કોણે લગાવી મધ્ય રેલવેની ટ્રેનોને બ્રેક? ધસારાના સમયે ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓને હાલાકિ…
મુંબઈઃ મુંબઈમાં છેલ્લાં કેટલાક સમયથી પ્રદૂષણમાં વધારો થતાં અને હવાની ગુણવત્તા ખોરવાઈ જતાં વાતાવરણ ધૂંધળું થઈ ગયું હતું. જેને કારણે મધ્ય રેલવે પર ટ્રેનો મોડી પડી હતી અને નોકરી પર જઈ રહેલાં મુંબઈગરાને સવાર-સવારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
દેશની રાજધાની દિલ્હી પ્રદુષણ પ્રદૂષિત હવાને કારણે હંમેશા જ ચર્ચામાં રહેતું હોય છે અને હવે દેશની આર્થિક રાજધાની મુંબઈ પણ આ જ કારણે હેડલાઈન્સમાં આવી ગઈ હતી. ઓછી વિઝિબિલીટીને કારણે મધ્ય રેલવે પર ટ્રેન વ્યવહાર ધસારાના સમયે ખોરવાયો હતો.
આ બાબતે માહિતી આપતા સાધનોએ જણાવ્યું હતું કે બુધવારે મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર કલ્યાણની આગળ લોકલ ટ્રેનો 15-20 મિનીટ મોડી પડી હતી. જ્યારે ટિટવાળા-વાશિંદ વચ્ચે સવારે 6.30 કલાકથી નવ વાગ્યા સુધી વિઝિબિલિટી ઓછી હતી. જ્યારે કર્જત-બદલાપુર વચ્ચે સવારે સાડાપાંચ વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી વિઝિબિલિટીનો પ્રોબ્લેમ હતો જેને કારણે લોકલ ટ્રેનો 15-20 મિનીટ મોડી પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈના મધ્ય રેલવે પર લોકલ ટ્રેનોમાં રોજના આશરે 35 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને આ જ કારણે લોકલ ટ્રેનને મુંબઈની લાઈફલાઈન માનવામાં આવે છે. જ્યારે લોકલ ટ્રેનો જ ખોટકાય ત્યારે મુંબઈગરાઓએ પારાવાર હાલાકિનો સામનો કરવાનો વારો આવે છે.
દેશની રાજધાની દિલ્હી હંમેશાં જ પ્રદુષિત હવાને કારણે હેડલાઈન્સમાં રહે છે, પરંતુ મંગળવારે મુંબઈએ પણ પ્રદુષણના મામલામાં તમામ વિક્રમો તોડી નાખ્યા હતા. મંગળવારે મુંબઈનો AQI 113 હતો, જ્યારે દિલ્હીનો AQI 88 જેટલો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની ગણતરી દુનિયાના સૌથી પ્રદુષિત શહેરોમાં થાય છે અને ભારતની વાત કરીએ તો સામાન્યપણે નવેમ્બર બાદ આખા ભારતમાં પ્રદુષણનું સ્તર વધી જાય છે.