બિપરજોય ચક્રવાતે કચ્છને ધમરોળ્યું, પણ આ ભેટ પણ આપતું ગયુંઃ જાણો નવું સંશોધન

ભુજઃ પ્રકૃતિની દરેક ઘટના એક યા બીજા કારણો અને આશયથી બનતી હોય છે. ગમે તેટલા વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની દૃષ્ટિએ સમૃદ્ધ બનીએ, છતાં પ્રકૃતિની ગતિને સમજવી અઘરી છે. 2023માં આવેલા ભયાનક બિપરજૉય વાવાઝોડાની નુકસાની આપણે સૌ કોીએ જોઈ છે, પરંતુ આ વાવાઝોડું કચ્છને એક ભેટ આપી ગયું છે જે હવે સંશોધકોના ધ્યાનમાં આવ્યું છે. મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકાના શુષ્ક પ્રદેશો અને ભારતના રાજસ્થાન ખાતેના પ્રસિદ્ધ થાર રણમાંથી ઊડતી રેતીના કણો ભાતીગળ પ્રદેશ કચ્છના બન્ની પ્રદેશના ઘાસિયા મેદાનોને ફળદ્રુપ બનાવી રહ્યા હોવા અંગેનો વિસ્તૃત અભ્યાસ એક વૈજ્ઞાનિક જર્નલમાં કચ્છ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા પ્રકાશિત થયો છે.
શું છે આ સંશોધનના તારણો
વર્ષ ૨૦૨૩ના જૂન માસમાં કચ્છમાં ત્રાટકેલા ચક્રવાત બિપરજોયે મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા (MENA) પ્રદેશ અને થાર રણમાંથી ફોસ્ફરસથી ભરેલી ધૂળના લાંબા અંતરના પરિવહનને સરળ બનાવતા એશિયા ખંડના સૌથી મોટા બન્નીના મેદાનોને ફોસ્ફરસથી ફળદ્રુપ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ઘાસના મેદાનો, અર્ધ-શુષ્ક ઇકોસિસ્ટમ, વિવિધ કુદરતી અને માનવજાત પરિબળોને કારણે હાલ અનેક પ્રાકૃતિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. ઘાસના છોડના વિકાસ માટે મહત્વપૂર્ણ પોષક તત્વો, ફોસ્ફરસ સ્થાનિક ઇકોસિસ્ટમમાં મર્યાદિત સંખ્યામાં હોય છે. આ સંશોધનમાં એ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે ધૂળના તોફાનો અને વાતાવરણીય પરિભ્રમણ પેટર્ન, ખાસ કરીને ચક્રવાતો, આ ઘાસના મેદાનોમાં ફોસ્ફરસના જથ્થાને કેવી રીતે પ્રભાવિત કરે છે. સંશોધકોએ ચક્રવાત બિપરજોયના નલિયાના કાંઠે થયેલા લેન્ડફોલ પહેલાં, તરત જ અને ૨૦ દિવસ પછી બન્ની ઘાસના મેદાનોમાં ગ્રીડ સ્થાનોમાંથી માટીના નમૂનાઓ એકત્રિત કર્યા હતા.
ત્યારબાદ તેઓએ ફોસ્ફરસની સામગ્રી માટે આ નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું. અભ્યાસમાં નાસાના ૪૦ વર્ષના સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. MERRA-2 (NASA પુનઃવિશ્લેષણ ડેટાસેટ) માંથી ઉપગ્રહ છબીઓ, જમીન-આધારિત માપનો અને ઐતિહાસિક એરોસોલ ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધકો ધૂળના એરોસોલની ગતિવિધિને ટ્રેક કરી શક્યા અને તેમને ફોસ્ફરસના જથ્થાના પેટર્ન સાથે સાંકળી શક્યા હતાં. વિશ્લેષણમાં ચક્રવાતના માર્ગ અને જમીનમાં વધેલા ફોસ્ફરસ સ્તર વચ્ચે સ્પષ્ટ જોડાણ જોવા મળ્યું હતું.
આ સંશોધન સીમા શર્મા અને રૂપક ડે (કચ્છ યુનિવર્સિટી), મહેશ ઠક્કર (બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓસાયન્સ), રણજીત કુમાર સારંગી (ઇસરો) અને અભિરૂપ ચૌધરી અને આલિયાનાઝ (ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી) દ્વારા કરવામાં આવ્યુ છે. બન્ની ઘાસના મેદાનોમાં ફોસ્ફરસ સંક્રમણ પર ચક્રવાતની અસરની ખાસ તપાસ કરવા માટે આ પહેલો અભ્યાસ છે.
Also read:કચ્છમાં કભી ધૂપ તો કભી છાંવઃ દિવસ અને રાતના તાપમાનમાં ૮થી ૧૨ ડિગ્રીનો તફાવત
બિપરજૉયન આડકતરો ફાયદો
આ સંશોધન એ વાતના મજબૂત પુરાવા આપે છે કે ચક્રવાત બિપરજોય આડકતરી રીતે બન્ની ઘાસના મેદાનોને ફોસ્ફરસથી ફળદ્રુપ બનાવ્યું છે. આ ભયાનક ચક્રવાતે મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકાના શુષ્ક પ્રદેશો અને થાર રણમાંથી ધૂળથી ભરેલા ફોસ્ફરસના લાંબા અંતરના પરિવહન માટે એક વાહન તરીકે કામ કર્યું, જમીનને સમૃદ્ધ બનાવી અને આ મહત્વપૂર્ણ ઘાસના મેદાનની ઇકોસિસ્ટમની ઉત્પાદકતામાં સંભવિત વધારો કર્યો. આ શોધથી ભવિષ્યમાં પર્યાવરણ અને આબોહવા બદલાવ અને ખેતી સહિતના ક્ષેત્રમાં મદદ મળશે.
આ અંગે સંશોધક રૂપક ડેએ જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકાના શુષ્ક પ્રદેશો અને ભારતના થાર રણના લીધે ભારતીય ભૂમિ ફળદ્રુપ થાય છે તે આ સંશોધનમાં ખુલાસો થયો છે. વાવઝોડાના લીધે ફોસ્ફરસના સ્તરમાં વધારો નોંધાયો હતો. ધુળના રજકણો મેદાનો અને વૃક્ષોમાં જામે છે જેનો પશુઓ ખોરાક તરીકે આળોગે છે. જેના મળ દ્વારા તે ફરીથી જમીનમાં ભળી જતા તે વિશિષ્ટ ખાતરનું નિર્માણ કરે છે. આમ આફ્રિકા અને રાજસ્થાનનું રણ કચ્છ સહિત ભારતના અન્ય પ્રદેશો માટે વરદાન કહી શકાય છે.
પવનની પેટર્ન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફથી પ્રવર્તમાન પવનો, ખાસ કરીને પૂર્વ-ચોમાસાની ઋતુ દરમિયાન આફ્રિકાથી ધુળના કણો લઇ આવે છે. જ્યારે નવેમ્બર માસથી થાર રણમાંથી ધૂળને બન્ની ઘાસના મેદાનો તરફ લઈ જાય છે. ચક્રવાત બિપરજોય, તેના શક્તિશાળી પવનો પોતાની સાથે આફ્રિકાથી ધુળના કણો લઇ આવ્યુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.