ગુજરાતમાં તાપમાનનો પારો 5 ડિગ્રી ઉંચકાતા લોકો થયા પરસેવાથી રેબઝેબ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનનો પારો 2 થી 5 ડિગ્રી ઉંચકાયો હતો. અચાનક ગરમીનું પ્રમાણ વધતાં લોકો પરસેવાથી રેબઝેબ થયા હતા. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. જમ્મુ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાત પર તેની મોટી અસર જોવા મળી છે. અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં એક દિવસમાં 3.5 ડિગ્રીનો વધારો થયો હતો. વહેલી સવારે લાગતી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે. જો કે, હાલના દિવસોમાં મિશ્ર ઋતુ રહેતી હોવાના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભાગમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: અંબાલાલ સાચા પડ્યાઃ સવારે ઝાકળવર્ષા પણ તાપમાનનો પારો ઊંચે
છેલ્લા બે દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી વધતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. મહત્તમ તાપમાન પણ કેટલાક જિલ્લાઓમાં 35 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુજરાત ઉપર હાલમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છે, જેને કારણે રાજસ્થાન તરફના મેદાની પ્રદેશની ગરમ હવા ગુજરાત તરફ આવી રહી છે, જેને કારણે તાપમાન સતત વધી રહ્યું છે. આ ઉપરાંત ગતરોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 36 ડિગ્રી સેલ્સ નોંધાવ્યું હતું.
આ પણ વાંચો: ભરશિયાળે આકરા ઉનાળાના એંધાણ: ભુજ શહેર 34.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ‘તપ્યું’
ચાર મહાનગરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો
અમદાવાદમાં 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 3.5 ડિગ્રીનો વધારો થયો હતો. ગતરોજ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરાનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ જ્યારે સુરતનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું.
હવામાન વિભાગે બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે.