બ્રહ્મા તથા સરસ્વતીની અનોખી વાત

અલૌકિક દર્શન -ભાણદેવ
‘શિવમહિમ્નસ્તોત્ર’નો બાવીસમો શ્ર્લોક આ પ્રમાણે છે:
‘प्रजानाथं नाथ प्रसभमभिकं स्वां दुहितरं|
गतं रोहिद्भूतां रिरमयिषु मृष्यस्य वपुषा॥
धनुष्योणेर्यात दिवमपि सपत्राकृतममुं|
त्रसन्तं तेऽद्यापि त्यजति न मृगव्याधरभस:॥’
‘હે નાથ! મૃગલીરૂપે થયેલી પોતાની પુત્રી સાથે રમણ કરવાની ઇચ્છા રાખતા અને મૃગનું રૂપ ધારણ કરીને બળાત્કારે ગમન કરવા ઇચ્છતા તે કામી પ્રજાપતિને તમે બાણનું નિશાન બનાવ્યા ત્યારે ત્રાસ પામીને બ્રહ્મા આકાશમાં જતા રહ્યા, છતાં હજુ પણ ધનુષ્ય ધારણ કરતાં તમારો શિકારી જેવો આવેશ અથવા વેગ (તમારું બાણ આર્દ્રા નક્ષત્ર બનીને) (મૃગશીર્ષ-નક્ષત્રરૂપે થયેલા) તે બ્રહ્માને હજુ છોડતો નથી.’
આ શ્ર્લોકમાં જે કથા પ્રત્યે સંકેત છે તે કથા આ પ્રમાણે છે:
એક વાર બ્રહ્માજી પોતાની પુત્રીનું સૌંદર્ય જોઈને કામવશ થયા. કામવશ બ્રહ્મા પોતાની પુત્રી સાથે કામક્રીડા કરવા તત્પર થયા. પુત્રી સરસ્વતી તો પિતા બ્રહ્માજીનો કામભાવ અને કામક્રીડાની તેમની ઇચ્છાને સમજી ગયા. ‘બ્રહ્માજી મારા પિતા છે, છતાં મારા પ્રત્યે આવો ભાવ રાખે છે અને મારી સાથે આવું નિંદ્ય કર્મ કરવા તત્પર થયા છે તે ઉચિત નથી’ એવા વિચારથી સરસ્વતીજી લજ્જિત થઈ ગયાં. પોતાનું શિયળ બચાવવા સરસ્વતીજીએ મૃગલીનું સ્વરૂપ ધારણ કર્યું અને નાસવા લાગ્યાં. કામાતુર બ્રહ્માજી આ સ્વરૂપને ઓળખી ગયા અને પોતે મૃગનું સ્વરૂપ ધારણ કરીને તેની પાછળ દોડવા લાગ્યા. શિવજીએ બ્રહ્માજીનો આવો નિંદ્ય વ્યવહાર જોયો. શિવજીએ વિચાર્યું કે બ્રહ્માજી સૃષ્ટિના સર્જક અને ધર્મના પ્રવર્તક હોવા છતાં આવું નિંદ્ય આચરણ કરે છે, તેથી તેમને અવશ્ય રોકવા જોઈએ. મહાદેવજીએ બ્રહ્માજીને શિક્ષા કરવા પોતાનું પિનાક-ધનુષ્ય ઉપાડ્યું અને તેમાંથી એક બાણ બ્રહ્માજીની પાછળ છોડ્યું. આ જોઈને મૃગરૂપે રહેલા બ્રહ્માજી અતિશય શરમાયા અને તેમને લજ્જાને કારણે અતિશય પીડા થઈ.બ્રહ્માજી આકાશમાં મૃગશીર્ષ-નક્ષત્ર-સ્વરૂપે પ્રતિષ્ઠિત થયા અને શિવજીનું બાણ આકાશમાં આર્દ્રા-નક્ષત્ર-સ્વરૂપે પ્રતિષ્ઠિત થયું. મૃગસ્વરૂપે બ્રહ્માજી અને આર્દ્રાસ્વરૂપે શિવજીનું બાણ આજ સુધી આકાશમાં પ્રતિષ્ઠિત છે.
આ કથાને તેના સ્થૂળ અર્થમાં સત્ય માનીએ તો તેનો અર્થ કોઈ રીતે સમજી શકાય તેમ નથી. બ્રહ્માજી બ્રહ્માંડના સ્રષ્ટા છે, રચયિતા છે. સનકાદિ જેવા સર્વશ્રેષ્ઠ મુનિઓ તેમના પુત્રો છે. ઋષિઓ પણ તેમનાં સંતાનો છે. આ સૃષ્ટિમાં જે કોઈ ચર-અચર સત્ત્વ છે, તે સૌ તેમનાં જ સંતાનો છે. સૃષ્ટિના પિતા બ્રહ્માજી આટલી નીચી કક્ષાએ જઈ શકે? સામાન્ય માનવી પણ આટલી નિમ્ન કક્ષાએ ઊતરી શકે નહીં, તો બ્રહ્માજી આટલી નિમ્ન કક્ષાએ ઊતરી શકે? આ ઘટનાને નિશ્ર્ચિતપણે તેના સૂક્ષ્મ અર્થાત્ સાંકેતિક અર્થમાં જ સમજવી જોઈએ.
હવે આપણે જોઈએ કે બ્રહ્માજી પોતાની પુત્રી સાથે કામક્રીડા માટે તત્પર થયા તે ઘટનાનો યથાર્થ તાત્ત્વિક અર્થ શો છે. તાત્ત્વિક સિદ્ધાંતને કથાના માધ્યમથી રજૂ કરવાની પુરાણોની એક વિશિષ્ટ પદ્ધતિ છે. બ્રહ્માજીના આ વ્યવહારના કથાપ્રસંગ દ્વારા પણ એક મહત્ત્વપૂર્ણ સાત્ત્વિક સિદ્ધાંત રજૂ થયો છે. બ્રહ્માજી એટલે સર્જકતત્ત્વ. બ્રહ્માજી એટલે સૃષ્ટિની રચના કરનાર શક્તિ. બ્રહ્માજીની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના નાભિકમલમાંથી થઈ છે. ભગવાન વિષ્ણુ એટલે સર્વોચ્ચ ચેતના (જીાયિળય ઈજ્ઞક્ષતભશજ્ઞીતક્ષયતત). નાભિકમલ એટલે સર્જનનું કેન્દ્ર. પરમ-ચૈતન્ય-સ્વરૂપ ભગવાન વિષ્ણુના નાભિકમલમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે તેનો અર્થ એમ કે પરમ ચૈતન્યમાંથી તેની જ એક શક્તિ સર્જકશક્તિ નિષ્પન્ન થાય છે.
ભગવાન વિષ્ણુની આજ્ઞાથી બ્રહ્માજી તપ દ્વારા સૃષ્ટિની રચના કરે છે. તપ એટલે સંકલ્પ. સમગ્ર સૃષ્ટિ બ્રહ્માજીના તપ દ્વારા અર્થાત્ સંકલ્પશક્તિ દ્વારા ઉત્પન્ન થાય છે. સૃષ્ટિના પ્રારંભે સૌથી પ્રથમ બ્રહ્માજીમાં સૃષ્ટિસર્જનની પ્રેરણા ઉદ્ભવે છે. આ સર્જનની પ્રેરણા તે જ સરસ્વતી. સર્જનની પ્રેરણા તે બ્રહ્માજીમાંથી ઉદ્ભવેલ પ્રથમ તત્ત્વ છે. બ્રહ્માજીમાંથી ઉદ્ભવેલ હોવાથી સરસ્વતી અર્થાત્ સર્જન-પ્રેરણા બ્રહ્માજીનું સંતાન છે. આ અર્થમાં સરસ્વતીજીને બ્રહ્માજીનાં પુત્રી કહ્યાં છે. સરસ્વતી બ્રહ્માજીનાં પુત્રી છે, પરંતુ આપણે જે દુન્યવી અર્થમાં ગણીએ છીએ તેવા સ્થૂળ અર્થમાં નહીં.
જેમ માતાપિતાના મૈથુન દ્વારા સંતાનની ઉત્પત્તિ થાય, તેવી રીતે સરસ્વતી બ્રહ્માજીની પુત્રી નથી, કારણ કે આપણે જો તેમ ગણીએ તો સરસ્વતીનાં કોઈ માતા હોવાં જોઈએ, જે બ્રહ્માજીનાં પત્ની હોય અને બ્રહ્માજીએ આ પત્ની દ્વારા સરસ્વતીની ઉત્પત્તિ કરી હોય, પરંતુ આવી કોઈ વ્યક્તિ તો હજુ છે જ નહીં. આ તો સૃષ્ટિના પ્રારંભ પહેલાંની કથા છે. બ્રહ્માજી અને તેમની સર્જન-પ્રેરણારૂપી સરસ્વતી સિવાય અન્ય તૃતીય તત્ત્વ કે વ્યક્તિ હજુ તો ઉત્પન્ન જ થઈ નથી, તેથી સરસ્વતીની માતા અને સરસ્વતીના માતારૂપે બ્રહ્માની કોઈ પત્ની છે જ નહીં. પુરાણોમાં જ્યાં-જ્યાં બ્રહ્મા-સરસ્વતીની આ કથા છે તેમાંના કોઈ પણ સ્થાને સરસ્વતીનાં માતારૂપ બ્રહ્માજીની પત્નીનો સહેજ પણ ઉલ્લેખ જોવા મળતો નથી. આના પરથી સિદ્ધ થાય છે કે સ્થૂળ કે દુન્યવી અર્થમાં સરસ્વતી બ્રહ્માજીનાં પુત્રી નથી, પરંતુ માત્ર તાત્ત્વિક રીતે તેઓ બ્રહ્માજીની પ્રેરણાશક્તિ હોવાથી પુત્રીરૂપે ગણાય છે. પુરાણોમાં જ્યાં-જ્યાં બ્રહ્માજી દ્વારા સૃષ્ટિરચનાનું વર્ણન જોવા મળે છે તેમાંના કોઈ સ્થાનમાં બ્રહ્માજી દ્વારા મૈથુનપદ્ધતિ દ્વારા કોઈ પણ વ્યક્તિ કે તત્ત્વની ઉત્પત્તિ થઈ હોય તેવો નાનોસરખો પણ ઉલ્લેખ મળતો નથી. સર્વત્ર સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે બ્રહ્માજી તપ દ્વારા અર્થાત્ સંકલ્પ દ્વારા સૃષ્ટિની રચના કરે છે. મૈથુનપદ્ધતિ દ્વારા સૃષ્ટિરચનાનો પ્રારંભ તો સૃષ્ટિરચનાક્રમમાં બહુ પાછળથી આવે છે. નારદજી, સનત્કુમારો, વસિષ્ઠ આદિ બ્રહ્માજીના પુત્રો છે, પરંતુ તેઓ સૌ બ્રહ્માજીના માનસપુત્રો છે, પત્ની દ્વારા ઉત્પન્ન થયેલા નહીં.
મૈથુની સૃષ્ટિનો પ્રારંભ તો મનુ અને શતરૂપાથી થાય છે. બ્રહ્માજીની સૃષ્ટિ-રચનાના ક્રમમાં મનુ અને શતરૂપા તો ઘણા પાછળથી આવે છે, અર્થાત્ બ્રહ્માજીની સૃષ્ટિરચનામાં મૈથુની સૃષ્ટિનો પ્રારંભ ઘણો પાછળથી થયો છે. સરસ્વતી તો બ્રહ્માજી માટે સૃષ્ટિરચનામાં પ્રેરક તત્ત્વ છે. અર્થાત્ પ્રથમ તત્ત્વ છે. તેઓ બ્રહ્માજીનાં પુત્રી સ્થૂળ અર્થમાં હોઈ શકે જ નહીં.
‘कस्य रूपमभृद् द्वेधा यत्कायमभिचक्षते|
ताभ्यां रूपविभागाभ्यां मिथुनं समपद्यत॥
यस्तु तत्र पुमान् सोऽभून्मनु: स्वराख्|
स्त्रीयाऽऽसीच्छतरूपाख्या महिष्यस्य महात्मन:॥
तदा मिथुनधर्मेण प्रजा ह्येधाम्बभूविरे॥’
- श्रीमद्भागवत : ३-१२-५२/५३/५४
‘બ્રહ્માજીના સ્વરૂપના બે ભાગ થયા, જેને હજુ પણ લોકો ‘કાય’ કહે છે. આ બંને વિભાગોનું સ્ત્રી-પુરુષ-યુગલ થયું. તે યુગલમાં જે પુરુષ હતો તે ચક્રવર્તી સમ્રાટ સ્વાયંભુવ મનુ હતા અને સ્ત્રી હતી તે મહાત્માની મહારાણી હતી. તે સમયથી પ્રજા મૈથુનધર્મથી વધવા માંડી. (અર્થાત્ મૈથુની સૃષ્ટિનો ત્યારથી પ્રારંભ થયો.)’‘ભાગવત’ના આ પ્રમાણ દ્વારા સ્પષ્ટ થાય છે કે બ્રહ્માજીની સૃષ્ટિરચનાવિષયક પુરાણકથા અનુસાર મૈથુની સૃષ્ટિનો પ્રારંભ બ્રહ્માજીથી નહીં, પરંતુ મનુ-શતરૂપાથી થાય છે. બ્રહ્માજીની સૃષ્ટિરચનાના પ્રથમ તત્ત્વ તરીકે સરસ્વતી બ્રહ્માજીની મૈથુનોત્પન્ના પુત્રી નથી જ, પરંતુ સૃષ્ટિની પ્રક્રિયાના પ્રથમ તત્ત્વ તરીકે સરસ્વતીને તાત્ત્વિક રીતે બ્રહ્માજીની પુત્રી ગણી છે. તાત્ત્વિક સિદ્ધાંત પાત્રો અને પ્રસંગો દ્વારા કહેવાની પૌરાણિક પદ્ધતિ છે.
હવે આપણે બ્રહ્મા-સરસ્વતીની કથાના દ્વિતીય ભાગના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ.બ્રહ્માજીમાંથી એક પ્રથમ તત્ત્વ ઉત્પન્ન થયું, જેને રૂપકાત્મક ભાષામાં, કથાશૈલીમાં તેમની પુત્રી સરસ્વતી કહેવામાં આવે છે. આ પ્રથમ તત્ત્વ દ્વારા, તેના માધ્યમથી બ્રહ્માજી અન્ય સૃષ્ટિની રચના કરે છે. જેમ પુરુષ સ્ત્રીના માધ્યમથી સંતાન ઉત્પન્ન કરે છે, તેમ બ્રહ્માજીએ પ્રથમ તત્ત્વ દ્વારા અન્ય સૃષ્ટિની રચના કરી. આ દ્વિતીય પ્રક્રિયા દરમિયાન જે પ્રથમ તત્ત્વ હતું તેણે પત્નીની ભૂમિકા ભજવી, તેમ રૂપકાત્મક ભાષામાં, પૌરાણિક કથાશૈલીની પદ્ધતિમાં કહી શકાય. ઉત્પત્તિના પ્રથમ તબક્કામાં જે તત્ત્વ પુત્રીરૂપ હતું તે જ તત્ત્વ આ દ્વિતીય તબક્કામાં પત્નીની ભૂમિકારૂપ બને છે. પત્ની સંતાનની ઉત્પત્તિ માટે માધ્યમ બને છે. તે જ રીતે પ્રથમ તત્ત્વ પણ સૃષ્ટિની ઉત્પત્તિનું માધ્યમ બને છે. આ એકસમાનતાને કારણે તેને પત્નીની ઉપમા આપવામાં આવેલ છે.
સૃષ્ટિ-ઉત્પત્તિની પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં પ્રથમ તત્ત્વ બ્રહ્માજીનું સર્જન છે, તેથી તે સંતાન છે, પુત્રી છે તેને જ સરસ્વતી કહે છે. સંતાન પિતાનું સર્જન છે. આ પ્રથમ તત્ત્વ બ્રહ્માનું સર્જન છે, આ સમાનતાના કારણે કથાશૈલીમાં તેને પુત્રી કહેલ છે. જેમ જળપ્રવાહ સરતો-સરતો આવે છે, તેમ પ્રેરણા પણ જળપ્રવાહની જેમ સરતી-સરતી આવે છે, તેથી તેને સરસ્વતી નામ આપવામાં આવેલ છે.
(ક્રમશ:)