નવી મુંબઈમાં રિક્ષા ચોરનારો પકડાયો: બુલઢાણાથી 18 વાહન જપ્ત

થાણે: નવી મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી રિક્ષા ચોર્યા બાદ તેને વેચી મારનારા આરોપીને પોલીસે પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. આરોપીએ ચોરેલી 18 રિક્ષા પોલીસે બુલઢાણાથી જપ્ત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસની ટીમ 10 ફેબ્રુઆરીએ રાતે પનવેલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમની નજર શખસ પર પડી હતી.
નવી મુંબઈના જે વિસ્તારોથી રિક્ષા ચોરાઇ હતી, ત્યાંના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાયેલા શકમંદનો ચહેરો એ શખસ સાથે મળતો આવતો હોવાથી પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે રિક્ષામાં ભાગી છૂટ્યો હતો.
આ પણ વાંચો: દિલ્હી, મધ્યપ્રદેશમાં ચોરીને અંજામ આપનાર શિકલીગર ગેંગની ત્રિપુટી મોરબીથી ઝડપાઇ
પોલીસે ચાર કિલોમીટર સુધી પીછો કરીને સ્થાનિકોની મદદથી તેને પકડી પાડ્યો હતો. શખસની ઓળખ નિસાર સત્તાર ખાન (36) તરીકે થઇ હતી, જે પનવેલનો રહેવાસી છે.
પૂછપરછમાં નિસાર ખાને પનવેલ, કલંબોલી અને કામોઠે વિસ્તારમાંથી 18 રિક્ષા ચોરી હોવાની કલૂબાત કરી હતી, જે તેણે બુલઢાણામાં વેચી મારી હતી.
આરોપી રિક્ષાના એન્જિન અને ચેસીસ નંબર સાથે ચેડાં કરતો હતો અને બાદમાં તેને વેચી મારતો હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
(પીટીઆઇ)