ચેમ્પિયન્સ ટ્રોફીના ત્રણ દિવસ પહેલા જ ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં…

દુબઈ: રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ હજી તો શનિવારે દુબઈ પહોંચી અને પ્રેક્ટિસ શરૂ કરી ત્યાં તો તેમને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર-બૅટર રિષભ પંતને ઘૂંટણમાં ઈજા થઈ છે. એવું કહેવાય છે કે ત્રણ વર્ષ પહેલાં રિષભનો જે કાર અકસ્માત થયો હતો એમાં તેને જે ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી એમાં જ ફરી ઇન્જરી થઈ છે.
ચેમ્પિયન્સ ટ્રોફી બુધવારે શરૂ થશે અને ભારતની પ્રથમ મૅચ ગુરુવારે દુબઈમાં બાંગ્લાદેશ સામે રમાશે.
બીજા વિકેટકીપર-બૅટર કેએલ રાહુલનો ટીમમાં સમાવેશ છે જ એટલે ટીમ ઇન્ડિયા માટે આ મોટી ચિંતાનો વિષય નથી, પણ ટીમની યોજનાને જરૂર અસર પહોંચશે.
એક અહેવાલ મુજબ પ્રેક્ટિસમાં હાર્દિક પંડ્યાના શૉટમાં રિષભ પંતને આ ઈજા થઈ હતી.
તરત જ મેડિકલ ટીમ મેદાન પર દોડી આવી હતી અને પંતના ઘૂંટણ પર મોટો પાટો બાંધ્યો હતો. જોકે પછીથી પંતે ફરી પ્રેક્ટિસ શરૂ કરી હતી.
પંત પ્રેક્ટિસ બાદ અક્ષર પટેલ સાથે મજાકના મૂડમાં જોવા મળ્યો હતો. એના પરથી અનુમાન થાય છે કે પંતની ઈજા ગંભીર નથી.


પંત 2022માં તેના મમ્મીને મળવા જઈ રહ્યો હતો ત્યારે રુડકીમાં તેની કાર દેહરાદૂન-દિલ્હી હાઈવે પર ડિવાઈડર સાથે ટકરાઈ હતી અને કાર દૂર ફેંકાઈ ગયા બાદ કારમાં આગ લાગી હતી. પંતને ઘૂંટણ સહિત અનેક જગ્યાએ ઈજા થઈ હતી. ત્યારે મુંબઈમાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં ડૉ. પારડીવાલાએ પંતના ઘૂંટણમાં ત્રણ જગ્યાએ સર્જરી કરી હતી. પંતની સારવારનો ખર્ચ ક્રિકેટ બોર્ડે ઉઠાવ્યો હતો.