નેશનલ

જ્ઞાનેશ કુમારે સીઈસી તરીકેનો કાર્યભાર સંભાળ્યો, મતદારોની કરી મોટી અપીલ

નવનિયુક્ત મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે, જાણો?

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારી તરીકે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની મોટા ભાગની જોગવાઈઓ રદ કરવા અને રામ મંદિર ટ્રસ્ટની રચના કરવાના સરકારના પગલામાં મુખ્ય ભૂમિકા ભજવનારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી જ્ઞાનેશ કુમારે આજે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) તરીકેનો સત્તાવાર કાર્યભાર સંભાળ્યો છે.

જ્ઞાનેશ કુમારે ચાર્જ સંભાળ્યા પછી મતદારોને સંબોધતા કહ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ માટેનું પહેલું પગલું મતદાન છે. બંધારણ મુજબ ચૂંટણી પંચ હંમેશાં મતદારોની પડખે ઊભું રહ્યું છે. દેશના નિર્માણ માટે પહેલું કદમ મતદાન છે, તેથી દેશના દરેક નાગરિક કે જેમણે અઢાર વર્ષની ઉંમર પૂરી હોય તેમણે પણ મતદાન કરવું જોઈએ.

જ્ઞાનેશ કુમાર જાન્યુઆરી 2024માં સહકાર મંત્રાલયમાં સચિવ તરીકે નિવૃત્ત થયા હતા અને માર્ચ 2024માં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવારે સાંજે રાજીવ કુમાર નિવૃત્ત થયાના એક દિવસ પછી તેઓ 26મા સીઈસી તરીકે શપથ લેશે. સુખબીર સિંહ સંધુ સાથે કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન બંને ચૂંટણી પંચનો ભાગ હતા.

તેમના કાર્યકાળમાં તમિલનાડુ અને બંગાળમાં યોજાશે ચૂંટણી

ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક માટેના નવા કાયદા હેઠળ આ પદ પર નિયુક્ત થનારા કુમાર પ્રથમ સીઈસી છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી રહેશે. આના થોડા દિવસ પહેલા ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીનો સમયપત્રક જાહેર કરે તેવી શક્યતા છે. કાયદા મુજબ, સીઈસી અને ચૂંટણી કમિશનરોએ 65 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી અથવા કમિશનમાં છ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી જે પણ વહેલું હોય તે પછી નિવૃત્તિ લેવી જરૂરી છે.

જ્ઞાનેશ કુમાર 27 જાન્યુઆરી, 2029ના રોજ 65 વર્ષના થશે. સીઈસી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, કુમાર આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને 2026માં કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીઓ યોજશે. તેમની દેખરેખમાં 2026માં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે.

આ પણ વાંચો : જ્ઞાનેશ કુમારની CEC તરીકે નિમણૂક સામે કોંગ્રેસે સખત વાંધો ઉઠાવ્યો; સુપ્રીમ કોર્ટ કાલે આપશે ચુકાદો…

રામ મંદિર ટ્રસ્ટના ગઠનમાં કર્યું હતું મહત્ત્વનું કામ

વિવિધ વિધાનસભા ચૂંટણીઓ ઉપરાંત તેમની દેખરેખમાં 2027માં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારી તરીકે, કુમારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કર્યા પછી લેવામાં આવેલા નિર્ણયોના અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મંત્રાલયમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી રામ મંદિર ટ્રસ્ટની સ્થાપનામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કહેવાય છે કે તેઓ રામ મંદિર પર સુપ્રીમ કોર્ટની સુનાવણીનું નિયમિતપણે નિરીક્ષણ કરતા હતા. મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ નક્કી કરતી સમિતિની બેઠક મળ્યા બાદ સોમવારે તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી.

1988 બેચના કેરળ કેડરના છે આઈએએસ અધિકારી

કુમાર 1988 બેચના કેરળ કેડરના આઇએએસ અધિકારી છે. કુમારે કાનપુર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) માંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક કર્યું છે. એમ.એડ. પૂર્ણ કર્યા પછી તેમણે આઇસીએફએઆઇ ખાતે બિઝનેસ ફાઇનાન્સ અને અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં એચઆઇઆઇડીમાં પર્યાવરણીય અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે કેરળ સરકારમાં એર્નાકુલમના આસિસ્ટન્ટ કલેક્ટર, અડૂરના સબ-કલેક્ટર, એસસી/એસટી માટે કેરળ રાજ્ય વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર, કોચીન કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સિવાય અન્ય પદો પર પણ સેવા આપી હતી.

સંસદીય બાબતોના મંત્રાલયમાં સચિવ તરીકે કર્યું છે કામ

કેરળ સરકારના સચિવ તરીકે કુમારે નાણાકીય સંસાધનો, ફાસ્ટ-ટ્રેક પ્રોજેક્ટ્સ અને જાહેર બાંધકામ વિભાગ જેવા વિવિધ વિભાગો સંભાળ્યા હતા. તેમને ભારત સરકારમાં બહોળો અનુભવ છે, તેમણે સંરક્ષણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ, ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને અધિક સચિવ, સંસદીય બાબતોના મંત્રાલયમાં સચિવ અને સહકાર મંત્રાલયમાં સચિવ તરીકે કામ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button