નવા મુખ્ય ચૂંટણી કમિશનર સંદર્ભે PM ઓફિસમાં બેઠક; નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી રહ્યા હાજર

નવી દિલ્હી: ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર 18મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા હોય આથી નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ની પસંદગી અંગે આજે વડા પ્રધાન કાર્યાલયમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠક પીએમ મોદીના નેતૃત્વમાં 3 સભ્યોની સમિતિ દ્વારા યોજાઈ હતી અને તેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. મુખ્ય ચૂંટણી કમિશ્નરની પસંદગી અંગે, કોંગ્રેસે સરકારને સૂચન કર્યું છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય ત્યાં સુધી બેઠક મુલતવી રાખવી જોઈએ.
મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમિતિ નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગીની પ્રક્રિયાને આગળ ધપાવશે. મુખ્ય ચૂંટણી કમિશનરના નિમણૂકની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી અપેક્ષા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની પસંદગી સમિતિની ભલામણ બાદ રાષ્ટ્રપતિ ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ન નિમણૂક કરશે. અત્યાર સુધી પરંપરા રહી છે કે સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનરને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવશે.
કોંગ્રેસે શું કહ્યું?
જો કે આ બેઠક અંગે કોંગ્રેસે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ સમિતિની બેઠક આગામી એક કે બે દિવસ માટે મુલતવી રાખવી જોઈતી હતી કારણ કે સુપ્રીમ કોર્ટ સંબંધિત કાયદાની સુનાવણી કરવાની છે. પાર્ટીના પ્રવક્તા અને વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ એવો પણ દાવો કર્યો હતો કે મુખ્ય ન્યાયાધીશને પસંદગી સમિતિથી દૂર રાખવાનો અર્થ એ છે કે આ સરકાર આ બંધારણીય સંસ્થા પર પોતાનું નિયંત્રણ ઇચ્છે છે.
2022માં રાજીવ કુમારે કાર્યભાર સંભાળ્યો
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વર્ષ 2022 માં આ કાર્યભાર સંભાળ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ, ચૂંટણી પંચે 2024 માં લોકસભાની ચૂંટણીઓ યોજી હતી. આ ઉપરાંત ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઝારખંડની ચૂંટણીઓ અને આ વર્ષે યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓનો સમાવેશ થાય છે.