એક વોટ કી કિંમત તુમ કયા જાનો? છોટા ઉદેપુરમાં એક મતે બદલ્યું ઉમેદવારનું ભાવિ

છોટા ઉદેપુર: આપણે ત્યાં મતદાનના આંકડાને લઈને બહુ ખાસ ગંભીરતા નથી હોતી. પરંતુ શું તમે જાણો છો કે તમારા એક વોટની કિંમત શું છે? જેનો તાજો કિસ્સો ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યો છે. અહી છોટા ઉદેપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની જીત માત્ર એક જ મતથી થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુરની નગરપાલિકાના વોર્ડ -5ના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પરવેઝ મુસ્તુફાઅલી મકરાણી 1465 મતોથી જીત્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છોટા ઉદેપુર નગરપાલિકાની કુલ 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં 8 બેઠકો પર ભાજપ, 6 બેઠકો પર સપા, 4 બેઠકો પર બસપા તેમજ 1 બેઠક પર કોંગ્રેસ અને અન્યના ખાતામાં 9 બેઠક આવી છે.
છોટાઉદેપુરમાં તણાવની સ્થિતિ
જો કે છોટાઉદેપુરમાં ચૂંટણીના પરિણામો બાદ તણાવની સ્થિતિ સર્જાય હતી. અહી બસપા અને ભાજપના કાર્યકરો વચ્ચે તણાવ સર્જાયો છે. જો કે પોલીસે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તણાવની સ્થિતિ યથાવત છે. પોલીસ દ્વારા ટોળાને વિખેરવાના પ્રયાસો કર્યા હતા.
આ પણ વાંચો : ગુજરતના છોટા ઉદેપુરમાં ભયાનક ઘટનાઃ કપાસ વેચવા ગયેલા બાપ-દીકરા સાથે આવો વ્યવહાર
દેવગઢ બારિયામાં જૂથ અથડામણ
તે ઉપરાંત દેવગઢ બારિયા નગર પાલિકાની ચૂંટણી પરિણામ બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ કાપડી વિસ્તારમાં અમુક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેને પગલે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ સર્જાય હતી. આ પથ્થરમારામાં 3થી વધુ લોકોને ઈજા થતા કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. હાલ મામલાને શાંત પાડવા પોલીસની મદદ લેવામાં આવી રહી છે.