નેશનલ

‘વિપક્ષ બાળકોને કઠ્ઠમુલ્લા અને મૌલવી બનાવવા ઈચ્છે છે’ યોગી આદિત્યનાથે વિધાનસભામાં આવું કેમ કહ્યું?

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર આજથી (Uttar Pradesh Assembly)શરૂ થયું. પહેલા જ દિવસે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. વિધાનસભા અધ્યક્ષ સભ્યોને અવધી, ભોજપુરી, વ્રજ, બુદેલી અને અંગ્રેજીને ગૃહની કાર્યવાહીનો ભાગ બનાવવા અંગે જણાવી રહ્યા હતા, ત્યારે સમાજવાદી પાર્ટીના માતા પ્રસાદ પાંડે દ્વારા ગૃહની કાર્યવાહીમાં અંગ્રેજી સાથે ઉર્દૂનો પણ સમાવેશ કરવા કહ્યું, ત્યાર બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા.

આ પણ વાંચો: મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓને CM યોગીએ કરી અપીલ; કહ્યું “તે દરેક સહિયારી જવાબદારી….

‘ઉર્દૂનો સમાવેશ કેમ નહીં?’

સ્પીકર ગૃહને માહિતી આપી રહ્યા હતાં, ત્યારે સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય માતા પ્રસાદ પાંડેએ કહ્યું કે તેઓ અવધી, બુંદેલખંડીની વિરુદ્ધ નથી, પરંતુ અંગ્રેજીનો સમાવેશ શા માટે…અને જો આપણે અંગ્રેજીનો સમાવેશ કરી રહ્યા છીએ, તો પછી ઉર્દૂને કેમ છોડી દઈએ? કાર્યવાહી ઉર્દૂમાં પણ ઉપલબ્ધ હોવી જોઈએ.

યોગી આદિત્યનાથના પ્રહાર:

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે આ સમાજવાદીઓનું બેવડું વલણ દર્શાવે છે; તેઓ પોતાના બાળકોને ઈંગ્લીશ પબ્લિક સ્કૂલમાં મોકલશે અને બીજાના બાળકોને ગામડાની શાળાઓમાં ભણવા માટે કહેશે. તેઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપશે અને બીજાઓને ઉર્દૂ શીખવવાનું કહેશે, તેઓ બાળકો કઠ્ઠમુલ્લા અને મૌલવી બનાવવા માંગે છે, આ નહીં ચાલે. આનાથી સ્પષ્ટ થાય છે કે તેમના વિચારો કેવા છે.

મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું કે, એટલા માટે તમે ગઈકાલે અવધી ભોજપુરી બુંદેલી ભાષાનો વિરોધ કર્યો હતો. અમારી સરકારમાં બ્રજ, ભોજપુરી, અવધી, બુંદેલખંડી જેવી વિવિધ બોલીઓને સમ્માન મળી રહ્યું છે. અમારી સરકારમાં પણ અલગ અલગ એકેડેમી બનાવવામાં આવી રહી છે, આ બધી હિન્દીની બોલીઓ છે, એટલે કે તે હિન્દીની દીકરીઓ છે. આ ગૃહ શુદ્ધ સાહિત્યિક અને વ્યાકરણના વિદ્વાનોનું નથી. સમાજના વિવિધ વર્ગોના સભ્યો આ ગૃહમાં આવ્યા છે. ગૃહમાં નીચેના સ્તરના વ્યક્તિનો અવાજ ઉઠાવવા માટે, જો તે હિન્દી બોલી શકતો નથી તો તે અવધી, બુંદેલખંડી, ભોજપુરી, ગમે તે બોલી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button