PPF વિશે આ વધુ જાણવા જેવું જરૂરી છે

ફાઈનાન્સના ફંડા -મિતાલી મહેતા
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) એકાઉન્ટ કેવી રીતે ખોલાવવુંથી લઈને એની ખાસિયતો તથા કરવેરા સંબંધિત જોગવાઈઓ વિશે આ કૉલમમાં આપણે અગાઉ વાત કરી છે..
આજે પીપીએફને લગતા બીજા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડીએ:
પીપીએફ સામે લોન
ખાતું ખોલાવ્યાના ત્રીજાથી પાંચમા નાણાકીય વર્ષની વચ્ચે પીપીએફ ખાતાની સામે લોન લઈ શકાય છે. આ સમયગાળા બાદ પીપીએફ ખાતામાંથી માત્ર આંશિક ઉપાડની મંજૂરી છે. લોનની મહત્તમ મુદત છત્રીસ મહિના એટલે કે ત્રણ વર્ષની હોઈ શકે છે. જોકે, લોન માટે અરજી કર્યાનાં બે વર્ષ પહેલાં ખાતામાં જેટલી રકમ હોય એના મહત્તમ 25 ટકાથી વધુની લોન હોઈ શકે નહીં. ઉદાહરણ તરીકે, જો તમે 2020-21માં પીપીએફ ખાતું ખોલાવ્યું હોય અને 2025-26માં લોન માટે અરજી કરો છો તો તમને વર્ષ 2023-24માં તમારા પીપીએફ ખાતામાં રહેલી બેલેન્સના 25 ટકા સુધીની લોન મળી શકે છે.
લોન પરના વ્યાજનો દર તમને પીપીએફના તમારા રોકાણ પર મળતા વ્યાજદર કરતાં 1 ટકો વધુ હોય છે, જેમ કે હાલ તમને પીપીએફ પર 7.10 ટકાના દરે વ્યાજ મળે છે તેથી તમારી લોન પરનો વ્યાજદર 8.1 ટકા થાય. લોન 36 મહિનામાં ચૂકવવાની રહે છે. જો ખાતાધારક આમ કરવામાં નિષ્ફળ જાય તો ખાતામાં મળતાં વ્યાજદર કરતાં 6 ટકા વધુ વ્યાજદર લાગુ પડે છે. આમ, વધારે લાગતો વ્યાજદર 1 ટકાથી વધીને 6 ટકા થઈ જશે. લોન લેનારે પહેલાં મુદ્દલની ચુકવણી કરવાની હોય છે અને પછી વ્યાજની. આ વ્યાજ મહત્તમ બે માસિક હપ્તામાં ચૂકવવાનું હોય છે. જો મુદ્દલ ચૂકવાય, પણ વ્યાજ આંશિક રીતે કે પૂરેપૂરું ચૂકવાય નહીં તો ચૂકવવાપાત્ર રકમ પીપીએફ એકાઉન્ટની બેલેન્સમાંથી કાપી નાખવામાં આવે છે.
પીપીએફ ખાતામાંથી આંશિક ઉપાડ
પીપીએફ એવા ખાતાધારકોને આંશિક ઉપાડની મંજૂરી આપે છે જેમને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ભંડોળની જરૂર હોય. જોકે, આવા ઉપાડ ખાતામાં રોકાણનાં ઓછામાં ઓછાં 5 નાણાકીય વર્ષ પૂરાં થયાં પછી જ કરી શકાય છે. ઉપાડ પહેલાંના ચોથા વર્ષના અંતે જે રકમ હોય અને પાછલા વર્ષના અંતે જે રકમ હોય એમાંથી જે રકમ ઓછી હોય એના મહત્તમ 50 ટકા જેટલી રકમ ઉપાડી શકાય છે. વળી, નાણાકીય વર્ષમાં માત્ર એક જ વાર ઉપાડ કરી શકાય છે.
પીપીએફ ખાતામાંથી કુલ ઉપાડ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડના નિયમો અનુસાર, ખાતાધારક ખાતાની પાકતી મુદતે, એટલે કે, 15 વર્ષ પૂરાં થયાં પછી (જો તેઓ મુદત વધારવા માગતા ન હોય તો) પીપીએફ એકાઉન્ટમાં જમા થયેલી સંપૂર્ણ બેલેન્સ ઉપાડી શકે છે. મુદત પૂરી થયે ઉપાડ કરીને ખાતું બંધ કરી શકાય છે.
જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના પીપીએફ ખાતામાંથી આંશિક કે સંપૂર્ણ ઉપાડ કરવા માગતી હોય ત્યારે તમામ સંબંધિત માહિતી સાથે યોગ્ય રીતે ભરેલું ‘ફૉર્મ સી’ સુપરત કરવું જરૂરી છે.
પીપીએફ એકાઉન્ટ અકાળે બંધ કરાવવું…
જો આ મુજબ જણાવેલાં કારણોમાંથી કોઈ એક કારણ હોય તો પીપીએફ એકાઉન્ટને અકાળે બંધ કરવાની મંજૂરી ફક્ત પાંચ નાણાકીય વર્ષ પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે:
1) જો ખાતાધારકને, એમના જીવનસાથીને અથવા બાળકોને ગંભીર રોગ થાય અથવા જીવલેણ બીમારીની સારવારની જરૂર હોય.
2) જો ખાતાધારકનાં સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે નાણાંની જરૂર હોય. જોકે, શિક્ષણ અપાવવાનું છે એના પુરાવા તરીકે કૉલેજ અથવા યુનિવર્સિટીમાં બાળકના પ્રવેશની પુષ્ટિ કરતા દસ્તાવેજો સુપરત કરવાની જરૂર હોય છે.
પીપીએફ ખાતું અકાળે બંધ કરાવવામાં આવે ત્યારે ખાતામાં મળતા વ્યાજના વાસ્તવિક દરમાંથી 1% જેટલો દંડ લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો ખાતાધારકને 7.1%ના દરે વ્યાજ મળતું હોય અને જો તેઓ અકાળે ખાતું બંધ કરાવે તો વ્યાજનો દર ઘટાડીને 6.1% કરવામાં આવે છે.
ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં એમનું પીપીએફ ખાતું આપમેળે બંધ થઈ જાય છે અને જમા થયેલી રકમ એમના ખાતાના નોમિનીને ચૂકવવામાં આવે છે.