સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ડાકોરમાં કૉંગ્રેસનું ખાતું ખૂલ્યું નહીં, પણ ભાજપને જીતવા પરસેવો વળી ગયો…

અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 1506 બેઠક જીતી છે. કૉંગ્રેસને 303 અને અન્યોને 238 બેઠક મળી છે. રાજ્યની 66 મનમાંથી 62માં ભાજપની જીત થઈ છે. કૉંગ્રેસને 1 નગરપાલિકામાં સત્તા મળી છે.
ડાકોર નગરપાલિકામાં 28 સીટમાંથી 14 ભાજપ અને 14 અપક્ષને મળતા ટાઇ પડી છે. અહીં કૉંગ્રેસનું ખાતું પણ ખૂલી શક્યું નથી. ડાકોર નગરપાલિકામાં અપક્ષોએ ભાજપને પરસેવો વાળી દીધો હતો.
સલાયામાં ભાજપના સૂપડાં સાફ
સલાયા નગરપાલિકાના પરિણામ ભાજપ માટે ચોંકાવનારા રહ્યા હતા. 7 વોર્ડની 28 બેઠકના જાહેર થયેલા પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયા હતા. ભાજપને એક પણ બેઠક મળી હતી. કૉંગ્રેસને 15 બેઠક મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટીને 13 બેઠક મળી હતી. સલાયા રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાના વિસ્તારમાં આવતું હોવાથી પરિણામો જાહેર થયા બાદ ભાજપમાં સન્નાટો છવાઈ ગયો હતો.
બે મોટા અપસેટ પણ સર્જાયા
આ ઉપરાંત બે મોટા અપસેટ પણ સર્જાયા હતા. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડસમાનો પરાજય થયો હતો. જ્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ હતી.
આ પણ વાંચો : ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામઃ વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ…
કુતિયાણામાં કાંધલ જાડેજાનો દબદબો
કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો હતો. ભાજપને 10 સીટ મળતા ઢેલીબહેનને મોટો ફટકો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. આમ તેમના એક ચક્રી શાસનનો અંત આવ્યો હતો.