સ્પોર્ટસ

મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો: હાર્દિક આઈપીએલની પહેલી મૅચ નહીં રમે… જાણો શા માટે

મુંબઈ: આગામી 22મી માર્ચે આઇપીએલની નવી સીઝન શરૂ થશે અને એમાં મુંબઇ ઇન્ડિયન્સ (એમઆઈ)ની પ્રથમ મૅચ 23મી માર્ચે ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સામે રમાશે, પરંતુ એમાં કેપ્ટન હાર્દિક પંડ્યા રમતો નહીં જોવા મળે એટલે મોટા ભાગે રોહિત શર્માને એ એક મૅચ માટે કેપ્ટ્ન્સીની જવાબદારી સોંપવામાં આવશે. જોકે રોહિત એક મૅચ માટે કેપ્ટન તરીકે નહીં જોવા મળે તો તેના બદલે સૂર્યકુમાર યાદવ અથવા જસપ્રીત બુમરાહને એક મૅચ માટે સુકાન સોંપાશે એની સંભાવના છે.

વાત એ છે કે ગયા વર્ષે મુંબઇ ઇન્ડિયન્સની ટીમથી ત્રીજી મૅચમાં સ્લો ઓવર-રેટ (નિર્ધારિત સમયમાં ઓવર્સ પૂરી કરવી)ને લગતા નિયમનો ભંગ થયો હતો. ત્યારે એ ઉલ્લંઘન ત્રીજી વાર થયું હોવાથી કેપ્ટન હાર્દિક પંડ્યાના રમવા પર એક મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે ત્યારે મુંબઈની એક પણ મૅચ બાકી નહોતી એટલે એ પ્રતિબંધ આ વખતની સીઝનની શરૂઆતમાં જ લાગુ પડશે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા માટે સંજય માંજરેકરે આપ્યું મહત્ત્વનું નિવેદન, ડોમેસ્ટિક ક્રિકેટ અંગે કરી વાત

મુંબઇ ઇન્ડિયન્સના ફ્રેન્ચાઇઝીએ ફરી એક વાર હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી સોંપી છે અને તે ગયા વર્ષના સ્લો ઓવર-રેટના ત્રીજા ભંગ બદલ થયેલી સજા પૂરી કરશે. તે 23મી માર્ચે સાંજે 7:30 વાગ્યાથી ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સામે રમાનારી મુંબઈની પ્રથમ મૅચમાં નહીં રમે.

પરિણામે, હાર્દિક આઇપીએલમાં હવે સીધો 29મી માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) સામેની બીજી મૅચથી રમતો જોવા મળશે.

આ પણ વાંચો: ‘હાર્દિક્યા-પ્રિન્સુડી’ના વીડિયોએ તો જલસો કરાવી દીધો, ભાઈ…

ગયા વર્ષે (17મી મેએ) મુંબઈની ટીમથી સ્લો ઓવર-રેટનો જે ત્રીજી મૅચમાં ભંગ થયો હતો એ મૅચ લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) સામે રમાઈ હતી. હાર્દિક કેપ્ટન હોવાથી તેના પર એક મૅચનો બૅન મૂકવાની સાથે તેને 30 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં, રોહિત તેમ જ સૂર્યકુમાર યાદવ સહિત મુંબઈના એ મૅચના તમામ ખેલાડીઓને ત્યારે 12 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button