ઇન્ટરનેશનલ

ખરેખર આ સત્ય છે, ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા ભારત કરતાં આગળ…?

હંગર રેન્કિંગમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોનો દેખાવ ભારત કરતા સારો, શું ખરેખર આ હકીક્ત છે કે પછી ભારતને નીચું દેખાડવા માટેનું કોઇ કાવતરું છે? ત્યારે કોઇપણના મગજમાં આ પ્રશ્ર્ન થાય કે શું આ સાચું હશે, કારણકે ભારત પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દેશોને અનાજ પૂરું પાડે છે. ત્યારે ભારત જ હંગર રેન્કિંગમાં પાછળ કેવી રીતે હોઇ શકે? જર્મન સંગઠન વેલ્ટ હંગરહિલ્ફ દ્વારા બહાર પાડવામાં આવેલ ‘હંગર ઇન્ડેક્સ’ એક વાહિયાત રિપોર્ટ સિવાય બીજું કંઈ નથી. આ રિપોર્ટ પ્રમાણે રેન્કિંગમાં ભારત ફરી એકવાર ખૂબ જ નીચા સ્થાને 111માં સ્થાને આવી ગયું છે. ગયા વર્ષે 121 દેશોની રેન્કિંગમાં ભારત 107માં નંબરે હતું. તે 2021માં 101મું અને 2020માં 94મા ક્રમે હતું. આ વર્ષે ભારતનું રેન્કિંગ ચાર સ્થાન વધુ નીચે આવ્યું છે. પાડોશી દેશો પાકિસ્તાન (102માં), બાંગ્લાદેશ (81માં), નેપાળ (69માં) અને શ્રીલંકા (60માં) નંબર પર છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2023નો રિપોર્ટ પ્રમાણે ભારત ભૂખમરામાં હજુ પણ પાછળ પડી ગયું છે. આ વર્ષે 125 દેશોમાં ભારત 111માં નંબર પર છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ દર્શાવે છે કે દેશમાં ભૂખમરો અને કુપોષણની સ્થિતિ શું છે? રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મામલે ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.


પરંતુ ભારતનું રેન્કિંગ કેમ ઘટી રહ્યું છે? ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કેવી રીતે માપવામાં આવે છે? બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશો ભારત કરતા કેમ આગળ છે. આ ભૂખમરાના સૂચકઆંકને માપવા માટે ચાર માપદંડો પસંદ કરવામાં આવ્યા છે, પ્રથમ કુપોષણ, બીજું બાળકોમાં સ્ટંટિંગ, ત્રીજું બાળકોની ઊંચાઈ પ્રમાણે ઓછું વજન અને ચોથું બાળ મૃત્યુદર (5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુદર). આ તમામ માપદંડોના આધારે હંગર ઇન્ડેક્સનો અંદાજ લગાવવામાં આવે છે. વેલ્ટ હંગરહિલ્ફના અનુસાર ભારત માટે આ ઇન્ડેક્સ 28.7 છે, જે ખૂબ જ ગંભીર છે, જ્યારે પાકિસ્તાનમાં તે 26.6 છે, જેના કારણે પાકિસ્તાન ભારત કરતાં 102માં ક્રમે છે. એ જ રીતે બાંગ્લાદેશ 19.0 પોઈન્ટ સાથે 81મા સ્થાને છે અને શ્રીલંકા 13.3 પોઈન્ટ સાથે 60મા સ્થાને છે. આવી સ્થિતિમાં આ રિપોર્ટ પર સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. જો આપણે ખોરાકના ઉત્પાદન અને ઉપલબ્ધતાને ધ્યાનમાં લઈએ, તો ભારત 188 દેશોની નવીનતમ વૈશ્વિક રેન્કિંગ (2020)માં વિશ્વમાં 35મા ક્રમે છે. અનાજ, દૂધ, ઈંડા, ફળો, શાકભાજી, માછલી વગેરેનું માથાદીઠ ઉત્પાદન સતત વધી રહ્યું છે, જે પુષ્ટિ કરે છે કે ભારત આજે માંગની સરખામણીમાં પર્યાપ્ત અથવા વધારાના ખોરાકનું ઉત્પાદન કરી રહ્યું છે.


જો કે વેલ્ટ હંગરહિલ્ફ પાસે કુપોષણ વિશે કોઈ વાસ્તવિક અને વિશ્વસનીય ડેટા નથી, કારણ કે સંબંધિત સત્તાવાર એજન્સી દ્વારા 2011થી ડોમેસ્ટીક સર્વે હાથ ધરવામાં આવ્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button