લાખો શ્રદ્ધાળુઓથી ઊભરાતા અયોધ્યામાં શંકાસ્પદ ડ્રોન પકડાયુ, શું હતો ઈરાદો

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં લોકોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. આ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને અયોધ્યા રામ મંદિરની અને બનારસ ખાતે આવેલા કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાતે જરૂર જતા હોય છે. એ મુજબ લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે, તેથી અહીં ભારે ભીડ જોવા મળી રહી છે અને એવા સમયે દુશ્મનોની નજર પણ અહીં કોઈ અશાંતિ સર્જવાની છે. જોકે, ઉત્તર પ્રદેશની સરકારે એવી જડબેસલાક સલામતી વ્યવસ્થા ગોઠવી છે કે એક પક્ષી પણ પાંખ ફફડાવી શકે તેમ નથી. એની ઝલક સોમવારે જોવા મળી હતી. સોમવારે રામ મંદિરના પરિસર પાસે એકઠી થયેલી માનવ મેદની ઉપર અચાનક એક ડ્રોન જોવા મળ્યું હતું જેને સુરક્ષા દળોએ એરગનથી તરત તોડી પાડ્યું હતું અને તે કોનું હતું, તેની તપાસ આદરી હતી. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે રામ મંદિરની ઉપર અને તેની આસપાસ કેટલાક કિમી વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે.
નાસભાગનું કાવતરુંઃ-
પોલીસે બૉમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દ્વારા પણ ડ્રોન કેમેરાની સંપૂર્ણ તપાસ કરાવી હતી અને પુષ્ટિ કરી હતી કે કોઇ સુરક્ષા ખતરો નથી. જોકે, રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક એફઆઇઆરમાં પોલીસે દાવો કર્યો છે કે ડ્રોનને વિશાળ ભીડની ઉપર એટલા માટે ઉડાવવામાં આવી રહ્યું હતું કે રામ મંદિરની બહાર નાસભાગ મચી શકે અને મોટી સંખ્યામાં લોકો માર્યા જાય. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આ અયોધ્યામાં નાસભાગ મચાવવાનું કાવતરું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોના જીવ જઇ શકે તેમ હતા.
આ પણ વાંચો…અટકાયત કેન્દ્રની કચરાપેટીમાં મારી પાઘડી ફેંકી દીધી, અમેરિકાથી પરત ફરેલા શીખ યુવાન…
આરોપીની વિગતોઃ-
પોલીસે ઘટનાની વિગતો અને આરોપીની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, પણ સૂત્રોના જણાવ્યા અનુસાર કથિત કાવતરાખોરની ઓળખ થઇ ગઇ છે અને તે હરિયાણાના ગુડગાંવનો રહેવાસી છે.
પોલીસ અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં એન્ટિ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાત જેવા દેશના એકાદ રાજ્યએ જ આ ટેક્નોલોજીનો અત્યાર સુધી ઉપયોગ કર્યો છે.