IND vs PAK મેચ overhyped છે; હરભજને આવું કહી ફેન્સને આવી ચેતવણી આપી

મુંબઈ: માત્ર ICC ટુર્નામેન્ટમાં જ જોવા મળતા ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ મેચ માટે સરહદની બંને બાજુના ક્રિકેટ ચાહકો ઉત્સાહિત (IND vs PAK cricket match) હોય છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ 23 ફેબ્રુઆરીના રોજ બંને દેશોની ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાશે, જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ક્રિકેટ રસિકોને એક ફરી એકવાર રોમાંચક મેચ જોવા મળે તેવી આશા છે, એવામાં ભારતના ભૂતપૂર્વ ઑફ સ્પિનર હરભજન સિંહે આ મેચને ‘ઓવરહાઈપ્ડ’ ગણાવી છે.
મેચ રોમાંચક નહીં રહે!
હરભજનના મત મુજબ આ મેચ અપેક્ષા મુજબ રોમાંચક નહીં રહે, કેમ કે બંને ટીમોની ક્વોલીટીમાં ઘણો ફરક છે. દર્શકો મેચનો અપેક્ષા મુજબ આનંદ માણી શકશે નહીં. હરભજને જણાવ્યું હતું કે ભારત ODI ક્રિકેટમાં પાકિસ્તાન કરતા ઘણું આગળ છે. તેમણે આગાહી કરી હતી કે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાનારી મેચ એકતરફી રહેશે.
મેચ ઓવરહાઈપ્ડ છે!
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને કેઝ આસમાને છે. સ્ટેડિયમમાં મેચની એક્સ્ટ્રા ટિકિટો આજે 16 ફેબ્રુઆરીના રોજ વેચાણ માટે મુકવામાં આવી જે થોડા કલાકોમાં જ વેચાઈ ગઈ. ચાહકો મોટી રકમ ખર્ચીને પણ આ મેચ જોવા તૈયાર છે.
હરભજને કહ્યું કે મેચ માટે ટિકિટના ભાવ સામાન્ય કરતા ઘણા વધારે છે, પરંતુ ચાહકોને બંને હરીફો વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો નહીં જોવા મળે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ઓવરહાઈપ્ડ છે. કારણ કે તેમાં કંઈ ખાસ નહીં જોવા મળે.
બેટિંગ લાઇન-અપ્સમાં મોટો તફાવત:
હરભજને બંને ટીમોની બેટિંગ લાઇન-અપ્સ વચ્ચે મોટું અંતર હોવાનું કહ્યું. તેમને કહ્યું “તેમના મુખ્ય બેટર્સને જુઓ. તેમનો સ્ટાર બેટર બાબર આઝમ છે. ભારત સામે તેની સરેરાશ 31 છે. જો તમે ટોચના બેટ્સમેન છો, તો તમારી એવારેજ 50 હોવી જોઈએ. પછી, રિઝવાન છે, એક ખેલાડી તરીકે મને તે ગમે છે, પરંતુ ભારત સામે તેની સરેરાશ 25 છે. ઓપનર ફખર ઝમાનની એવરેજ 46 છે, જે સારી છે. ફહીમ અશરફની એવરેજ 12.5 છે, સઈદ શકીલની ભારત સામે એવરેજ 8 છે. તેમની બેટિંગ લાઇન-અપ જોતાં, મને નથી લાગતું કે આ ટીમ ભારતને લડત પણ આપી શકાશે.”
આ પણ વાંચો : મુંબઈથી દુબઈઃ ભારતના મોટા ભાગના ક્રિકેટરો ચૅમ્પિયન્સ ટ્રોફી માટે રવાના થઈ ગયા
છેલ્લી IND vs PAK ODI:
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ વર્લ્ડ કપ 2023 દરમિયાન અમદાવાદમાં રમાઈ હતી આ મેચ એકતરફી રહી. પાકિસ્તાનની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેમાં બાબર આઝમે ફિફ્ટી ફટકારી હતી. ભારતે ફક્ત 30.3 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો, જેમાં રોહિત શર્માએ માત્ર 63 બોલમાં 86 રન ફટકાર્યા હતાં.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ જોઈએ તો પાકિસ્તાન ભારતથી આગળ જણાય છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને ભારત સામેની પાંચમાંથી ત્રણ મેચ જીતી છે, જેમાં લંડનમાં 2017ની ફાઇનલનો પણ સમાવેશ થાય છે.