ગાંધીજીના ગ્રામ સ્વરાજ્યના વિચારને સમાપ્ત કરવાની જરૂર: ન્યાયામૂર્તિ મુહમ્મદ મુસ્તાક

નવી દિલ્હી: કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ મુહમ્મદ મુસ્તાકે ગાંધીવાદી વિચારધારા પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કે આજે શાસન અને સમાજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમય કરતાં વધુ પડકારો છે, તેથી તેમના વિચારો પર આધારિત વ્યવસ્થાને નાબૂદ કરવી જોઈએ.
સોમવારે કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ મુસ્તાકે કહ્યું કે, “આજે શાસનમાં વધુ પડકારો છે, તેથી મહાત્મા ગાંધી દ્વારા આપવામાં આવેલ અને કલ્પના કરાયેલ ગ્રામ સ્વરાજ અથવા પંચાયતી રાજ વ્યવસ્થાનો વિચાર હવે રદ કરવો જોઈએ. આ સાથે તેમણે શાસન અને સત્તાના વિવિધ સ્વરૂપોનું કેન્દ્રીકરણ સૂચવ્યું છે.
જસ્ટિસે કહ્યું આ મારુ અંગત મંતવ્ય
જસ્ટિસ મુહમ્મદ મુસ્તાકે ખુલ્લી અદાલતમાં આ સૂચન આપતા કહ્યું કે આ તેમના અંગત વિચારો છે. બાર અને બેન્ચના અહેવાલ મુજબ, જસ્ટિસ મુસ્તાકે કહ્યું, “મારો વ્યક્તિગત મત છે કે ગાંધીજીએ જે પ્રકારના ગ્રામ સ્વરાજની કલ્પના કરી હતી અને જેને બંધારણીય રીતે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે તેને હવે નાબૂદ કરવું જોઈએ કારણ કે આજના સમયમાં શાસન ખૂબ જ જટિલ બની ગયું છે. તે સમયે, ફક્ત નાની નાની બાબતો જ કરવાની જરૂર હતી, પરંતુ સ્થાનિક સત્તાવાળાઓ માટે પડકારો હવે ઘણા મોટા થઈ ગયા છે.
આ પણ વાંચો : અમદાવાદ પોલીસ અને AMC પર હાઈકોર્ટ લાલધુમ; કહ્યું આદેશોનું પાલન કરો નહિતર…
શહેરી આયોજન એક મોટો પડકાર
તેમણે આગળ કહ્યું હતું કે જો આપણે મુકદ્દમાની પદ્ધતિઓ પર નજર કરીએ તો, શહેરી આયોજન એક મોટો પડકાર બનીને ઉભરી આવ્યું છે. આજના સમયમાં વેસ્ટ મેનેજમેન્ટ એ બીજો મોટો પડકાર છે. આ કામ જમીની સ્તરે થઈ શકતું નથી. આપણી પાસે ઘણી ભગિની સંસ્થાઓ છે પરંતુ હવે તેનું સંચાલન કરવા માટે આપણી પાસે એક કેન્દ્રિય સત્તા હોવી જોઈએ.