સ્પોર્ટસ

લાહોર સ્ટેડીયમમાં ભારતના ત્રિરંગા ધ્વજની બાદબાકી; PCBનો BCCI સામે બદલો

લાહોર: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની (ICC Champions Trophy 2025) છે, આઠ વર્ષના લાંબા ગાળા બાદ આ ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ 19મી તારીખે યજમાન પાકિસ્તાનન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે. એ પહેલા લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં એક ઇવેન્ટ દરમિયાન પાકિસ્તાન સહિત સાત ટીમોના ધ્વજ ફરકતા જોવા મળ્યા હતા, પરંતુ ભારતનો ત્રિરંગો ધ્વજ જોવા મળ્યો ન હતો, જેના કારણે ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાની જર્સી અંગે PCB નારાજ, ICC પાસે મદદ માંગી; જાણો શું છે મામલો

રવિવારે ગદ્દાફી સ્ટેડિયમમાં એક કાર્યક્રમ દરમિયાન હાજર ચાહકોએ જોયું કે સ્ટેડીયમમાં ભારતનો ત્રિરંગો ગાયબ હતો, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારી બાકીની તમામ સાત ટીમોના ધ્વજ ફરકી રહ્યા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય લીધો હતો, જેનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) બદલો લઇ રહ્યું છે.

https://twitter.com/Rnawaz31888/status/1891070145314906408

BCCI સામે PCBનો બદલો:

ભારત સરકારે સુરક્ષાના કારણોસર ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવાની મંજુરી આપી ન હતી. બંને બોર્ડે મહિનાઓ સુધી આ મામલે ICC સાથે ચર્ચાઓ કરી હતી. BCCIએ ભારતીય ટીમને ટુર્નામેન્ટમાંથી પરત ખેચવાની પણ તૈયારી બતાવી હતી, ત્યાર બાદ PCB હાઇબ્રિડ મોડેલમાં ટુર્નામેન્ટ રમાડવા તૈયાર થયું હતું, જે અંતર્ગત ભારતીય ટીમની બધી મેચ દુબઈમાં રમાશે. નોકઆઉટ સ્ટેજ મેચ અને ફાઇનલ માટેનું સ્થળ ફક્ત ભારતીય ટીમને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો: Champions Trophy મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાનની દખલ કરી, આ મામલે PCBના વખાણ કર્યા

BCCIએ એવો નિર્ણય પણ લીધો હતો કે ઓપનીંગ સેરેમનીમાં કેપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન નહીં જાય, ઉપરાંત BCCIએ ભારતીય ટીમની જર્સી પર યજમાન પાકિસ્તાનનું નામ પણ લખવાનો પણ ઇનકાર કયો હતો. હવે PCB ભારતનો ઝંડો ના ફરકાવીને BCCI સામે બદલો લીધો છે.

ભારત ગુરુવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે આ ટુર્નામેન્ટની પહેલી મેચ રમશે, ત્યાર બાદ 23 તારીખે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button