અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં કેટલા ડ્રોનની થઈ છે નોંધણી? રાજ્યસભામાં રજૂ થયેલો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે. સરકાર પણ વિવિધ યોજનાઓમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, ગુજરાતમાં 29 જાન્યુઆરી, 2025 સુધીમાં કુલ 1,338 ડ્રોન નોંધાયેલા છે. રાજ્યસભામાં આ વિગત આપવામાં આવી હતી. દેશમાં કુલ 29501 ડ્રોનનું રજિસ્ટ્રેશન થયેલું છે. આ તારીખ સુધીમાં DGCA દ્વારા અધિકૃત રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (RPTOs) દ્વારા 22,466 રિમોટ પાયલટ સર્ટિફેકટ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર; કહ્યું, “દુર્ભાગ્યવશ, વડા પ્રધાન મોદી ડ્રોન ક્રાંતિને સમજવામાં નિષ્ફળ

વિવિધ સેક્ટરમાં ડ્રોનનો ઉપયોગ વધારવા સરકારે લીધેલા પગલાં

ભારતમાં ડ્રોન અને ડ્રોન ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાની જાહેરાત કરી.
ડ્રોન (સુધારા) નિયમો, 2024 ને 21 ઓગસ્ટ, 2024 ના રોજ નોટીફાઇ કરવામાં આવ્યા. જેમાં ડ્રોનની નોંધણી અને નોંધણી રદ કરવા/ટ્રાન્સફર માટે ફોર્મ D-2 અને D-3 માં પાસપોર્ટની ફરજિયાત આવશ્યકતાને દૂર કરવામાં આવી હતી. હાલ ડ્રોનની નોંધણી અને નોંધણી રદ કરવા અથવા ટ્રાન્સફર કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલા ઓળખનો પુરાવો અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સરનામાનો પુરાવો એટલે કે મતદાર કાર્ડ, રેશન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ સ્વીકારવામાં આવે છે.

આ પણ વાંચો: 10 – 12માની પરીક્ષામાં કોપી કરનારાઓને ડ્રોન પકડશેઃ કોપી-ફ્રી ઝુંબેશનો કરાશે કડક અમલ

ગ્રીન ઝોનમાં કોઈ પરવાનગીની જરૂર નથી. યલો ઝોનમાં ડ્રોન ચલાવવા માટે સંબંધિત એર ટ્રાફિક કંટ્રોલની પરવાનગી જરૂરી છે. રેડ ઝોનમાં ડ્રોન ચલાવવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સંબંધિત રેડ ઝોન માલિકોની પરવાનગી જરૂરી રહેશે.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ વિવિધ માનવરહિત વિમાન પ્રણાલી (UAS) મોડેલોને તેમના હેતુના આધારે કુલ 96 પ્રકારના પ્રમાણપત્રો જારી કર્યા છે. આમાંથી, 65 મોડેલ કૃષિ આધારિત છે અને બાકીના 31 મોડેલ લોજિસ્ટિક્સ અને સર્વેલન્સ આધારિત છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 30 સપ્ટેમ્બર 2021 ના રોજ ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને અમલી બનાવી છે, જેમાં ભારતમાં ડ્રોન અને ડ્રોનના ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ત્રણ નાણાકીય વર્ષ માં કુલ રૂ. 120 કરોડનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આજ સુધી, યોજના હેઠળ પ્રોત્સાહન તરીકે નાણાકીય વર્ષ 2022-23, 2023-24 અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અનુક્રમે રૂ. 29.43 કરોડ, રૂ. 28.76 કરોડ અને રૂ. 3.63 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.

સૌથી વધુ ડ્રોન ધરાવતા રાજ્યો

દેશમાં કુલ 29 જાન્યુઆરી, 2025 સુધીમાં કુલ 29501 ડ્રોન નોંધાયેલા છે. દિલ્હીમાં સૌથી વધુ ડ્રોનનું રજિસ્ટ્રેશન થયું છે.

દિલ્હી- 4882
તમિલનાડુ-4588
મહારાષ્ટ્ર-4132
હરિયાણા-3689
કર્ણાટક- 2516
ગુજરાત- 1338
કેરળ- 1318
તેલંગાણા-1928

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button