ધર્મતેજ

જીવવા માટે નહિ, જિવાડવા માટે જ જિંદગી જીવો, જીવનપથને અજવાળી શકે નહિ તે ધર્મ નથી

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
માતા શાકંભરી પ્રાગટ્ય બાદ પૃથ્વી ફરી લીલીછમ થઈ ગઈ. અસુર સૈનિકો પૃથ્વી પર આવેલા પરિવર્તનથી આશ્ર્ચર્યચકિત હતા. સંસારના સમગ્ર માનવીઓ ભયમુક્ત થઈ ગયા. માનવોને ભયમુક્ત થયેલા જોઈ સેનાપતિ વિચલ દુર્ગમાસુર સમક્ષ ઉપસ્થિત થાય છે અને કહે છે, સ્વામી મારી એક વિનંતી છે, તમે તુરંત સ્વર્ગલોક પર આક્રમણ કરો અને દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણને બંદી બનાવો. સામે પક્ષે સપ્તર્ષિ માતા શાકંભરીને કહે છે કે, ‘માતા, આપે બધા લોકોને સંતુષ્ટ કરી દીધાં છે, હવે કૃપા કરીને દુર્ગમાસુર દ્વારા કેદ કરાયેલા વેદ લાવીને અમને આપો જેથી જે વૈદિક ક્રિયાઓ નષ્ટ થઈ ગઈ છે, બ્રાહ્મણો અને દેવતાઓ દુરાચારી થઈ ગયા છે. કોઈ જગ્યાએ નથી દાન દેવાતું કે નથી તપ થતું. નથી યજ્ઞ થતા કે ન હોમ-હવન. દુર્ગમનો વધ જ આ બધી બદીઓને દૂર કરી શકશે.’ માતા શાકંભરી: ‘તથાસ્તુ. હે દેવતાઓ, તમે સૌ વેદગણ તમારે ઘેર જાઓ, હું શીઘ્ર જ સંપૂર્ણ વેદ લાવીને તમને અર્પણ કરીશ.’ થોડી જ વારમાં દુર્ગમાસુરે ચારે બાજુથી સ્વર્ગલોકને ઘેરી લીધો. એ જ સમયે દુર્ગમાસુર માતા શાકંભરી સમક્ષ ઉપસ્થિત થાય છે, પછી તો દૈત્ય દુર્ગમાસુર અને માતા શાકંભરી વચ્ચે ઘોર યુદ્ધનો આરંભ થાય છે. દેવી શાકંભરીએ ત્રિશુળની ધારથી દુર્ગમાસુરનો વધ કરી નાખ્યો. દુર્ગમાસુર ખોદાઈ ગયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પડી ગયો. આ રીત દૈત્ય દુર્ગમાસુરનો ખાતમો થતાં ચારે વેદને મુક્ત કરી ફરી સપ્તર્ષિઓને આપી દીધા. ચારે વેદ મુક્ત થતાં દેવતાઓ બોલ્યાં: હે દેવી તમે દુર્ગમાસુરનો વધ કર્યો હોવાથી તમને સંસારવાસીઓ ‘દુર્ગા’ તરીકે ઓળખશે. તમે અમારા જેવા પર હંમેશાં દૃષ્ટિપાત કરીને આવી દયા કરતા રહો, હે દેવી આપ નિરંતર વિઘ્ન-બાધાઓથી તિરસ્કૃત ન થાય અને આપ અમારા શત્રુઓનો આ રીતે જ નાશ કરતો રહો.’ પ્રસન્ન માતા શાકંભરી કહે છે, ‘તમે જ્યારે જ્યારે મારું આવાહન કરો છો ત્યારે હું હંમેશાં દોડી આવું છું, હું તમને મારાં બાળકોની જેમ સમજું છું, ચિંતા ન કરો, હું તમારી આપત્તિઓનું નિવારણ કરવા માટે સદૈવ તૈયાર છું. જ્યારે જ્યારે પૃથ્વી પર અસુરો તરફથી બાધા ઉત્પન્ન થશે ત્યારે ત્યારે હું અવતાર લઈ પ્રજાજનોનું કલ્યાણ કરીશ.


પૃથ્વી પર વેદોના અવતરણ બાદ અરવલ્લીના ડુંગરોમાં આબુની આસપાસ આહુક-આહુઆ નામનું ભીલ દંપતી રહેતું હતું. આ દંપતી ભગવાન શંકરનું પરમ ઉપાસક હતું. શિવભક્ત આહુઆ અતિથિના આદર સત્કાર માટે હંમેશાં તત્પર રહેતો. ‘તિથિ’ ન હોય છતાં સારે પ્રસંગે કે શુભ પ્રસંગ હોય ત્યારે તો સૌ કોઈ આવે, પરંતુ ‘તિથિ’ ન હોય છતાં આગંતુક આવીને ઊભો રહે તે ‘અતિથિ’. આહુઆનું એક જ ધ્યેય હતું, પોતે ભજન કરે અને બીજાઓને ભોજન કરાવે ! ‘જો આપીએ ટુકડો તો પ્રભુ આવે ઢૂકડો’ એ સૂત્ર આ દંપતીએ અપનાવ્યું હતું. આ ભીલ-ભીલડીને ત્યાં કોઈ પણ ગમે ત્યારે આવે, પણ આતિથ્યસત્કાર પામ્યા વિના પાછો ન જાય. ઘરમાં જો ભોજન માટે ચીજવસ્તુઓ ઓછી હોય તો બંને ભૂખ્યા રહીને પણ આંગણે આવેલા આગંતુકને ભીલ પરિવાર જમાડે જ.

આ ભીલ દંપતીનો ગૃહસંસાર આનંદ અને સુખશાંતિથી સભર હતો. અન્યોને અનુકૂળ થવું એ એમનું ધ્યેય હતું. ગૃહકલેશને સ્થાન જ નહિ. જીવન સીધું, સાદું, સરળ અને ધર્મપરાયણ હતું. શ્ર્વાસેશ્ર્વાસે જીભ પર બસ શિવનું જ રટણ હોય.

આહુક: ‘સ્વામી, તમારી શિવભક્તિ જોઈ પોતાને ભાગ્યશાળી સમજું છું, હું મારા જીવનમાં શિવભક્તિ કઈ રીતે આત્મસાત કરી શકું, તે જણાવો.’

આહુઆ: ‘પ્રિયે, તમારે એટલું ધ્યાન રાખવું કે, જીવનમાં જેટલો પરિગ્રહ છે, તેટલો જ વિગ્રહ છે! જીવનમાં જીત માટે પ્રબળ શસ્ત્રો શ્રદ્ધા અને ખંત છે. જીવનને શિવમય બનાવવા માટે વાસનાક્ષય જરૂરી છે, પણ પરિવારની પૂર્તિ માટે વાસના આવશ્યક છે, જેમ કે જીવન માટે ખાવાની જરૂર છે પણ ખાવા માટે જીવવાનું નથી. જીવનનું મુખ્ય સૂત્ર છે ‘કમ ખા, ગમ ખા અને નમ જા’ જીવન શુદ્ધિ વિના જીવન સિદ્ધિ સાંપડવાની નથી. જિંદગી જીવો તો એવી જીવો કે જ્યારે તમે આ સંસારમાંથી વિદાય લો, ત્યારે દુનિયાની આંખો તમને યાદ કરી રડી ઊઠે. જીવવા માટે નહિ, જિવાડવા માટે જ જિંદગી જીવો. જીવનપથને અજવાળી શકે નહિ તે ધર્મ નથી, અધર્મ છે. જીવનનું અમૃત ‘પ્રેમ’ છે. જીવનના પાયામાં ‘આચાર’ અને ‘વિચાર’નું ચણતર પાકું હોય તો જ તેની ભવ્યતા બીજાને આકર્ષી શકે છે.’

પતિની વાતોને પોતાના જીવનમાં આત્મસાત કરવા પ્રેરાઈ ગયેલી આહુક પણ દિવસે ને દિવસે પ્રખર શિવભક્ત બની રહી હતી.


કૈલાસ ખાતે માતા પાર્વતી અને ભગવાન શિવ ખેલમાં વ્યસ્ત હતાં. ઘણાં સમયથી કોઈ ભક્તનો સ્વર કૈલાસ સુધી પહોંચ્યો નહોતો.

માતા પાર્વતી: ‘સ્વામી, ઘણો સમય થઇ ગયો તમારા કે મારા ભક્તોમાંથી કોઈનો સ્વર કૈલાસ સુધી પહોંચ્યો નથી, ચાલો આપણે જોઈએ કે આપણાં ભક્તો શું કરી રહ્યા છે.’

માતા પાર્વતી: ‘જુઓ સ્વામી, અરવલ્લીના આબુ પર્વતની તળેટીમાં રહેતા ભીલ પતિ-પત્ની આહુક અને આહુઆ તો આપનાં પરમ ભક્ત છે. એમનું જીવન ભક્તિમાં ખૂબ જ ઉન્નતિ કરી રહ્યું છે. આવું અનુપમ જીવન વ્યતીત કરનાર દંપતીને તમે કંઈ જ આપ્યું નથી? શું ભીલ જાતિ પ્રત્યે તમને તિરસ્કાર તો નથી આવી ગયો ને?’

માતા પાર્વતીના શબ્દોમાં ભારોભાર ઈર્ષાવૃત્તિ ભરેલો કટાક્ષ હતો. સ્ત્રી સહજ વૃત્તિથી બોલાયેલા એ વેણને શિવજી સમજી ગયા. શિવજી સમજતા હતા કે, માતા પાર્વતીની એક આંખમાં વિશ્ર્વને ભસ્મીભૂત કરવાની શક્તિ છે અને બીજી આંખમાં વિશ્ર્વનું સર્જન કરવાની અમોઘ શક્તિ પણ છે. પાર્વતીજી તો સ્નેહ, સમર્પણ, સહનશીલતા, ત્યાગ અને તપશ્ર્ચર્યાની સાક્ષાતમૂર્તિ
પણ છે, તેઓના આવા વેધક કટાક્ષને લીધે ભગવાન શિવ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયાં.

ભગવાન શિવ: ‘હું આ ભીલ-ભીલડી વિશે જ વિચાર કરી રહ્યો હતો, તેમની કસોટી કર્યા વગર તો કેમ ચાલે? ભગવાન ભક્તોની આડકતરી રીતે કસોટી તો કર્યા જ કરે છે. આથી શિવજી પૃથ્વી પર આવ્યા. તેમણે યોગીનું રૂપ ધારણ કર્યું. સંધ્યા સમયે આહુકના બારણે આવીને બૂમ પાડી.

યોગી (ભગવાન શિવ): ‘છે કોઈ ઘરમાં?’

આહુક-આહુઆ બહાર આવ્યાં. યોગીને જોઈ પ્રેમપૂર્વક પ્રણામ કર્યા. યોગીએ જમણો હાથ ઊંચો કરી કહ્યું : ‘તમારું કલ્યાણ થાઓ.’
આહુક: ‘બોલો મહારાજ ! આપની શી સેવા કરું.’

યોગી (ભગવાન શિવ): ‘આજે મારે નકરડો ઉપવાસ છે એટલે ભોજન તો નહિ લઉં. આરાસુરી અંબાના દર્શને જવું છે, હું આદ્યશક્તિ અંબાનો પરમ ઉપાસક છું…’

આહુક: ‘મહારાજ! આપ આરાસુરી અંબાને દર્શને જાઓ એ પહેલાં અમારું આતિથ્ય સ્વીકારો અને અમને ‘અંબા’ મહાતત્ત્વનું ઐશ્ર્વર્ય સાંભળવાની ઉત્કંઠા છે તો તેમનો મહિમા અને ઐશ્ર્વર્ય કહી સંભળાવો.”

યોગી (ભગવાન શિવ): ‘અવશ્ય.’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button