આસામમાં 14 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયુંઃ એક પકડાયો

ગુવાહાટીઃ આસામના કછાર જિલ્લામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી 14 કરોડ રૂપિયાના હેરોઈન અને યાબાની ટેબલેટ જપ્ત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન હિમંતા વિશ્વ શર્માએ મંગળવારે આ જાણકારી આપી હતી.
શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, ‘રામપ્રસાદપુરમાં મોટા પાયે ડ્રગ્સ મળી આવ્યા હતા. ધોલાઇ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં કછાર પોલીસે એક વાહનને રોકીને તપાસ કરી હતી. પોલીસે 14 કરોડ રૂપિયાના મૂલ્યની 40,000 યાબા ટેબ્લેટ અને 260 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે.
આપણ વાંચો: ડ્રગ્સની દાણચોરીના રેકેટનો પર્દાફાશઃ પંજાબમાંથી 30 અને કાશ્મીરમાંથી 6 કિલો હેરોઈન જપ્ત
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ ડ્રગ સ્મગલરની ધરપકડ કરવામાં આવી છે. શર્માએ રાજ્યને નશા મુક્ત બનાવવા માટે આસામ પોલીસના પ્રયાસોની પ્રશંસા કરી હતી. યાબા એ મેથૈમ્ફેટામાઈન અને કેફીનનું મિશ્રણ છે, જે ટેબ્લેટ સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે.