ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ માટે સરેરાશ 56.60 ટકા મતદાન; ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે 11 કલાકમાં એટલે કે 6 વાગ્યા સુધીનું સરેરાશ 56.60 ટકા મતદાન થયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાની સાથે જ 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. જે માટે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
ગતચૂંટણી કરતાં 8.4 ટકાનો ઘટાડો
રાજ્યની 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં કુલ 5084 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા. સરેરાશ 56.60 ટકા મતદાન થયું છે. જો કે વર્ષ 2018માં યોજાયેલી 75 નગરપાલિકા ચૂંટણીમાં સરેરાશ 65 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વખતે 56.6 ટકા વોટિંગ થતાં ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનમાં 8.4 ટકાનો ઘટાડો થયો છે.
આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થયુ હતું. સમગ્ર રાજ્યમાં જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ દરમિયાન રાજ્યમાં ઘણા સ્થળોએ ઈવીએમ ખોટકાયા હતા. રાજકોટની જેતપુરમાં ચભાડીયા સ્કૂલમાં 5 નંબરનું મશીન બંધ હોવાની ફરિયાદ સામે આવી છે. ભાજપ ઉમેદવારે ઝોનલ ઓફિસરને ઈવીએમ અંગે રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં નગરપાલિકામાં બપોરે 3 કલાક સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું?
5084 ઉમેદવારો મેદાનમાં
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે તા.01-02-2025 સુધીમાં કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જેમાંથી 1261 અમાન્ય અને 5775 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. જ્યારે 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. કુલ 213 બેઠકો બિનહરીફ થઈ જાહેર થઈ હતી. આમ કુલ 5084 ઉમેદવારો હરિફાઇમાં છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડોની કુલ 60 બેઠકોમાંથી 8 બેઠકો સંપૂર્ણ બિનહરીફ થઈ હતી, જ્યારે બાકી રહેલી બેઠકો માટે કુલ 157 ઉમેદવારો વચ્ચે હરીફાઈમાં ચૂંટણી યોજાઇ હતી. જ્યારે સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા હતા. આમ કુલ 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને 1677 બેઠકો પર 4374 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી. જ્યારે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18(પછાતવર્ગ), અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.7 (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.3 (સામાન્ય)ની પેટા ચૂંટણી યોજાઇ હતી.