊભેલા યુવકોને સમજાવવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકો વધુ ઉશ્કેરાયા હતા. સૂત્રોચ્ચાર કરી પોલીસને ધક્કે ચઢાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : થાણેમાં ફ્લેટમાંથી 2.21 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ
આ બુમરાણ સાંભળી સ્થાનિક રહેવાસીઓ પણ એકઠા થવા લાગ્યા હતા. જોતજોતાંમાં મામલો ગરમાવા લાગ્યો હતો. એક યુવાને પોલીસ ટીમ પર પથ્થર ફેંક્યા પછી લોકો કાબૂ બહાર થઈ ગયા હતા. પથ્થરમારામાં એક અધિકારીને ઇજા થઈ હતી, જ્યારે ટોળાએ પોલીસ વાહનના કાચનો ભુક્કો બોલાવી દીધો હતો.
પોલીસ પર હુમલો કરવા પ્રકરણે 50થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે હુમલાખોરોને ઓળખી કાઢી ચાર આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્યોની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)